તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિટકોઈન કૌભાંડનો મુખ્ય આરોપી દિલ્હીથી પકડાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરોડો રૂપિયાના બીટ કોઈન કૌભાંડનો વોન્ટેડ આરોપી દિવ્યેશ દરજી શનિવારે દિલ્હી એરપોર્ટ પરથી પકડાયો છે. દિવ્યેશ વિદેશ ભાગી ગયો હોવાની માહિતીના આધારે પોલીસે રેડ કોર્નર નોટીસ જારી કરી હતી. જેથી દુબઈથી દિલ્હી એરપોર્ટ ઉપર આવતાની સાથે જ ઈમિગ્રેશન વિભાગના અધિકારીઓએ દિવ્યેશને ઝડપી લીધો હતો. ઈમિગ્રેશન વિભાગના અધિકારીઓ દ્વારા આ અંગે સીઆઈડી ક્રાઈમને જાણ કરવામાં આવતા ટીમ દિલ્હી પહોંચી હતી અને દિવ્યેશને લઇ આવી હતી.

દિવ્યેશ દરજીએ ધવલ માવાણી અને સતીષ કુંભાણી બીટ કનેકટ નામની કંપની શરુ કરીને 2.80 કરોડ બીટ કનેકટ કોઈન બહાર પાડ્યા હતા. જેમાં રોકાણકારોને પ્રતિદિન 1 ટકાનું વળતર ચૂકવવાની લોભામણી જાહેરાતો કરીને લોકો પાસેથી અંદાજે રૂ.1800 કરોડ ઉઘરાવી લીધા હતા. નોટબંધી બાદ દિવ્યેશ દરજીએ કંપની બંધ કરી દીધી હતી. જેથી તેની વિરુધ્ધ સૂરતમાં ગુનો નોંધાયો હતો.

ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ બહાર આવેલા બીટ કોઈન કૌભાંડમાં દિવ્યેશ દરજી એ લોકોના પૈસાનો ફાંદો કર્યો હતો. જ્યારે શૈલેષ ભટ્ટે દિવ્યેશ દરજીના બીટ કોઈન પડાવી લીધા હતા અને અમરેલી પોલીસે શૈલેષ ભટ્ટ પાસેથી બીટ કોઈન પડાવ્યા હતા. બીટ કોઈન કૌભાંડ બહાર આવ્યુ ત્યારથી સીઆઈડી ક્રાઈમમાં કુલ 4 ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં દિવ્યેશ દરજી મુખ્ય સૂત્રધાર છે.

1047 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ
સીઆઇડી ક્રાઇમે પાંચ આરોપી સામે કોર્ટમાં 1047 પાનાનું દળદાર ચાર્જશીટ રજૂ કર્યું છે, આ કેસમાં પાંચ અારોપીની ધરપકડ થઇ ચૂકી છે જ્યારે શૈલેષ ભટ્ટ સહિત છની ધરપકડ બાકી છે. આ જ કેસની લીંક છેક સતીષ કુંભાણી સુધી પહોંચી છે. આ કેસમાં નિકુંજ ભટ્ટ, દિલિપ કાનાણી, જિજ્ઞેશ મોરડિયા, મનોજ ક્યાડા, ઉમેશ ગોસ્વામીની ધરપકડ થઇ ચૂકી છે જ્યારે શૈલેષ ભટ્ટ, કિરિટ વાડા, હિતેશ જોત્સના, જે.કે.રાજપુત, હમ્મિત અને રાજુ પટેલની ધરપકડ બાકી છે. કિરિટ પાલડિયા અન્ય એક ગુના સબબ જેલમાં છે, જેનો સીઆઇડીએ હજી ટ્રાન્સફર વોરંટથી કબજો લીધો નથી.

દિવ્યેશ દરજી શિક્ષકમાંથી બન્યો કૌભાંડી
અબજો રૂપિયાના બિટકોઇન કૌભાંડનો કૌભાંડી દિવ્યેશ દરજી સુરતના પિપલોદ વિસ્તારની પુષ્પમ્ સોસાયટીમાં કૃષ્ણ વિલા નામના આલિશાન બંગલામાં રહેતો હતો. જે પહેલા ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. ત્યાર પછી તેણે કોરિયાનાં મશીનો સાથે સુરતના અલગ અલગ વિસ્તારોમાં ક્લિનિક શરૂ કર્યા હતા. જેમાં તે સ્ટોન લગાવવાથી ફાયદાની જાણકારી આપી લોકો સાથે છેતરપિંડી કરતો હતો. ત્યાર બાદ તે એમ-વે કંપનીમાં ત્રણ વર્ષ સુધી કાર્યરત રહ્યો. ત્યાર પછી ડિસેમ્બર 2016થી તે બિટકોઇનના કૌભાંડમાં લાગી ગયો હતો. મોટી રકમનું કૌભાંડ કર્યા બાદ તે દુબઈ ભાગી ગયો હતો.

આઇટીએ પણ દરોડા પાડયા હતા
દિવ્યેશ દરજીને ત્યાં દસ મહિના અગાઉ આઇટીએ પણ દરોડા પાડયા હતા અને કરોડો રૂપિયાના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા, જે ડોક્યુમેન્ટ મળ્યા હતા તેના આધારે 100 જેટલાં રોકાણકારોને જે તે સમયે નોટિસ પણ અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...