તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • Div ચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને એ પછી લોકસભાની ચૂંટણીના દિવસો

ચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને એ પછી લોકસભાની ચૂંટણીના દિવસો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને એ પછી લોકસભાની ચૂંટણીના દિવસો ગણાઇ રહ્યા છે. કેન્દ્રમાં ભાજપની સરકાર સામે જે પડકારો છે તેના ઉપર સરકાર સક્રિયતાથી કામ કરી રહી છે. તેનું એક ઉદાહરણ તો ગુરુવારે જ જોવા મળ્યું. સરકારે એક્સાઇઝ ઓછી કરીને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો. એટલું જ નહીં, ભાજપ શાસિત રાજ્યોને પણ કહ્યું કે વેટમાં ઘટાડો કરો. નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું એટલે એક પછી એક રાજ્યોમાંથી એવા સમાચાર આવવા મંડ્યા કે અમે વેટમાં ઘટાડો કરી દીધો છે. સરવાળે લોકોને અંદાજે પેટ્રોલમાં પાંચેક રૂપિયા જેટલો ફાયદો થઇ ગયો. આ ફાયદો એવો છે કે લોકોને ઇન્સ્ટન્ટ રિલીફ થાય. જોકે તેનાથી અર્થતંત્રને પણ માટો ફેર પડી શકે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ ગુડ્ઝ ટ્રાન્સપોર્ટેશનને સીધા અસર કરે છે અને તેનાથી ચીજવસ્તુઓના ભાવમાં ફેર પડે છે. ઓવરઓલ ભાવમાં ઘટાડો એ બધા માટે એક રાહતના મોટા સમાચાર છે. સવાલ એ છે કે આ ભાવ જળવાઇ રહેશે ખરા? એક વાત બધા જાણે છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ ઉપર સરકારનો કોઇ સીધો કંટ્રોલ નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં જે વધ-ઘટ થાય છે તેના ઉપર ભાવનો આધાર રહે છે. આપણે ત્યાં તો સરકારે રોજે રોજ ભાવ નક્કી થાય એવી પદ્ધતિ આપનાવી છે. દરરોજ એવા સમાચારો આવતા રહેતા કે આજે આટલા ભાવ વધ્યા. છેલ્લા ઘણા દિવસોથી તો ભાવમાં સતત વધારાનો જ ટ્રેન્ડ જોવા મળતો હતો. આખરે સરકારે જે કરવું જોઇએ એ કર્યું છે. આમ તો સરકારે આ કરવું પડે તેમ જ હતું કારણ કે એક્સાઇઝ અને વેટમાં ઘટાડા સિવાય સરકાર પાસે બીજો કોઇ ઉપાય જ નહોતો.

પેટ્રોલ અને ડીઝલના ભાવનો જીએસટીમાં સમાવેશ કરાયો નથી. એક શક્યતા તો એ પણ જોવાઇ રહી છે કે લોકસભાની ચૂંટણી પહેલાં પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં સમાવી લેવાનો નિર્ણય કરવામાં આવે તો એમાં જરાયે નવાઇ પામવા જેવું નહીં હોય. સરકારે અમુક શસ્ત્રો ખરા સમયે વાપરવા માટે સાચવી રાખ્યાં હોય છે. ખેર, એ તો સમય આવ્યે ખબર પડી જશે. લોકસભા પહેલાં તો પાંચ રાજ્યોની ચૂંટણી આવી રહી છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ વિધાનસભાની ચૂંટણી જાહેર થવાનું કાઉન્ટ ડાઉન થઇ રહ્યું છે. ચૂંટણી જાહેર થઇ જાય તો આચાર સંહિતા લાગુ પડી જાય છે. એ પછી રાજ્ય સરકાર વેટ ઘટાડવા જેવા નિર્ણયો લઇ શકે નહીં. આ ભાવઘટાડો પાંચ રાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરાયો છે એવું કહીએ તો પણ કંઇ ખોટું નથી. જે હોય તે, અત્યારે તો લોકોને રાહત થઇ છે. સરકાર આ કામ વહેલું કરી શકી હોત પણ અંગ્રેજીમાં પેલી કહેવત છે ને કે બેટર લેઇટ ધેન નેવર.

અત્યાર સુધીની પરિસ્થિતિ શું હતી? દેશની ઓઇલ કંપનીઓ પેટ્રોલપંપ સુધી ઇંધણ પહોંચાડે છે. દેશની સૌથી મોટી ઓઇલ કંપનીમાં જેની ગણના થાય છે એ ઇન્ડિયન ઓઇલ કંપની ડીલરને એક લિટર પેટ્રોલ અંદાજે 39.22 લેખે આપતી હતી. એના પર રાજ્યનો વેટ ટેક્સ, સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી અને ડીલરનો નફો ઉમેરાતો હતો. સરવાળે એવું થતું કે ઓઇલ કંપની જે ભાવોએ પેટ્રોલ-ડીઝલ આપતી એના કરતાં બમણા ભાવે લોકોને મળતું. કહેવાનો મતલબ એ છે કે અડધાથી વધુ રકમ સરકારની તિજોરીમાં જતી હતી. એ વાત સાચી કે સરકાર માટે વિકાસ કામ કરવા આ રકમ આવશ્યક હતી અને વેટ આવ્યા પછી રાજ્ય સરકારો માટે તો એ આવક મોટો આધાર હતી, પણ સરવાળે તો એ લોકોના ખિસ્સામાંથી જ જતી હતી. આ ભાવઘટાડા વિશે એમ પણ કહી શકાય કે સરકારે પોતાની આવક ઘટાડી ભાવમાં ઘટાડો કર્યો છે. સરકારે એમાં કોઇ મહેરબાની નથી કરી. વાત એ છે કે હવે દરરોજ ભાવમાં શું થશે? એક ઝાટકે પાંચ રૂપિયા જેવો ઘટાડો તો થઇ ગયો પણ હવે રોજ પાછા ધીમે ધીમે વધશે નહીં ને? અગેઇન, એ ઓઇલના ઇન્ટરનેશનલ ભાવ ઉપર આધાર રાખે છે. જોકે સરકારે ગમે તેમ કરીને ભાવ કંટ્રોલમાં રાખવા પડશે.

આપણો દેશ ઓઇલની કુલ જરૂરિયાતના 80 ટકા ઓઇલની આયાત કરે છે. આપણે જે આયાત કરીએ છીએ તેની ચુકવણી ડોલરમાં કરવી પડે છે. ડોલર સામે રૂપિયો નબળો પડતો જાય છે. રૂપિયાનું મૂલ્ય જેટલું ઘટે એટલું ઓઇલ આપણને મોંઘું પડે છે. ઇરાનથી જે ઓઇલ આયાત થાય છે તેમાં પણ મુશ્કેલીઓ ઊભી થાય એમ છે. અમેરિકા અને ઇરાન વચ્ચે પ્રોબ્લેમ ચાલી રહ્યા છે. અમેરિકાએ ઇરાન પર પ્રતિબંધો લાદ્યા છે. આખી દુનિયાના દેશોને અમેરિકાએ કહ્યું છે કે કોઇએ ઇરાન પાસેથી ઓઇલ ખરીદવાનું નથી. જો કોઇ તેની સાથે સંબંધ રાખશે તો અમેરિકા એ દેશ સામે પણ પ્રતિબંધો લાદશે.

આપણો દેશ મુખ્યત્વે ચાર દેશ સાઉદી અરેબિયા, ઇરાક, ઇરાન અને વેનેઝુએલા પાસેથી ઓઇલ ખરીદે છે. તેમાં આપણા માટે સૌથી સારી ડીલ ઇરાનની છે. ઇરાનને આપણે ડોલરમાં નાણાં ચૂકવવાનાં હોતાં નથી. આપણે રિયાલમાં ચુકવણી કરી શકીએ છીએ. એટલું જ નહીં ઓઇલના બદલામાં બાર્ટર સિસ્ટમ પણ ચાલે છે, મતલબ કે ઇરાન આપણને ઓઇલ આપે અને તેના બદલામાં આપણે તેમને બીજી ચીજ વસ્તુઓ આપીએ. અમેરિકાએ તો કોઇ ચલણ હવે રિયાલ સાથે કન્વર્ટ થઇ શકશે નહીં એવી પણ વાત કરી છે. અત્યારે તો આપણા દેશે અમેરિકાની ઐસીતૈસી કરીને ઇરાન પાસેથી ઓઇલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે પણ આ મુદ્દે અમેરિકા સાથે માથાકૂટ થાય એવી પૂરી શક્યતાઓ છે. વેનેઝુએલા સાથે પણ અમેરિકાને વાંકું પડેલું છે. આ બધી વાતો પણ આપણા દેશને નડી રહી છે. આપણા દેશે અમેરિકાને એવી વિનંતી કરી છે કે અમને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપો. અમેરિકા શું કરે છે એના પર બધો આધાર છે.

આંતરરાષ્ટ્રીય પરિબળો આપણા હાથમાં નથી પણ એક્સાઇઝ અને વેટ જેવાં પરિબળો સંપૂર્ણપણે આપણા હાથની જ વાત છે. પેટ્રોલ અને ડીઝલના ભાવના મુદ્દે વિરોધ પક્ષો પણ સરકારને ઘેરી રહ્યા હતા. કોંગ્રેસ સહિત વીસ પક્ષોએ સાથે મળીને ભારત બંધનું એલાન પણ આપ્યું હતું. દેશના મોટા ભાગનાં રાજ્યોમાં ભાજપની સરકાર છે એટલે બંધની જોઇએ એવી અસર પડી ન હતી.

જોકે સરકાર એ વાત જાણતી હતી કે લોકોમાં નારાજગી વધતી જાય છે. લોકો ઘણી વખત બોલતા હોતા નથી પણ ચૂંટણીના સમયે બતાવી દેતા હોય છે. સોશિયલ મીડિયા પર સરકારની સતત નજર હોય છે. જે વાતો અને જે ઉશ્કેરાટ સોશિયલ મીડિયા પર જોવા મળતો હતો એ બતાવતો હતો કે સરકાર સામે આક્રોશ વધી રહ્યો છે. કોણ પહેલા સેન્ચુરી સુધી પહોંચશે, પેટ્રોલના ભાવ કે ડોલરનું મૂલ્ય? એ તો બહુ ચાલ્યું હતું. દરેક મજાક હસવા માટે નથી હોતી, અમુક મજાકમાં ઘણો મોટો મર્મ છુપાયેલો હોય છે. સરવાળે જે થયું તે સારું થયું, હવે ભાવો જળવાઇ રહે તો સારું. જોકે સરકારે મહેનત કરીને પણ ભાવોને કાબૂમાં રાખવા પડશે જ, ચૂંટણીના કારણે જ તો! kkantu@gmail.com

અન્ય સમાચારો પણ છે...