- Gujarati News
- લખપત તાલુકામાં શિક્ષણ, પાણી અને ઘાસચારો, રોજગારી પ્રત્યે ઓરમાયું વર્તન
લખપત તાલુકામાં શિક્ષણ, પાણી અને ઘાસચારો, રોજગારી પ્રત્યે ઓરમાયું વર્તન
છેલ્લાત્રણ વર્ષથી લખપત તાલુકો અપૂરતા વરસાદને પગલે દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે, તો બીજીતરફ વિસ્તારમાં લાંબા સમયથી કથળેલી શિક્ષણ, આરોગ્ય, રોજગારી, પાણી તેમજ ઘાસચારા સહિતના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત તંત્રો દ્વારા ઓરમાયું વર્તન દાખવવામાં આવતું હોવાની લેખિત રજૂઆત સાથેનો આક્ષેપ લખપત તાલુકા પંચાયતના ઉપપ્રમુખે કર્યો છે.
લખપત તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હાસમ ઓ. નોતિયારે કરેલી લેખિત રજૂઆત દ્વારા જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ વર્ષથી અપૂરતા વરસાદને કારણે દુષ્કાળની કારમી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા વિસ્તારને માત્ર સ્ક્વેર સિટી જાહેર કરીને કેટલ કેમ્પો આપ્યા છે.
જ્યારે સ્ક્વેર સિટીના નિયમોનો સરેઅામ ભંગ કર્યો હોવાના આક્ષેપ સાથે ઉમેર્યું છે કે, તાલુકામાં 62000 જેટલી માનવ વસતી તેમજ 82000 જેટલું પશુધન ધરાવતા વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, પાણી, તેમજ રોજગારી સહિતના અનેક પ્રશ્નોનો લાંબા સમયથી સામનો કરતા વિસ્તારના લોકો સાથે અોરમાયું વર્તન દાખવીને એક પણ પ્રશ્નનો ઉકેલ લાવવામાં સરકાર નિષ્ફળ નિવડી છે. હાલમાં 14 જેટલા ઘાસડેપો વિસ્તારમાં કાર્યરત છે, પરંતુ મોટાભાગના ઘાસડેપોમાં ઘાસનું તણખલું પણ છે નહીં, જેને કારણે પશુપાલકોને આપવામાં આવેલા ઘાસકાર્ડનો કોઇ અર્થ નથી. તાલુકા આરોગ્યલક્ષી સેવાઓ પણ સાવ કથળી ગઇ છે, તો પ્રાથમિક તેમજ હાઇસ્કૂલોમાં અપૂરતા શિક્ષકોને કારણે બાળકોના શિક્ષણ પર તેની અસર થઇ રહી છે, તે સાથે વધુમાં ઉમેર્યું છે કે, દુષ્કાળની કપરી પરિસ્થિતિના ઘાસચારાની અછતને પગલે પશુધનને કેવી રીતે બચાવવું તેનો પ્રશ્ન છે. તાલુકામાં માત્ર નારેગા યોજનાના 2-4 કામ ચાલુ છે, પરંતુ અછતના એક પણ કામો શરૂ થયા નથી. લોકો પોતાના દાગીના વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. શિક્ષણક્ષેત્રે પણ શિક્ષકોની લાંબા સમયથી ઘટ છે. મા. મઢમાં હાઇસ્કૂલમાં ધો. 8 તેમજ 10ના 92 જેટલા વિદ્યાર્થી સામે માત્ર એક શિક્ષક ફરજ બજાવતો હોવાનું જણાવીને ઉમેર્યું છે કે, વિસ્તારમાં રોજગારી, ઘાસ, પાણી, શિક્ષણ, આરોગ્ય સહિતના અનેક પ્રશ્નોનો વહેલી તકે કોઇ ઉકેલ નહીં આવે, તો લોકોને હિજરત કરવી પડશે, તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, તે પૂર્વે તાલુકાના પ્રજાકીય પ્રશ્નો હલ કરવામાં આવે, તેવી લેખિત રજૂઆત લખપત તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા કરાઇ છે.
કેટલ કેમ્પના સંચાલકોની સ્થિતિ કફોડી બની
લખપતતાલુકામાં54 જેટલા કેટલ કેમ્પ ચાલી રહ્યા છે, પરંતુ કેટલ કેમ્પોના સંચાલકોને બે મહિનાથી સબસિડીની રકમ મળી હોવાથી તેઓની હાલત પણ કફોડી બની છે.