• Gujarati News
  • National
  • વેદોના રહસ્ય જ્ઞાનરૂપી વિદ્યાઓનું સંગમ સ્થાન પરબ્રહ્મ શિવ

વેદોના રહસ્ય જ્ઞાનરૂપી વિદ્યાઓનું સંગમ સ્થાન પરબ્રહ્મ શિવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરબ્રહ્મનીમાયાથી રચિત જગતમાં મનુષ્ય પોતાનાં પૂર્વજન્મોનાં સંચિતકર્મોને આધિન કુતર્કોની નિવૃતિ થતાં પોતાની બુદ્ધિ અનુસાર પોતાનાં કલ્યાણ અને મુકિતની અપેક્ષાએ વિવિધ માર્ગો, શાસ્ત્રોનાં પઠન શ્રવણ અને વિદ્યાઓ દ્વારા સુખ અને આત્મકલ્યાણ માટે અવિરત પ્રયાસ કરે છે. અંતે બધાંનું સીધુ કે આડકતરુ પર્યાવસાન તો પરમાત્મા છે. શબ્દને બ્રહ્મ કહ્યો છે. શિવ અને શકિતને પણ વાગર્થાવિવ સંપૃકતૌ કહી વાણી અને અર્થરુપી વર્ણવ્યા છે. વાણી અને અર્થ વિના જગતમાં વેદ કે વિદ્યાની સંભાવના હોય શકે નહી આથી તેને પ્રગટ કરનાર પણ પરબ્રહ્મશિવ હોવાનું વર્ણિત છે.

વેદને પારાશર સ્મૃતિમાં સાક્ષાત નારાયણ સ્વરુપ છે; તેમજ તે આદિ અનાદિ અને તેનો કોઇ કર્તા નથી. તેનું સ્મરણ કરનાર ચતુર્મુખ બ્રહ્મા છે. વેદ પરમાત્મા શિવનાં નાદબ્રહ્મમાંથી પ્રગટ થયા છે આથી તેનો કોઇ કર્તા નથી ચારવેદ ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ અને અથર્વવેદ છે. તેમાં કર્મ, ઉપાસના અને જ્ઞાન અને ક્રિયાએ ચારકાંડ છે. તેમાંય જ્ઞાનકાંડ તો સ્પષ્ટપણે જીવ અને બ્રહ્મની એકતાનો બોધ કરે છે. જયારે કર્મકાંડ અને ઉપાસના અને ક્રિયાએ અંતઃકરણની શુદ્ધિ કરાવીને એકાગ્રતા દ્વારા અંતે જીવ અને શિવની એકતાનાં જ્ઞાનમાં પરિણમે છે. મુંડકોપનિષદમાં અંગીરાઋષિએ વિદ્યાનાં ત્રણ પ્રકારો વર્ણવ્યા છે.

તસ્મૈહોવાચ દ્વે વિદ્યે વેદિતવ્યે ઇતિ સ્મ યદ્ બ્રહ્મવિદો વદન્તિ પરા ચૈવાડપરા ાા (1-1-4)

બ્રહ્મવિદ્યાં સર્વવિદ્યાપ્રતિષ્ઠમથર્વાય

બ્રહ્મનેજાણનારા મહર્ષિઓનું કથન છેકે જાણવા યોગ્ય ત્રણ વિદ્યા છે તેમાં પરા, અપરા અને બ્રહ્મવિદ્યા. જેનાંથી લોક પરલોક સંબંધી ભોગો તથા તેની પ્રાપ્તિનાં સાધનોનું જ્ઞાન મેળવી શકાય તેમજ ઉપભોગોનાં પ્રકાર, સામગ્રી તથા તેની સ્થિતિનું જ્ઞાન મેળવી શકાય તે અપરાવિદ્યા કહી છે. વેદ વેદાંગ તે અપરાવિદ્યા છે.

જયારે જેનાં દ્વારા અવિનાશી બ્રહ્મને તત્વતઃ જાણી શકાય તે પરા વિદ્યા કહી છે. જયારે ત્રીજી બંને વિદ્યાઓથી પર બ્રહ્મવિદ્યા તેનાંથી પૂર્ણપૂર્ણાત્મક રીતે પરબ્રહ્મને જાણી શકાય છે. અપરાવિદ્યા દ્વારા સ્વર્ગાદિક ભોગસાધનોનું જ્ઞાન પ્રતિપાદન થાય છે. ઘણાં મનુષ્યો અહીંથીજ પોતાને કૃતાર્થ સમજી અટકી જાય છે. પરાવિદ્યાથી અપરબ્રહ્મ અક્ષરતત્વનું જ્ઞાન થાય છે.

જયારે બ્રહ્મવિદ્યા દ્વારા બ્રહ્મ અને પરબ્રહ્મ બંને સ્વરુપોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. ત્રિવિધભેદ રહસ્ય અપેક્ષિતજ્ઞાનનો સંગમ છે. વિદ્યાઓ દ્વારા ક્રમપૂર્વક તારતમ્યજ્ઞાનની પ્રાપ્તિ થતાં પરમાત્માનાં નિજાનંદરુપની પ્રાપ્તિ ગણાય આથી મુમુક્ષુ શિવોડહંરુપે પરબ્રહ્મ શિવમાં લીન થઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...