તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણમાં ‘પ્રેમ’ જેવો શબ્દ કામનો છે?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટલ બિહારી વાજપેયીના જીવનની ઘણી રસપ્રદ વાતોને જાણતા પહેલાં એ જાણી લો કે 27 માર્ચ 2015ના રોજ અટલ બિહારી વાજપેયીને ભારતના રાષ્ટ્રપતિએ ભારતનું ઊંચામાં ઊંચું પદ યાને કે ‘ભારત રત્ન’ તરીકેનું સન્માન તેમના નિવાસસ્થાને જઈ અર્પણ કરેલું. અટલ બિહારી વાજપેયીની કારકિર્દી બેનમૂન હતી. ચાર દાયકા સુધી તે શ્રેષ્ઠ પાર્લામેન્ટેરિયન રહ્યા. લોકસભાના સભ્ય તરીકે 10-10 વખત ચૂંટાઈ આવેલા, બે વખત રાજ્યસભામાં પસંદ થયેલા. (લખનૌ- ઉ. પ્ર.). મોરારજી દેસાઈ વડાપ્રધાન હતા ત્યારે વાજપેયીજી ભારતના લોકપ્રિય વિદેશપ્રધાન રહ્યા હતા.

વાજપેયીજીની રાજકીય કારકિર્દી ખરેખર તો ઓગસ્ટ 1942માં 76 વર્ષ પહેલાં શરૂ થઈ ગણાય. ત્યારે તેઓ અને તેના ભાઈ પ્રેમ વાજપેયી ‘ક્વીટ ઈન્ડિયા’ (ભારત છોડો) સત્યાગ્રહમાં જોડાયેલા હતા અને તે માટે 23 દિવસ બ્રિટિશરોની જેલમાં રહ્યા હતા. એ પછી વાજપેયી શ્યામપ્રસાદ મુખરજીના ચેલા 1954માં બન્યા. ત્યારે શ્યામપ્રસાદ મુખરજી સાથે તે આમરણાંત ઉપવાસમાં જોડાયા હતા. પણ શ્યામપ્રસાદ જેલમાં જ ગુજરી ગયા.

તેમની (વાજપેયીની) વકૃત્વકળાને કારણે બલરામપુર જિલ્લામાંથી ચૂંટાઈ આવેલા. તેમની પક્ષોનાં વિવિધ તડાંને સંભાળવાની ચતુરાઈને કારણે પંડિત જવાહરલાલ નેહરુ પણ પ્રભાવિત થયેલા અને નેહરુએ ભાવિ ભાખેલું કે વાજપેયી વહેલાં-મોડા વડાપ્રધાન બનશે જ. તે વખતે વાજપેયી બળવાખોર અને તેની રમૂજીવૃત્તિને કારણે યુવાનોમા લોકપ્રિય બન્યા હતા. અને તેઓ ભારતીય જનતા પક્ષ રચાયો તે પહેલાં જનસંઘ નામનો પક્ષ હતો તેના વડા બન્યા. ધીરે ધીરે સંયોગો ઊભા થયા તેમાં તે વડાપ્રધાન બન્યા અને પંડિત જવાહરલાલ નેહરુની ભવિષ્યવાણી સાચી પડી.

કેટલાક કહેવાતા સમાજવાદીઓની નારાજગી વહોરીને વાજપેયીએ ભારતમાં વિદેશી ઈન્વેસ્ટમેન્ટ અને ખાનગી ઉદ્યોગપતિઓના મૂડીરોકાણને પ્રોત્સાહન આપ્યું. સરકારની ઓછામાં ઓછી દખલ રાખી. કેટલાંક નુકસાન કરતા સરકારી કોર્પોરેશન કાં બંધ ર્ક્યા કાં પધી ખાનગી ઈન્વેસ્ટમેન્ટે આપી દીધાં. ઉપરાંત વિજ્ઞાનીઓ અને ઉદ્યોગપતિઓને વિજ્ઞાનમાં સંશોધન કરી ઉદ્યોગ સ્થાપવા પ્રેરિત ર્ક્યા. તેના પ્રોજેક્ટનાં નામો પણ આ રહ્યાં- ‘નેશનલ હાઈવે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ’ અને ‘પ્રધાન મંત્રી ગ્રામ સેવક યોજના.’

છેલ્લાં 22 વર્ષમાં કોઈ અમેરિકન પ્રમુખ ભારત આવ્યા નહોતા તે વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે બિલ ક્લિન્ટન પોતે અને બિલ ક્લિન્ટનની સરકાર ભારત આવી. કારગિલ યુદ્ધે પાકિસ્તાનનું પાણી ઉતાર્યુ. ત્યારે સામાન્યજને વાજપેયી માટે તાળીઓ પાડી. અમેરિકા વાર-તહેવારે પાકિસ્તાનને વહાલું થતું હતું તેનું ડાચું વાજપેયીએ ભારત તરફ ફેરવ્યું. રામજન્મભૂમિના પ્રકરણે વાજપેયીજીએ અંગત ટીકાને ભોગે ખૂબ જ સાવચેતીથી કામ લીધું.

વાજપેયીને ઘણા સમાજવાદી નેતાઓ પ્રો-બિઝનેસ રાજકારણી કહેતા. આવી ટીકાની ઐસીતૈસી કરીને વાજપેયીજીએ ભારતમાં ખાનગી કોર્પોરેશનોને પ્રોત્સાહન આપીને ભારતનો ઔદ્યોગિક વિકાસ ર્ક્યો. વાજપેયીને હું કોમર્સના ‘વિદ્યાર્થી’ તરીકે ધન્યવાદ આપું છું કે સમાજવાદનું મહોરું પહેરવાને બદલે તેમણે ખાનગી ઉદ્યોગોનો પક્ષ લીધો. થોડો સમય વાજપેયીની તબિયત થોડી કથળેલી. તેમના ઘૂંટણ સતત દુખતા હતા એટલે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે નવા ઘૂંટણ નખાવ્યા.

આ બધી હૈયાહોળી દરમિયાન વાજપેયીના શાસન વખતે બાંગ્લાદેશને આઝાદ કરવાનો યશ વાજપેયીને જાય છે. અને તેની કદર પણ મોડે મોડે થઈ. વાજપેયીના નિવાસસ્થાને જઈ બાંગ્લાદેશને આઝાદ કરવાની લડાઈના વિજેતા તરીકેનું માન નરેન્દ્ર મોદી વાજપેયીના નિવાસસ્થાને જઈ આપી આવેલા.

કિગશુકનાગ નામના લેખકે રૂપા પબ્લિકેશનના નેજા હેઠળ એક પુસ્તક પ્રગટ કરેલું. તેનું મથાળું વાજપેયીને માટે કોમ્પ્લીમેન્ટ છે. તેમાં વાજપેયીને ‘એ મેન ફોર ઓલ સિઝન્સ’ કહ્યા છે. હું કહું છું કે વાજપેયી ઘણા વિરોધ પક્ષોમાં પ્રિય હતા. ફિલ્મ ‘ખામોશી’માં શાયર ગુલઝારે એક શાયરી લખી છે:- હમને દેખી હૈ ઈન આંખો કી મહેકતી ખુશ્બૂ, હાથ સે છૂકે ઈસે રિશ્તોં કા ઈલજામ ન દો,સિર્ફ એહસાસ હૈ યેહ રુહ સે મહેસૂસ કરો,પ્યાર કો પ્યાર હી રહને દો કોઈ નામ ન દો

વાજપેયીના ઘરે પ્લેટોનિક લવને કારણે શ્રીમતી કૌલ રહેતાં અને વાજપેયીને કોઈ ફોન કરે તો રાજકુમારી કૌલ જ ફોન ઉપાડતાં. એક વખત એક રાજકારણીએ ફોન કરી ફોનમાં રાજકુમારી કૌલને કહ્યું ‘હું તમને જાણું છું.’ ત્યારે રાજકુમારીએ કહ્યું ‘શું રાખ જાણો છો? તમે કંઈ જ જાણતા નથી. તમે માત્ર ફોન કરવાનું જાણો છો. માનવીના પ્રેમાળ હૈયા જાણતાં નથી.’ સાચી વાત એ છે કે રાજકુમારી કૌલ કોલેજમાં ભણતાં હતાં ત્યારે વાજપેયી સાથે પ્રેમમાં હતાં પણ પરણી શક્યાં નહીં. આ પ્રેમના પ્રકરણને વાજપેયીએ બહુ મહત્વ ન આપ્યું અને પોતાના જીવનને રાજકીય લક્ષ્યમાંથી હટાવ્યું નહીં અને પ્રેમને હળવો હડસેલો મારીને પોતાની રાજકીય કારકિર્દીમાં ‘કુંવારા’ ‘કુંવારા’ વધુ ધ્યાન આપ્યું. એ તો ફૂલટાઈમ પોલિટિશિયન હતા. તે પરણ્યા જ નહીં. જ્યારે તેઓ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા હતા છે ત્યારે ય વાજપેયીનું દિલ કુંવારું જ રહ્યું અને હવે સ્વર્ગમાં ગયા ત્યાં કાઠિયાવાડી રિવાજ પ્રમાણે ‘કુંવારા’ સ્વર્ગે આવેલા વાજપેયીને દેવતાઓની હાજરીમાં લીલ પરણાવાશે. આપણે પૃથ્વી ઉપર મંગળ ગીતો ગાઈશું.

કાન્તિ ભટ્ટ

અન્ય સમાચારો પણ છે...