• Gujarati News
  • માતાના મઢમાં દ્વારકાના ભૂદેવોએ કરી રાજોપચાર પૂજા

માતાના મઢમાં દ્વારકાના ભૂદેવોએ કરી રાજોપચાર પૂજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશદેવીમા આશાપુરાજીના સ્થાનક માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના મંદિરે દ્વારકાથી આવેલા 60 જેટલા ભૂદેવોએ દ્વારકાધિશ ભગવાનના યજમાનપદે માતાજીની રાજોપચાર મહાપૂજા કરી હતી. દ્વારકાથી માતાના મઢ આવેલા 50 જેટલા ભૂદેવ દ્વારા વહેલી સવારે માતાજીના મંદિરે શિખર ઉપર ધ્વજા ચડાવ્યા બાદ સવારના પ્રસિદ્ધ તીર્થધામ ના.સરોવર-કોટેશ્વર ખાતે દેહશુદ્ધિ તેમજ કોટેશ્વર મહાદેવની પૂજા-અર્ચના કર્યા બાદ બપોરે 3 કલાકે માતાના મઢ મંદિરે આશાપુરા માતાજીની વિશિષ્ટ રાજોપચાર પૂજા હતી. દ્વારકાધિશ ભગવાનના યજમાનપદે યોજજાયેલી વિશિષ્ટ મહાપૂજા ખાનાય જાગીરના અધ્યક્ષ મેઘરાજજી દાદા તેમજ મા. મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાની પ્રેરણાથી બીજમંત્ર દ્વારા માતાજીના અંગ-ઉપાંગ ભગવતી દેવીના જે જે સ્વરૂપો થયા તેની મહાપૂજા માટે ખાસ દ્વારકાથી આવેલા આચાર્ય અશ્વિનભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, માતાજીના નામ અલગ અલગ છે પણ દેવીમાં ભગવતી એક છે. ભગવતીને ભાવ અર્પણ કરવાના હેતુથી પૂજાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હોવાનું જણાવ્યું હતું અહીં યોજાયેલી મહાપૂજાની ધાર્મિક વિધિ પ્રસંગે જાગીરના ટ્રસ્ટીઓ પ્રવિણસિંહ વાઢેર, ખેંગારજી જાડેજા, તેમજ વેરસલજી મોડજી તુંવર, સુરેન્દ્રસિંહ જાડેજા, મંગલજી સોઢા, સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત હતા.

માતાના મઢ ખાતે દ્વારકાના સંઘ દ્વારા રાજોપચાર પૂજા કરાઇ, ત્યારે ધર્મમય વાતાવરણ ખડું થયું હતું. પ્રકારની પૂજા પ્રથમવાર થતાં ભાવિકો પણ તેનો લાભ લીધો હતો. / ભરતત્રિપાઠી