• Gujarati News
  • ટપ્પર પાસે નિર્માણાધિન નર્મદા કેનાલમાં ગાબડું : પાળો ધોવાયો

ટપ્પર પાસે નિર્માણાધિન નર્મદા કેનાલમાં ગાબડું : પાળો ધોવાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંજારતાલુકાના ટપ્પર પાસેની નિર્માણાધિન નર્મદા કેનાલમાં ગાબડું પડી જતાં ગ્રામજનોનો જીવ તાળવે ચોંટ્યો હતો. ગાબડું પડી જવાથી સમગ્ર પંથકમાં એકત્રિત થયેલા પાણીનો પ્રવાહ વધી જવાથી પાળો પણ ધોવાઇ જતાં પાણી ગામમાં ઘૂસી આવવાની ભીતિ પણ સેવાઇ હતી. અંતે, પાણીની જાવક બીજી બાજુએ વાળી ગામને બચાવવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા કેનાલ નિર્માણનું કામ કરનારી એજન્સીની કામગીરી સામે પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા હતા. મામલાની જાણ થતાં કેનાલના નાયબ ઇજનેર નાવાણી દોડી આવ્યા હતા, જેમની સામે ગ્રામજનોએ અહીં ગુણવત્તા નબળી હોવાના આક્ષેપ ઉઠાવ્યા હતા, જેની તપાસ કરવાની તેમણે ખાતરી આપી હતી.

બે દિવસના વરસાદને કારણે અંજાર તાલુકાના ગામોમાં ભરાયેલું પાણી નિર્માણાધિન નર્મદા કેનાલમાં વહી રહ્યું હતું, ત્યારે ગઇકાલે મોડી રાતે ટપ્પર નજીક કેનાલમાં ગાબડું પડ્યું હતું. ગાબડાંને પરિણામે કેનાલનો પાળો પણ ધોવાઇ જતાં પાણીનો જબ્બર પ્રવાહ શરૂ થઇ ગયો હતો. પાણી ગામમાં ઘૂસી આવવાની શક્યતાને પરિણામે ગ્રામજનો દ્વારા કામગીરી કરીને પાણી બીજીતરફ વાળવામાં આવ્યું હતું. થોડા સમય બાદ બીજીતરફનો પાળો પણ તૂટી જતાં પાણીનો ધસમસતો પ્રવાહ તે તરફ વળી ગયો હતો. પ્રવાહમાં કેનાલ બાંધકામની કામગીરી કરતી એજન્સીનું જેસીબી પણ તણાઇ ગયું હતું, તો માર્ગ પણ તૂટી જતા ટપ્પર ભીમાસર વચ્ચેનો રોડ પણ તૂટી ગયો હતો. અંગેની જાણ નર્મદા કેનાલના અધિકારીઓને થતાં તાત્કાલિક તેઓ ધસી આવ્યા હતા અને સ્થિતિની સમીક્ષા હાથ ધરી હતી. નાયબ ઇજનેર નવાણી સમક્ષ ગ્રામજનોએ કેનાલ બાંધકામની કામગીરીમાં ગુણવત્તા જળવાઇ હોવાના આક્ષેપ કરી નિયત એજન્સીના કામ સામે આંગળી ચિંધી હતી. ગ્રામજનોના આક્ષેપ સામે તેમણે અંગે નિયમાનુસાર તપાસ કરવાની ખાતરી આપી હતી. સતાપર તથા આસપાસના ગામોમાં ભરાઇ ગયેલાં પાણીનો મોટો જથ્થો કેનાલમાં વહી રહ્યો હોવાથી કેનાલના કામ દરમિયાન બનાવાયેલો રોડ ડાયવર્ઝન પણ ધોવાઇ જતાં લોકો ભીમાસર તરફ સંપર્કવિહોણા થઇ ગયા હતા.

ટપ્પર પાસે નવી બની રહેલી કેનાલમાં વરસાદી પાણીના લીધે ગાબડું પડતા તંત્રની પોલ ખૂલી હતી. } નિર્મલ શર્મા