માતાના મઢમાં માતાજીએ માત્ર પાંચ સેકન્ડમાં પતરી આપી !
શું છે પતરી વિધિ
ડાકના નાદ સાથે પતરી આપમેળે ખોળામાં ઝિલાય છે
માતાનામઢમાં સાતમના હવન સંપન્ન થયા બાદ બીજા દિવસે આઠમે રજાશાહીના વખતથી ચાલી આવતી પરંપરા મુજબ જાતર વિધિ યોજાઇ હતી જેમાં માતાજીએ માત્ર પાંચ સેકન્ડમાં પતરી આપી દેતાં ભાવ વિભોર બનેલા ભાવિકોએ આશાપુરાનો જયઘોષ બોલાવતાં મંદિર પરિસર ગાજી ઉઠ્યું હતું.
સવારે 6 કલાકે ચાચરા કુંડથી ચામર સવારી નીકળી હતી જે મંદિરે પહોંચ્યા બાદ નીજ મંદિરમાં રાજ પરિવાર વતી તેરા જાગીરના મયૂરધ્વજસિંહ જાડેજાએ માતાજીનું શાસ્ત્રોક્ત પૂજન કરીને પતરી ઝીલવા ખોળો પાથર્યો હતો. ડાક અને ઘંટારવ વચ્ચે માત્ર પાંચજ સેકન્ડમાં માતાજીએ પતરી આપતાં આનંદથી ઝુમી ઉઠેલા બહોળી સંખ્યમાં ઉપસ્થિત માઇભક્તોએ જયજયકાર બોલાવ્યો હતો.
પ્રસંગે રાજ પરિવારના ઠાકોર કૃતાર્થસિંહ જાડેજા, સાવજસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણસિંહ વાઢેર, ખેંગારજી જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા, દિલુભા ટિલાટ સહિતના અગ્રણીઓએ અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવાના આશીષ લીધા હતા.
ચાચરા કુંડથી નીકળતી ચામર સવારીમાં સ્થાનિક જાગરિયા ભાઇઓ ડાક વગાડતા મંદિરે પહોંચે છે જ્યાં પૂજન કરાયા બાદ રાજ પરિવારના સભ્ય માતાજીની સન્મુખ ખોળો પાથરીને ઉભા રહે છે. દરમિયાન ડાકનો નાદ શરૂ થાય છે અને માતાજીના જમણા ખભે મુકાતી ચોક્કસ વનસ્પતિના પાંદડાઓથી બનેલી પતરી આપમેળે ખોળામાં ઝીલાય છે. એક ચમત્કારિક પરંપરા માનવામાં આવે છે.
મા આશાપુરાના જયઘોષ સાથે મંદિર પરિસર ગાજી ઉઠ્યું