• Gujarati News
  • કચ્છમાં કાળઝાળ પછી હવામાનમાં પલટો

કચ્છમાં કાળઝાળ પછી હવામાનમાં પલટો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂર્વ-મધ્ય કચ્છમાં ઝાપટાં

થોડીવાર માટે આંધી ફૂંકાઇ

આસોમહિનામાં શિયાળાની પ્રતિક્ષા કરી રહેલાં કચ્છ જિલ્લામાં ચાર દિવસ સુધી પ્રખર ગરમી પડ્યા પછી રવિવારે બપોર પછી પવન ફૂંકાવા સાથે વાદળો ડોકાયા હતા અને ભચાઉ, ભુજ, અંજાર તાલુકાના કેટલાંક ગામોમાં ઝાપટાં પડ્યા હતા. ચોબારી-કડોલની સીમમાં વિજળી પડવાથી એક ખેતમજૂરનું મોત થયું હતું.

ખાસ કરીને મધ્ય અને પૂર્વ કચ્છમાં હવામાનનો પલટો થયો હતો, જેમાં ભુજ તાલુકાના કુકમા તેમજ અંજાર તાલુકાના નાગલપુર, સિનુગ્રા, ખેડોઇ અને નિંગાળ ગામોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા, તો અસહ્ય ગરમી પછી સાંજે ભચાઉ તાલુકાના ચોબારી અને કડોલ વિસ્તારમાં વિજળીના કડાકા સાથે જોરદાર ઝાપટું પડ્યું હતું. બે ગામ નજીકની "સાંભ\\\' નામની સીમમાં એક ખેતર મજૂરી કરતાં 35 વર્ષિય ખેતમજૂર મેરા વિભાભાઇ કોલી પર વિજળી પડતાં તેનું મોત નિપજ્યું હતું. ગામની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ગાંધીધામ અને અંજાર શહેરમાં પણ તેજ ગતિએ પવન, ફુંકાવા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો.

ભુજમાં આંધી સાથે કેટલાક વિસ્તારમાં ઝાપટું પડ્યું !

કુકમામાં જોરદાર ઝાપટું વરસ્યું, ત્યારે સમગ્ર વાતાવરણ પાણી પાણી થઇ ગયું હતું.

રાજ્યમાં જ્યાંસૌથી વધુ ગરમી પડી રહી છે એવા જિલ્લા મથક ભુજમાં બપોરે એકાએક વાદળો છવાયા હતા અને થોડી મિનિટો માટે આંધી ફુંકાઇ હતી. આસો મહિનામાં ભાદરવાની જેમ શહેરના પશ્ચિમી વિસ્તારોમાં ઝાપટું પડ્યું હતું, જ્યારે શહેરના બાકીના વિસ્તારમાં છાંટા પણ પડ્યા હતા. વાતાવરણના પલટા પછી શહેરીજનોએ ગરમીમાં થોડી રાહત અનુભવી હતી.