Home » Gujarat » Bhuj » Bhachu » અભયારણ્યના હજારો એકરમાં મીઠા ઉદ્યોગનું ‘ખારૂં’ દબાણ

અભયારણ્યના હજારો એકરમાં મીઠા ઉદ્યોગનું ‘ખારૂં’ દબાણ

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 05:40 AM

ભચાઉ તાલુકાના બાનીયારી અને કડોલમાં વન્ય અભ્યારણ્યમાં આવતી હજારો એકર જમીનમાં મીઠા ઉદ્યોગના કહેવાતા ઉદ્યોગપતિઓ...

 • અભયારણ્યના હજારો એકરમાં મીઠા ઉદ્યોગનું ‘ખારૂં’ દબાણ
  ભચાઉ તાલુકાના બાનીયારી અને કડોલમાં વન્ય અભ્યારણ્યમાં આવતી હજારો એકર જમીનમાં મીઠા ઉદ્યોગના કહેવાતા ઉદ્યોગપતિઓ દ્વારા જબરદસ્ત દબાણ કરીને પેશકદમી કરવામાં આવી છે. આ દબાણને કારણે નજીકના ગામો પર ચોમાસામાં પાણી ભરાવા જેવા અનેક ખતરાઓ મંડરાયા છે. સરકારી જમીન પર મીઠું પકવવા બેસી ગયેલા આ વ્હાઇટ કોલર કૌભાંડીઓ સામે તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે એમ છે. જેમાં ભૂમાફિયા અને સરકારી બાબુઓની સંયુક્ત સંડોવણી પણ બહાર આવી શકે છે.

  દિવ્ય ભાસ્કરને આ કૌભાંડની ઉડતી જાણકારી મળ્યા બાદ સ્થળની રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી અને ત્યારે જાણવા મળ્યું કે આ મહાકાય કૌભાંડમાં જે જમીન પર પેશકદમી કરીને દબાણ કરાયેલું છે તે જમીન તો જંગલ ખાતા હસ્તકના અભ્યારણ્યની છે. જેને મીઠાઉદ્યોગ માટે ફાળવવાનો જંગલ ખાતાને અધિકાર પણ નથી. તેમ મહેસૂલ વિભાગ પણ આ જમીન જંગલ ખાતાની હોવાથી ફાળવી શકે તેમ નથી. મહેસૂલ ખાતાના એક અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વરસના કે તે પૂર્વેના સમય દરમિયાન બાનીયારી, કડોલ કે અન્ય જગ્યાએ જંગલ ખાતાની કોઇ જમીન મીઠા ઉદ્યોગને ફાળવવામાં આવી નથી. અને આ જમીનનું દબાણ અભયારરણ્યની

  ...અનુસંધાન પાના નં.11

  જમીનમાં કરાયું હશે તો તે ગંભીર પ્રકારનો કાયદાનો ભંગ બને છે. મહેસૂલ ખાતાના સૂત્રોના કહેવા મુજબ આ જમીનમાં મીઠાનું ઉત્પાદન કરી જ ન શકાય.

  દિવ્ય ભાસ્કરે આ જબરજસ્ત હજારો એકરમાં ફેલાયેલા આ ધમધમતા સ્થળની મુલાકાત લીધી ત્યારે જોવા મળ્યું કે હજારો એકરમાં સેંકડો બોર અને સેંકડો વીજ કનેકશનથી બોરની મોટર ચાલુ હતી. જેમાં વીજ કનેકશન ડાયરેક્ટ ડીપીમાંથી જ લેવામાં આવ્યા હતાં. જેથી બિલ ભરવાનો પણ પ્રશ્ન આ કાૈભાંડકારીઓને ન આવે. મહેસુલ ખાતાની સત્તાવાર જાણ બહાર જંગલ ખાતાના, પીજીવીસીએલના અધિકારીઓ પણ ક્યા નિયમને આગળ ધરીને સરકારને કરોડોનું નુકશાન કરનારા આ મીઠા ઉદ્યોગના અસ્તિત્વ સામે આંખ આડા કાન કરતું હશે તે સૌથી મોટો સવાલ છે. અંદાજે 15000થી 18000 એકરમાં ચાલતા આ મીઠાના કારખાનાઓમાં કરોડો રૂપિયાના મીઠાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

  બાનીયારીના સરપંચને કાનૂની કેસમાં ફસાવાયા ?

  આ કૌભાંડના મામલે જ તાજેતરમાં બાનીયારીના સરપંચ સામે પોલીસ ફરિયાદો પણ દાખલ કરવામાં આવી હતી. જોકે, બાનીયારીના સરપંચ રૂપાભાઇ આહીરે જણાવ્યું હતું કે ગત વરસે આ બોગસ મીઠા ઉદ્યોગ માટે કેટલાક લેભાગુ અને કહેવાતા ઉદ્યોગપતિઓ દ્વારા બનાવવામાં આવેલી કેનાલો અને માટીના મસમોટા ઉંચા પાળાઓને કારણે આખું ગામ પાણીમાં ગરકાવ થઇ ગયું હતું અને સેંકડો પશુઓના મોત નીપજ્યા હતાં અને મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓએ રાહત કામગીરી આરંભી હતી. જે હકીકત રેકર્ડ પર મોજુદ છે અને આ મોટા બંધાયેલા બંધ બાંધનારા સામે કાર્યવાહી કરવા સહિતની વિગતો બહાર આવી હતી. પરંતુ આ કાર્યવાહી માત્ર નાટક પૂરતી જ સિમીત રહી હતી. વર્તમાન સ્થિતીએ પણ જો વરસાદ આવે તો પશુઓની સાથે લોકોના જાનમાલનો પણ ખતરો થઇ શકે તેવી સ્થિતી છે. પરંતુ આ મોટા માથાઓ ગણાતા ભૂમાફિયાઅો સાથે અધિકારીઓ પણ યેનકેન પ્રકારણે સાચવી લેતા હોઇ તમામ નિયમોને નેવે મૂકીને બેરોકટોક આ ઉદ્યોગ અત્યારે તો ધમધમી રહ્યો છે. અને બાનિયારીના તથા કડોલના સરપંચને પણ દબાવી દેવાના પ્રયાસ થઇ રહ્યા છે.

  તંત્રને કેમ મસમોટું કૌભાંડ દેખાતું નથી

  આ મહાકૌભાંડના હવનમાં જંગલખાતું, પીજીવીસીએલ, મહેસુલ ખાતું અને પોલીસ તંત્ર પણ આહુતિ આપી રહ્યા છે. તેઓ ક્યા નિયમોને આધારે આહુતી આપે છે તે એક સવાલ છે અને તટસ્થ તપાસ થાય તો આ મહાકૌભાંડ કેટલું મોટું છે તે બહાર આવે એમ છે. આ ઉદ્યોગપતિઓ અનેક બોગસ નામનાે ઉપયોગ પણ કરી રહ્યા છે. પરંતુ મૂળ માલિકો તો મોટા માથા છે અને તેમના ગાંધીધામ, માળિયા, સામખિયાળી, વોંધ સહિતના વિસ્તારોમાં હજારો એકર જમીનમાં દબાણ સાથે મીઠાનું ઉત્પાદન કરતા કારખાનાઓ ધમધમી રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ