Home » Gujarat » Bhuj » Bhachu » રાજ્યના સૌથી મોટા અભયારણ્યમાં ઘુસણખોરી સામે વનખાતું ઉંઘતું રહ્યું

રાજ્યના સૌથી મોટા અભયારણ્યમાં ઘુસણખોરી સામે વનખાતું ઉંઘતું રહ્યું

Divyabhaskar.com | Updated - Mar 25, 2018, 02:50 AM

Bhachu News - ભચાઉ તાલુકાના બાનીયારી અને કડોલ પાસે આવેલા રણ અભયારણ્યમાં મીઠા ઉદ્યોગકારો દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી 18000...

 • રાજ્યના સૌથી મોટા અભયારણ્યમાં ઘુસણખોરી સામે વનખાતું ઉંઘતું રહ્યું
  ભચાઉ તાલુકાના બાનીયારી અને કડોલ પાસે આવેલા રણ અભયારણ્યમાં મીઠા ઉદ્યોગકારો દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી 18000 એકરમાં દબાણ થઇ ગયા બાદ હજુુ સુધી જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા ધાક બેસે એવા કોઇ પગલા નથી લેવાયા ત્યારે એવું પણ બહાર આવ્યું છે કે જંગલખાતું પણ રાજ્યના આ સૌથી મોટા અભયારણ્યમાં થયેલા બેરોકટોક દબાણના મામલે ભેદી રીતે ઉંઘતું જ રહ્યું હતું.

  બાનીયારી-કડોલ નજીક આવેલા વન અભયારણ્યની 18000 એકર જમીનમાં મીઠા ઉદ્યોગના ધમધમતા અગરના મામલે નાયબ વન સંરક્ષક પ્રવિણસિંહ વિહોલથી વાત કરવામાં આવી ત્યારે તેમણે સ્વીકાર્યું હતું કે અભયારણ્યની જમીનમાં મીઠા ઉદ્યોગ ધમધમતો હોવાની જાણકારી તો ખાતા પાસે ઘણા વખતથી જ હતી. તેમણે જિલ્લા સ્તરે ઉચ્ચ કક્ષાએ જાણ કરી હતી અને પીજીવીસીએલને પણ અહીં વીજ જોડાણ ન આપવા માટે લખ્યું હતું. અલબત, પીજીવીસીએલ પણ આંખ આડા કાન કરતું રહ્યું હતું. જોકે, તેમના સ્તરેથી આ ભૂમાફિયાઓ સામે લેવાવા જોઇએ એવા એક પણ પગલાં ભરાયા હોય એવી કોઇ વાત તેમણે કહી ન હતી.

  આ અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે. કચ્છ રણ અભયારણ્યનો વિસ્તાર 7506.22 ચોરસ કિમીનો છે. અહીં તમામ મહત્ત્વના પશુ-પક્ષીઓનો આવાસ પણ છે. કચ્છમાં જ જંગલખાતાનો મોટો સ્ટાફ હોવા છતાં આ સૌથી મોટા અભયારણ્યમાં પણ થયેલું દબાણ પણ જો આ કચેરી નજરઅંદાજ કરી શકતી હોય તો બીજું શું નહીં કરતી હોય એવો પણ સવાલ ઉભો થઇ શકે છે. આ મીઠાના ઉદ્યોગકારો દ્વારા લાખોનો માસિક હપ્તો અપાતો હોવાની પણ બજારમાં ચર્ચા થઇ રહી છે.

  લીલા રંગમાં દેખાતાં કચ્છના મોટા રણને અભયારણ્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. લાલ રંગનું વર્તુળ જ્યાં છે, ત્યાં હજારો એકરમાં મીઠાના ઉદ્યોગપતિઓ દ્વારા વર્ષોથી દબાણ કરાયું છે, જે જંગલખાતાને દેખાણું નથી.

  ક્યાંકથી ખોટી રીતે એનઓસી પણ ઇસ્યુ થઇ છે : જંગલખાતું

  જંગલ ખાતાના ડીસીએફ વિહોલના જણાવ્યા મુજબ આ જમીનમાં કોઇ તંત્ર દ્વારા લીઝ મંજૂર થઇ હોય તો પણ તેમની કચેરી પાસેથી નો ઓબ્જેકશન સર્ટિફિકેટ લેવું જરૂરી હોય છે. તેમની કચેરીએ આજ સુધી કોઇને એનઓસી જારી કર્યા જ નથી. એટલે જેટલા પણ મીઠાના ઉદ્યોગકારો કડોલ અને બાનિયારી વિસ્તારમાં બેઠા છે એ બધા ગેરકાયદેસર જ છે. વળી, ક્યાંકથી એવું પણ સાંભળવા મળે છે કે તેમણે જંગલ ખાતાની એનઓસી લીધેલી છે. આવી જે કોઇ એનઓસી હોય તે બધી ખોટી છે. કારણ કે, તેમની કચેરીએ જારી કરી જ નથી.

  જાહેર હિતના કામો જંગલખાતું અટકાવી શકે છે, પણ અહીં ચૂપ !

  ભુજ-ભચાઉ રોડ હોય કે ઘડુલી-સાંતલપુર જેવા લોકોને સાચા અર્થમાં ઉપયોગી રોડના કામો કે નર્મદાની કેનાલના કામમાં જંગલખાતું અડીંગો જમાવીને વર્ષોના વર્ષો સુધી કામ રોકાવી રાખે છે. અાવા કામો તો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા જ જનતાના હિતાર્થે થતા હોય છે છતાં તેમાં વનખાતા દ્વારા તેમના અધિકારની રૂએ રોડા નાખવામાં આવે છે અને દિલ્હી કે ભોપાલ સ્તરેથી જ આ કામો અનેક શરતોને આધીન રહીને મંજૂર થતા હોય છે. ત્યારે અહીં જંગલખાતાની આંખ નીચે જ મીઠાના કહેવાતા ઉદ્યોગપતિઓ દ્વારા સરેઆમ દબાણ થઇ ગયું હોવા છતાં વન ખાતાએ ઉંહકારો પણ ન ભર્યો તે ખરેખર ભેદી કહી શકાય.

  કલેક્ટરને લખેલા પત્રોનું પરિણામ ન આવ્યું : DCF

  આ મામલે ડીસીએફ પી.એ. વિહોલનો સંપર્ક સાધવામાં આવતા તેમણે એવું જરૂર કહ્યું હતું કે અમારા અભયારણ્યમાં મીઠાના ઉદ્યોગકારો દ્વારા થયેલા દબાણના મામલે ભૂમાફિયાઓ સામે પગલાં લેવા અમે વહીવટીતંત્રને વારંવાર પત્રો લખ્યા હતાં. જોકે, તેનું કોઇ પરિણામ નહોતું આવ્યું. આ પત્રોની વિગતો તેમની પાસેથી રૂબરૂમાં માંગવામાં આવતા તેમણે તે આપવાનું ટાળ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ