Home » Gujarat » Bhuj » Bhachu » ગાંધીધામમાં પાણી આપી શકાયું નહીં

ગાંધીધામમાં પાણી આપી શકાયું નહીં

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:40 AM

એક બાજુ નર્મદા ડેમમાં પાણી ઘટી રહ્યું છે જેને કારણે સમગ્ર રાજ્યમાં નર્મદા આધારીત વિસ્તારોમાં પાણી કેવી રીતે...

  • ગાંધીધામમાં પાણી આપી શકાયું નહીં
    એક બાજુ નર્મદા ડેમમાં પાણી ઘટી રહ્યું છે જેને કારણે સમગ્ર રાજ્યમાં નર્મદા આધારીત વિસ્તારોમાં પાણી કેવી રીતે પહોંચાડવું તે અંગે સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. સાથે સાથે પાણીમાં કાપ મુકવા માટે પણ તૈયારી કરાઇ રહી છે. એક સાંધેને તેર તુટે ની સ્થિતિ વચ્ચે ભચાઉ તાલુકાના ચિરાઇ પાસે પાણીની લાઇનમાં ગાબડું પડતાં જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થઇ ગઇ હતી. પાણીના ફુવારા ઉડ્યા પછી તળાવ ભરાયું હતું. મરંમતની કામગીરીને પગલે પાણી પુરવઠા બોર્ડ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગઇ કાલે બનેલી આ ઘટનામાં જે લાઇન વરસામેડી સુધી જાય છે ત્યાં સુધી ગુંદાલા, માંડવી અને માતાના મઢ સહિતના વિસ્તારમાં બીજી લાઇન જાય છે. આ ગાબડાને કારણે કચ્છમાં તેની અસર વર્તાણી હતી. ગાંધીધામ પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ આજે શહેરમાં સિટીનો સપ્લાય હતો પરંતુ પાણી ન આવતાં સપ્લાય આપી શકાયો નથી. તેને કારણે સમગ્ર શહેર વિસ્તારમાં પાણી પહોંચાડી શકાયું ન હતું. જોકે, આવી સ્થિતિ હોવા છતાં પાલિકામાં કોઇ ગંભીરતા દાખવવામાં આવી હોય તેવું જણાતું નથી કે કોઇ ફરિયાદ અથવા પાણી મળ્યું ના હોવાના ટોળા આવ્યા ન હતા. તેને કારણે સત્તાધિશો અને અધિકારીઓને રાહત થઇ હતી. ઉલ્લેખનીય છે કે, હજુ કપરા ઉનાળાના દિવસો કાઢવા બાકી છે. તાજેતરમાં પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રા, શહેર પ્રમુખ દિપક પારખ, મોમાયાભા ગઢવી, મધુકાંત શાહ વગેરે આગેવાનો દ્વારા ટપ્પર ડેમની મુલાકાત લઇને લોકોને પણી પુરતૂં મળી રહે તે માટે પગલા ભરવામાં આવી રહ્યા છે. પરંતુ વ્યવસ્થિત રીતે કામગીરી કરવામાં ન આવે તો આ આગેવાનોની મહેનત પાણીમાં જશે તે પણ નક્કી છે.

    પાણી વિતરણની વ્યવસ્થામાં ખામી

    ગાંધીધામ પાલિકાને પુરતા પ્રમાણમાં પાણી મળતું હોવા છતાં અગાઉ યોગ્ય વ્યવસ્થાના અભાવે અને પુરતા પ્રમાણમાં પાણી વિતરણની વ્યવસ્થા વ્યવસ્થિત કરવામાં ન આવતાં પ્રશ્નો ઉભા થયા છે. ખાસ કરીને કેટલાક વિસ્તારમાં કીમેન દ્વારા ભજવવામાં આવતા રાજકારણમાં પણ છતે પાણીએ કેટલાક વિસ્તારોને પાણી મળતું ન હોવાની ફરિયાદો ઉઠે છે. આ ઉપરાંત પાણીની લીકેજ દૂર કરવામાં પણ વિલંબ કરવામાં આવતા પાણીનો બગાડ થઇ રહ્યો છે. જ્યારે અમુક વિસ્તારોમાં લોકો પાણીના વ્યર્થ બગાડ વાહન કે ઘર ધોવા માટે બેફામ રીતે ઉપયોગ કરી રહ્યા છે. તેની સામે લગામ મુકવા માટે પાલિકા વામણી પુરવાર થઇ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending