• Gujarati News
  • કબરાઉમાં મારામારીના કેસમાં આરોપીના જામીન નામંજૂર થયા

કબરાઉમાં મારામારીના કેસમાં આરોપીના જામીન નામંજૂર થયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કબરાઉગામે 18 દિવસ પૂર્વે આધેડ પર 6થી વધુ શખ્સે જીવલેણ હુમલો કર્યાની ઘટના બની હતી, જેમાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી જેલહવાલે ધકેલી દીધા છે, ત્યારે આરોપીઓએ જામીન પર મુક્ત થવા ગાંધીધામ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. ન્યાયધિશે દલીલોને આધારે આરોપીના જામીન ફગાવી દીધા હતા, તો ભચાઉના વોંધડામાં ગત ફેબ્રુઆરીમાં રબારી યુવાનનું ઢીમ ઢાળી દીધું હતું, જેણે જામીનમુક્ત થવા કરેલી અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.

કેસની મળતી માહિતી પ્રમાણે, કબરાઉના તેજાભાઇ વીરાભાઇ રાવરિયાએ ઉછીના આપેલાં નાણાં પરત માગતાં ભવાન લખમણ રાવરિયા, સવજી લખમણ રાવરિયા, ગોવિંદ લખમણ રાવરિયાએ ભાડૂઆતી માણસો વનરાજ રતના રજપૂત, અનવર કાસમ અને રમેશ ખીમા કોલીની મારફતે તેના પર હુમલો કરાવ્યો હતો, જેમાં ભચાઉ પોલીસે તમામ આરોપીઓને દબોચી લીધા હતા, જેણે પ્રથમ ભચાઉ કોર્ટમાં જામીન અરજી કરી હતી, પરંતુ ભચાઉ કોર્ટને સત્તા હોવાથી અરજી રદ થઇ હતી. ત્યારબાદ તમામ આરોપીઓએ પોતાના વકીલ મારફતે ગત તા. 15ના જામીન પર મુક્ત થવા અરજી કરી હતી, જેની સોમવારે સુનાવણી થઇ હતી, જેમાં સરકારી વકીલ ડી.બી. જોગીએ આરોપીઓએ અગાઉ પણ ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ત્યારબાદ મોતને ઘાટ ઉતારી દેવાના ઇરાદાથી જીવલેણ હુમલો કર્યો છે, જેમાં તેજાભાઇને ગંભીર ઇજાઓ થવાથી હજુ પણ સારવાર હેઠળ હોવાથી જામીન આપવા અરજી કરી હતી. ન્યાયધિશે સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી જામીન ફગાવી દીધા હતા, તો ભચાઉ તાલુકાના વોંધડા ગામે બેચરા જીવા આહિરે રબારી યુવાન મોમાયા સામા રબારીની ધારિયાથી ગળું કાપી નિર્મમ હત્યા કરી હતી, જે કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. દરમિયાન આરોપીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી, જેને ન્યાયધિશ બી.જી. દવેએ મંજૂર કરી હતી. આરોપી તરફે એડવોકેટ હરેશભાઇ ગઢવી હાજર રહ્યા હતા.