• Gujarati News
  • National
  • ઇન્ચાર્જ તબીબ જ બીમાર થતાં દયાપર સીએચસી ફરી રાંક બન્યું

ઇન્ચાર્જ તબીબ જ બીમાર થતાં દયાપર સીએચસી ફરી રાંક બન્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરહદી વિસ્તાર એવા લખપત તાલુકાના દયાપરમાં તંત્ર દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોઇ તબીબ ન મૂકાતાં લોકો આરોગ્ય ખાતું અને સરકારી વહીવટથી એવા ત્રસ્ત બન્યા છે કે જેની કોઇ સીમા નથી.

સીએચસીમાં 3 તબીબોનું મહેકમ હોવા છતાં છેલ્લાં એક વર્ષથી કોઇ કાયમી તબીબની નિમણૂંક કરાતી નથી. તંત્ર દ્વારા આ વિસ્તાર સાથે જાણે ઓરમાયું વર્તન કરાઇ રહ્યું હોય તેમ ચૂંટણી વખતે મોટી-મોટી વાતો કરનારા લોકપ્રતિનિધિઓ પણ જાણે હવે કાંઇ પડી ન હોય તેમ મૌનવ્રત રાખીને બેઠા છે.

લાંબા સમયથી ડેપ્યુટેશન પર ચાલતાં આ કેન્દ્રમાં થોડા દિવસો પહેલાં મૂકાયેલા તબીબની મુદ્દત 18/01ના પૂર્ણ થતી હતી, પણ તેમને મૂક્ત કરવા અન્ય કોઇ તબીબ ન આવતાં તબિયત ઠીક ન હોવા છતાં તેઓ વધુ બે દિવસ રોકાઇ ગયા હતા.

જો કે, તબિયત વધુ બગડતાં તેમને ફરજીયાત જવું પડ્યું હતું અને દવાખાનું ફરી નધણિયાતું બન્યું હતું.

આગામી 26મીએ જ્યારે જિલ્લાકક્ષાના ધ્વજવંદન માટે ઉચ્ચાધિકારીઓના ધાડાં દયાપરમાં ઊતરી પડવાના છે ત્યારે લોકોની આવશ્યક સેવા તરફ એમનું ધ્યાન જાય તો સારું થાય એવી લાગણી પ્રવર્તી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે આરોગ્ય કેન્દ્રને 20થી વધુ ગામો લાગુ પડે છે.

અન્ય સમાચારો પણ છે...