રાજ્યસભા ઉપાધ્યક્ષની ચૂંટણીમાં જામશે જંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વતી કાલે 9મી ઑગસ્ટના રોજ રાજ્યસભાના ઉપાધ્યક્ષ જેવા પ્રતિષ્ઠિત પદ માટે ચૂંટણી યોજાવાની છે. રાજ્યસભામાં એકેય પક્ષ કે ગઠબંધન સ્પષ્ટ બહુમતી ધરાવતો નથી એટલે જંગ જામશે. આજે ભાજપ હોય કે કૉંગ્રેસ, એકેય પક્ષ સભ્યસંખ્યાની (સાંસદો) દૃષ્ટિએ રાજ્યસભામાં એટલું વર્ચસ્વ નથી કે તેઓ ઉપાધ્યક્ષની ચૂંટણી માટે પોતાનો ઉમેદવાર ઊભો રાખી શકે. રાજ્યસભામાં ભાજપ 73 સાંસદો ધરાવે છે તો કૉંગ્રેસ 50, છતાં આજે સ્થિતિ એવી છે કે ભાજપ સમર્થિત એનડીએ દ્વારા રાજ્યસભાના ઉપાધ્યક્ષ પદના ઉમેદવાર તરીકે માત્ર 6 સાંસદો ધરાવતા જેડીયુના સાંસદ હરિવંશને પસંદ કરવામાં આવ્યા છે. કૉંગ્રેસે પણ વિરોધ પક્ષોની એકતા જાળવવાની મજબૂરીને કારણે રાજ્યસભામાં માત્ર 4 સાંસદોનું સંખ્યાબળ ધરાવતા એનસીપીનાં વંદના ચવાણ પર પસંદગીનો કળશ ઢોળ્યો છેે.રાજ્યસભામાં કુલ 245 સંસદ સભ્યો હોય છે. હાલમાં એક સાંસદની જગ્યા ખાલી હોવાથી સંખ્યાબળ 244 છે. ઉપાધ્યક્ષની ચૂંટણી જીતવા માટે ઉમેદવારે 123 મતોની જરૂર પડી શકે છે. હા, કોઈ પક્ષના સાંસદો મતદાનમાં ભાગ ન લે તો આ આંકડો નીચે ઊતરી શકે છે. જોકે, હાલની સ્થિતિ જોતાં ભાજપના વડપણ હેઠળના એનડીએ હોય કે કૉંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષો, તેમની પાસે માંડ 115-118નું સંખ્યાબળ છે, જે જીતવા માટે પૂરતું નથી. ભાજપે જેડીયુના સાંસદ પર પસંદગી ઉતારતાં અકાલીઓની નારાજગી વધી ગઈ છે. એનડીએના આ બે સાથીઓ આડા ફાટે તો ભાજપને ભારે શરમજનક સ્થિતિમાં મુકાવું પડી શકે છે. એક તરફ નીતીશકુમાર એનડીએના ઉમેદવાર અને પોતાના ખાસ હરિવંશને જીતાડવા માટે મથી રહ્યા છે તો બીજી તરફ એનસીપીના શરદ પવાર પોતાના પક્ષના ઉમેદવાર વંદના ચવાણને જીતાડવા માટે રાત-દિવસ એક કરી રહ્યા છે. ભાજપને આશા છે કે પોતાના નામથી દૂર ભાગતા પક્ષો પણ કદાચ જેડીયુ સાથેના સંબંધોને કારણે એનડીએના ઉમેદવારને સમર્થન આપી શકે છે તો કૉંગ્રેસનું નેતૃત્વ શરદ પવાર પર દાવ અજમાવી રહ્યું છે. જુદા જુદા રાજકીય પક્ષોનું કોઈ મુદ્દે સમર્થન હાંસલ કરવાના કામમાં શરદ પવાર પાવરધા મનાય છે. લોકસભાની ચૂંટણી પહેલાં બન્ને મોરચાની એકતા અને તાકાતનું માપ રાજ્યસભા ઉપાધ્યક્ષની આ ચૂંટણીમાં નીકળી જશે.


અન્ય સમાચારો પણ છે...