Home » Gujarat » Bhuj » Bhachu » ‘ પેડમેન’માં લોચો શું છે?

‘ પેડમેન’માં લોચો શું છે?

Divyabhaskar.com | Updated - Feb 26, 2018, 02:50 AM

સ્ટોરી એવી છે કે લક્ષ્મીકાન્ત ચૌહાણ (અક્ષયકુમાર) એક મામૂલી લુહાર છે. એની વાઇફ ગાયત્રી (રાધિકા આપ્ટે) માટે એ...

 • ‘ પેડમેન’માં લોચો શું છે?
  સ્ટોરી એવી છે કે લક્ષ્મીકાન્ત ચૌહાણ (અક્ષયકુમાર) એક મામૂલી લુહાર છે. એની વાઇફ ગાયત્રી (રાધિકા આપ્ટે) માટે એ પહેલીવાર સેનિટરી પેડ લેવા જાય છે પણ 55 રૂપિયાનો ભાવ સાંભળીને એને ચક્કર આવી જાય છે કે સાંલુ ? બે આનાનું રૂ, અને બે આનાના કાપડના 55 રૂપિયા ?

  બસ, એ પછી લક્ષ્મીકાન્ત આદુ ખાઇને પેડની પાછળ પડી જાય છે. આખરે એ 1 કરોડના ઓટોમેટિક મશીનને બદલે 90 હજારનાં નાનાાં નાનાં ચાર મેન્યુઅલ મશીનો બનાવે છે જેના વડે તે બબ્બે રૂપિયામાં પેડ વેચવા લાગે છે.

  લોચો ક્યાં છે ?

  લોચો એ છે કે ઇન્ટરવલમાં આપણે પોપકોર્ન લેવા જઇએ છીએ ત્યારે આપણને એવો સવાલ કેમ નથી થતો કે ‘‘યાર, 5 રૂપિયાના પોપકોર્નના 50 રૂપિયા શેના આપી દેવા ના ?’’

  અહીં તો પોપકોર્ન બનાવવાનું મશીન પણ ઇમ્પોર્ટેડ નથી, કોઇ હેવી ટેક્નોલોજી નથી, કોઇ ખતરનાક કીટાણું લાગવાનો ડર નથી, છતાં તમે 50 રૂપિયા આપી જ દો છો ને!

  ***

  સ્ટોરી એવી છે કે...

  અક્ષયકુમાર સેનિટરી પેડ બનાવવાની ટેક્નોલોજી શીખવા માટે મોટી એન્જિનિયરિંગ કોલેજમાં જાય છે.તેને અંદર ઘૂસવા પણ નથી દેતા. એટલે બિચારો એક પ્રોફેસરને ત્યાં ઘર-નોકર બનીને રહે છે.

  બહુ ટટળાવ્યા પછી પ્રોફેસર એને એક દિવસ ઇન્ટરનેટમાં બતાડે છે કે IITના સ્ટુડન્ટોએ આવું એક ઓટોમેટિક મશીન ફક્ત 1 કરોડ રૂપિયામાં બનાવ્યું છે. એ પછી અક્ષયકુમાર પોતાનું લુહારી દિમાગ લગાડીને માત્ર 90,000માં નાનાં નાનાં ચાર મશીનો બનાવે છે. જેને છેવટે IITવાળા જ ઇનામ આપે છે.

  ***

  લોચો ક્યાં છે ?

  લોચો એ છે કે પિક્ચર જોતી વખતે આપણને એ સવાલ થતો જ નથી કે ભાઇ, જો અડધું ભણેલો ગામડાનો લુહાર આટલું સિમ્પલ મશીન જાતે બનાવી શકે તો આ બધી મોટી મોટી એન્જિનિયરિંગ કોલેજો લાખો સ્ટુડન્ટો પાસેથી 5-5 લાખની ફી ક્યા હિસાબે ઉઘરાવે છે ? અને શું કાંદા કાઢવાનું ભણાવે છે ?

  ***

  સ્ટોરી એવી છે કે...

  IITના ભવ્ય ઇનોવેશન સમારંભનો ઠાઠમાઠ જોઇને લાગે છે કે બોસ, આખી ઇવેન્ટ પાછળ 1-2 કરોડ તો ખર્ચાઇ જ ગયા હશે. એટલું જ નહીં, એમાં ખુદ અમિતાભ બચ્ચન આવીને એવી સ્પીચ આપે છે કે ‘‘ભારત કી સવા કરોડ જનતા કો સવા કરોડ શરીર નહીં, બલ્કે સવા કરોડ બ્રેઇન સમજના ચાહીએ...’’ તાલિયાં , તાલિયાં. આમા પહેલું ઇનામ બે લાખનું હોય છે. જો તે ઇનામ મળે તો અક્ષયકુમાર તેનું 90,000નું દેવું ચૂક્વી શકે.

  ***

  લોચો ક્યાં છે ?

  એ જ મોટો લોચો છે કે યાર, આપણને એવો સવાલ હજી પણ નથી થતો કે જ્યાં સરકાર બબ્બે કરોડ રૂપિયા ભભકાઓ પાછળ ખરચી નાંખે છે. ત્યાં સંશોધન કરનારને પહેલું ઇનામ ખાલી બે લાખનું ?

  અને બચ્ચન બચ્ચન સાહેબની ‘સવા કરોડ બ્રેઇન’વાળી સ્પીચ ઉપર તાળીઓ પાડવાનું મન તો થાય છે પણ એવો વિચાર નથી આવતો કે ‘‘સાહેબ, બ્રેઇન તો સવા કરોડ છે પણ અહીં સિસ્ટમ એવી છે કે અમુક રાજપૂત બ્રેઇન છે, અમુક દલિત બ્રેઇન છે, અમુક દેશી બ્રેઇન છે અને અમુક ઇંગ્લિશ મીડિયમ બ્રેળન છે ! સાલું, ‘ઇનોવેટિવ’ બ્રેઇન તો ક્યાંય જોવા જ નથી મળતું... ’’

  ***

  સ્ટોરી એવી છે કે...

  અક્ષયકુમારને રાષ્ટ્રપતિ એવોર્ડ મળે છે. એ યુનોમાં જઇને ભાંગ્યા-તૂટ્યા ઇંગ્લિશમાં સ્પીચ આપે છે. ઇન્ડિયામાં આવીને તે ઠેર ઠેર મહિલાઓની કો. ઓપરેટિવ સોસાયટીઓ બનાવડાવે છે. એમને 90-90 હજારની લોનો મળી જાય છે. આસામ, ચેન્નાઇ, પંજાબ, છત્તીસગઢ, બિહાર, બંગાળ... ઠેર ઠેરથી તેના મશીનો માટે આર્ડરો આવે છે અને આખા દેશમાં બબ્બે રૂપિયાનાં સેનિટરી પેડ વેચાતાં થઇ જાય છે...

  લોચો ક્યાં છે ?

  લોચો એ છે કે અક્ષયકુમારે તો 25 કરોડમાં ફિલ્મ બનાવીને 125 કરોડ બનાવી લીધા પણ પેલાં સેનિટરી પેડના ભાવ હજી ઘટતા કેમ નથી ?


  ‘ પેડમેન’માં લોચો શું છે?

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ