તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગયા અઠવાડિયે ગુજરાતના ગ્રાઉન્ડ રિપોર્ટમાં તમે વાંચ્યું કે, ભાજપ ગુજરાતની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગયા અઠવાડિયે ગુજરાતના ગ્રાઉન્ડ રિપોર્ટમાં તમે વાંચ્યું કે, ભાજપ ગુજરાતની સાત બેઠક પર ફસાયેલો છે. આઈબી, બ્યુરોક્રેટ્સ અને સંઘના રિપોર્ટમાં પણ મોટા ભાગે આ જ વાત બહાર આવી છે. ગુમાવવાની શંકા વધુ હોય એવી બેઠકો બચાવવા અમિત શાહ અને હવે તો ખુદ વડાપ્રધાન મોદીએ મોરચો સંભાળ્યો છે. હાલની સ્થિતિ પ્રમાણે, ભાજપ 22થી 24 બેઠક પર ફરી જીત મેળવે એમ જણાય છે. હજુ પણ ચાર બેઠક એવી છે, જ્યાં કોંગ્રેસ મજબૂત છે. આમ છતાં, ગરમીની આ મોસમમાં ચૂંટણીનો ગરમાવો ગાયબ છે. આ ગરમી માટે જ ગુજરાત જાણીતું છે. ના શહેરોમાં ચૂંટણીનો તાપ છે અને ના તો ગામડાંમાં પ્રચારની ધૂળ ઊડી રહી છે. આ ઠંડા માહોલનો ફાયદો કોને મળશે? આ ઠંડા માહોલના બે દૃશ્ય જુઓ- બે દિવસ પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી વિસાવદરમાં રેલી કરવા પહોંચ્યા, પરંતુ ખુરશીઓ ખાલી જોઈએ, પાછા જતા રહ્યા. બીજી તરફ, રાહુલ ગાંધીની મહુવા રેલી ભીડ પણ નહીંવત હતી. અને ભીડ જ્યારે ગાયબ થાય છે, ત્યારે સૌથી પહેલા નેતાઓના તેવર ગાયબ થાય છે. જોકે, આ બંને કિસ્સા ગ્રામીણ વિસ્તારોના છે, જ્યાં ચૂંટણીના માહોલમાં સામાન્ય રીતે ભીડ જમા થઈ જાય છે. શહેરોની હાલત પણ એવી જ છે.

ખેર, રાજકારણની કુંડળી સમજતા લોકો દાવો કરે છે કે, આ ઠંડા માહોલનો લાભ ભાજપને મળી શકે છે. તેની પાછળ તર્ક પણ છે. કહેવાય છે કે વધુ મતદાન પરિવર્તન માટે થાય છે. ચૂંટણીનો માહોલ ત્યારે જ જામે છે, જ્યાં સુધી સત્તાની તરફેણમાં લહેર હોય અથવા તેની વિરુદ્ધ ગુસ્સો. હાલ આ બંને સ્થિતિ નથી દેખાઈ રહી. પોતાની નબળી બેઠકોને બચાવવા માટે ભાજપ આક્રમક થઈ રહ્યો છે, તો કોંગ્રેસ એટલી જ મુદ્દાવિહીન દેખાઈ રહી છે.

ગામડાંમાં વોટ સ્વિંગ કરાવવામાં નિષ્ફળ રહ્યો ન્યાય, રાષ્ટ્રવાદ લાગવા માંડ્યો જરૂરી: ગામોમાં કોંગ્રેસના ન્યાય પર ભાજપનો રાષ્ટ્રવાદ ભારે પડી રહ્યો છે. રૂ. 72 હજારનું વચન મતદારોને કોંગ્રેસ તરફ સ્વિંગ કરાવવામાં નિષ્ફળ નજરે પડી રહ્યું છે. વિકાસ અને રાષ્ટ્રવાદની તો ભાજપે પેટન્ટ કરાવી લીધી છે. દબાયેલા-છુપાયેલા હિંદુત્વનો મુદ્દો તો છે જ. ગુજરાતના રાજકારણમાંથી હિંદુત્વ ગાયબ થઈ જ ના શકે. રાજકોટમાં ચાની દુકાન પર બેઠેલા જીગાભાઈ કહે છે કે, ભાજપને જીતાડવો મજબૂરી છે. તેમની સાથે ચા પી રહેલા મોહન પટેલ નોટબંધી-જીએસટીને યાદ કરતા કહે છે કે, મોદીજીએ ધંધો જરૂર બગાડ્યો, પરંતુ કોંગ્રેસ જીતશે તો ધંધો કરવો મુશ્કેલ થઈ જશે. કારણ પૂછ્યું તો કહેવા લાગ્યા કે, ગુજરાતીઓ જાણ છે કે કોંગ્રેસના રાજમાં એક સમાજનો કેટલો આતંક હતો. તેમની વાતોથી એ સવાલોનો જવાબ મળી ગયો કે, આખરે ભાજપને જીતાડવો મજબૂરી કેમ છે. જોકે, બેકારી અને ખેડૂતોની મુશ્કેલીઓ એવા મુદ્દા છે, જે ભાજપના મિશન 26માં સ્પિડ બ્રેકર બની શકે છે.

ભાજપ નબળી બેઠકો પર ચૂંટણીને મોદી વિરુદ્ધ કોંગ્રેસ કરવામાં સફળ: ભાજપ માટે અમરેલી, જૂનાગઢ, પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, હિંમતનગર, બારડોલી જેવી બેઠકો પડકારરૂપ બની રહી હતી. આ પડકાર મોદી નહીં, પરંતુ સાંસદોની નિષ્ક્રિયતા હતી. પરંતુ ભાજપ અહીંની ચૂંટણી કોંગ્રેસ વિરુદ્ધ મોદી કરવામાં સફળ રહ્યો છે. જે સાત બેઠકો ફસાયેલી હતી, તેમાંથી ત્રણને ભાજપે કવર કરી લીધી છે. અમરેલી, જૂનાગઢ અને આણંદમાં કોંગ્રેસ આગળ દેખાઈ રહી છે. ઉત્તર ગુજરાતમાં ભાજપ ચાર બેઠક પર નબળી સ્થિતિમાં હતો. અહીં ઠાકોર મત સારા એવા છે. ભાજપે ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાંથી તોડ્યો, પરંતુ ભાજપમાં ના જોડ્યો કારણ કે, પાટીદાર નારાજ થઈ જાય. તેનાથી કોંગ્રેસને સીધું નુકસાન છે. સુરેન્દ્રનગરમાં નારાજ થઈ ગયેલા ફતેપરાને મનાવી લેવાયા છે. છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, ભરૂચ, ખેડા, નવસારી, વલસાડ બેઠકો મેનેજ કરવામાં સંઘ કામે લાગી ગયો છે. જોકે, અમરેલી-જૂનાગઢમાં ભાજપ ઈચ્છે તો પણ વાપસી કરે એવું લાગતું નથી. કારણ છે કોંગ્રેસના ચહેરા. અમરેલીમાં પરેશ ધાનાણી અને જૂનાગઢમાં પૂંજા વંશ- બંનેની અંગત છબિ પક્ષ પર ભારે છે. કોંગ્રેસને ના ઈચ્છતા લોકો પણ આ ચહેરા પર દાવ ખેલવા તૈયાર દેખાઈ રહ્યા છે.

રાજ્ય સરકારના કામથી લોકો સંતુષ્ટ નથી, પંરતુ રાષ્ટ્રીય મુદ્દા નારાજગી પર ભારે: લોકો વાતચીતમાં રાજ્ય સરકારના કામથી સંતુષ્ટ નથી દેખાઈ રહ્યા. ક્યાંક પાણીની મુશ્કેલી તો ક્યાંક બેકારી અને ખેડૂતોના મુદ્દા. ક્યાંક ભેદભાવની વાતો તો ક્યાંક સ્થાનિક નેતાઓનો ઘમંડ. રૂપાણી સરકારને લઈને જેટલી નારાજગી છે, એટલો જ સોફ્ટ કોર્નર નરેન્દ્ર મોદી પ્રત્યે છે. સુરતના વરાછામાં ભીંજા પટેલ કહે છે કે, જે કામ મોદી સાહેબે કર્યું, તે કોઈ ના કરી શકે. મોદીજીના ગયા પછી ગુજરાતમાં જાણે ભાજપ નબળી પડી ગઈ છે, એવી જ રીતે દિલ્હીથી મોદીજી ગયા તો દેશ નબળો પડશે. અલ્પેશ શાહ હીરાનું કામકાજ કરે છે. જીએસટી તેમના માટે મુદ્દો નથી. તેઓ કહે છે, મોંઘવારી, જીએસટી ઘરના મુદ્દા છે, ઉકેલી દઈશું. પરંતુ આતંકવાદ, પાકિસ્તાનનો ઈલાજ જરૂરી છે. આ કામ મોદી જ કરી શકે. તેઓ કહે છે કે, કાશ્મીર જોઈએ તો મોદીને લાવવા પડશે.

છેલ્લી વાત: રાહુલ ગાંધીમાં પરિવર્તનને લોકોએ સ્વીકાર્યું છે. પ્રિયંકા ગાંધીના રાજકીય પ્રવેશની અહીં કોઈ અસર દેખાતી નથી. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાય તો પણ પક્ષને કોઈ ફાયદો દેખાતો નથી. વિવાદાસ્પદ નિવેદનોને ગુજરાત અયોગ્ય નથી માનતું. તેમનું કહેવું છે કે, નેતાઓ નહીં બોલે તો કોણ બોલશે? અને હા, અંતરિક્ષ ક્ષેત્રે ભારતને સફળતા મળી, એ વિશે મોટા ભાગના લોકો કંઈ જાણતા નથી. ભાજપની તરફેણમાં સૌથી મોટો મુદ્દો એર સ્ટ્રાઈક છે, તો કોંગ્રેસની તરફેણમાં (ન્યાય નહીં) ખેડૂતોની દેવામાફી. નીરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા ભાગી ગયા એ માટે લોકો મોદીને નહીં, યુપીએ સરકારને જવાબદાર માને છે. લોકો કહે છે કે, ભાગે છે એ જ લોકો, જે ડરતા હોય છે. મોદીનો ડર હતો, એટલે તેઓ ભાગ્યા. સંકેત સ્પષ્ટ છે- મોદી આજેય ગુજરાતનો મુદ્દો છે. કદાચ 22 વર્ષથી ભાજપ સત્તામાં રહેવાનું કારણ પણ મોદી જ છે.

અન્ય સમાચારો પણ છે...