તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધવારે બપોરે લખી રહ્યો છું. ત્યારે વાતાવરણ સ્વાભાવિક જ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધવારે બપોરે લખી રહ્યો છું. ત્યારે વાતાવરણ સ્વાભાવિક જ સરચાર્જ થયેલું છે. વેલેન્ટાઇન સરખા પ્રેમદિવસે (14મી ફેબ્રુઆરીએ) પુલવામાની રક્તરંજિત આંતકી ઘટના સાથે શરૂ થયેલું પખવાડિયું પૂરું સકેલાય તે પહેલાં મંગળવારે વહેલી સવારે બીજી સર્જિકલ સ્ટ્રાઇકના સમાચાર આવ્યા. હકીકતે, સૂતા સરખા આ લખનારને એક મિત્રે હાંફળેફાંફળે ફોનથી જગાડ્યો હતો કે રાતે યુદ્ધ શરૂ થઈ ગયું છે. હવે, સર્જિકલ સ્ટ્રાઇક તે કંઈ યુદ્ધ નથી એટલું તો હું તમે અને તેઓ સૌ જાણીએ-સમજીએ છીએ. પણ આપણે એને હાલ સરચાર્જ બનેલ માહોલની જ એક ફલશ્રુતિ કહીશું કે તરત જાગતો સંદેશ જુદ્ધે ચડ્યાનો છે.

નહીં કે રોષ અને ચિંતાને કારણ નથી. આ લખી રહ્યો છું અને સરકારના સત્તાવાર બ્રીફિંગનો સાર સાંભળું છું કે સામસામી કોશિશ જારી છે, અને આ પ્રક્રિયામાં આપણે એક મિગ 21 ખોયું છે. દેખીતી રીતે જ, પુલવામાની નિર્ધૃણ ઘટનાના પહેલા વાવડે વિપક્ષ સહિત દેશ આખો એક વ્યક્તિની જેમ ઊભો થઈ ગયો ત્યારે સમજાયેલી ગંભીરતાનો દોર જારી છે. બુધવારે ચીનની સત્તાવાર મુલાકાતમાં વિદેશમંત્રી સુષમા સ્વરાજે આતંકવાદ બાબતે ‘ઝીરો ટોલરન્સ’ની ભૂમિકા દોહરાવી છે એ ઠીક જ છે, પણ આખરે તો આ એક પેકેજ છે, અને અભિમત સમગ્ર નીતિ મુજબ- સુષમા સ્વરાજના શબ્દોમાં ‘મામલો ઓર ભડકાવવાનો (કહો કે ‘એસ્કેલેશન’નો) ખયાલ નથી.

પણ 14મી ફેબ્રુઆરી અને 27મી ફેબ્રુઆરી વચ્ચે જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ જે પ્રશ્નો ઊઠતા, પુછાતા, બોલાતા, વખતોવખત અનુત્તરવત્ અનુભવતા રહ્યા એ પણ સમજવા જેવું છે. જે બન્યું, ન બનવા જેવું બન્યું, જે પણ બન્યું અને જે હદે બન્યું, એ એક સલામતી ચૂક (બલકે, ચ્યુતિ) હતી તે હતી. આવું કેમ થયું, વારુ? જરીક બેઅદબી અને કંઈક અવિવેક જ કેમ ધૃષ્ટતા પણ લાગે છતાં સહેજસાજ સંભારી લેવું જોઈએ કે સલામતી મુદ્દે ચીખીચીખીને બોલવું અને આ બાબતે આગલી સરકાર કરતાં પોતે ગુણાત્મકપણે જુદા હોવાની છાપ અગ્રતાપૂર્વક અધોરેખિત કરતા રહેવું તે વર્તમાન નેતૃત્વનો અને સત્તાપક્ષનો પ્રિયતમ વિષય વિશેષે કરીને રહ્યો છે. કોઈ પણ સરકાર હસ્તક બેશક ચૂક થઈ જ શકે છે, માત્ર ચૂકપ્રુફ વિશેષતાના દાવેદારો હસ્તક થાય ત્યારે પ્રતિક્રિયા વધુ વસમી હોય તો તે દરગુજર કરવી રહે છે.

અહીં સલામતી પરત્વે નીતિવ્યૂહ અને એકંદર પરિપ્રેક્ષ્યની રીતે બે શબ્દો કહેવા લાજિમ લેખાશે. હમણાંની ઘટનાને બીજી સર્જિકલ સ્ટ્રાઇક તરીકે ઓળખીએ તો આ સરકાર હસ્તકની પહેલી સર્જિકલ સ્ટ્રાઇક બાબતનો આપણો અનુભવ સરવાળે એ રહ્યો કે એને ખાસી એટલે કે ખાસી બધી ગજવવામાં આવી હતી. હવે જુઓ તમે લશ્કરની પ્રૌઢી જે અધિકારીએ આ સર્જિકલ સ્ટ્રાઇક સાદ્યંત શુચિર્દક્ષ પાર પાડી હતી એમણે નિવૃત્તિ પછી કહ્યું છે કે અમારી (લશ્કરની) સમજ અને વલણ આવી કારવાઈને આમ ગજવવાની નથી હોતી. જ્યાં સંદેશ પહોંચવો જોઈએ ત્યાં પહોંચાડવાની હોય છે, એટલું જ. પુખ્ત લશ્કરી સમજના આ મોભીનો કોંગ્રેસે લાંબાગાળાના સુરક્ષા પરિપ્રેક્ષ્યની દૃષ્ટિએ પરામર્શ સારું બરક્યાનો હેવાલ હમણાં જ જોવામાં આવ્યો હતો. અહીં એક સ્પષ્ટતા કરી દેવી જોઈએ કે આ પુલવામાપૂર્વ ગોઠવણ હતી.

ગમે તેમ પણ, જેને વિશે હમણેના કલાકોમાં સરકારે વિધિવત્ જાહેરાત કરી છે તે બીજી સર્જિકલ સ્ટ્રાઇક કેવળ સામસામા પવિત્રાની રીતે વિચારીએ તો પણ પુલવામા પછી દુર્નિવાર હતી. અંકુશરેખા (સત્તાવાર પાક સરહદ નહીં) ઓળાંડી જઈ, સ્થાનિક મુલ્કી વસ્તીને સાચવી લઈ, જૈશે મોહમ્મદ આતંકવાદી છાવણીને તહસનહસ કરવાનું ચોક્કસ લોજિક હતું અને છે. સીમાપારથી વળતા દાવા સંભળાઈ રહ્યા છે, પણ હમણાં એમાં નહીં જતાં જૈશે મોહમ્મદ છાવણી પરની કારવાઈને આદરભેર માથે ચડાવીએ.

પણ પખવાડિયું સંકેલાવામાં છે ત્યારે માત્ર આટલું જ નથી બન્યું. રણે ચડવાને થનગનતી વેળાએ પૂંઠે પૂંઠે જે હરોળમજબૂતી જોઈએ એને અંગે ચિંતાની લાગણી જાગે છે. પહેલા નવ દિવસ તમે જુઓ કે દેશભરમાં, કેમ જાણે દેશભક્તિના પ્રાગટ્યરૂપે, કાશ્મીરીઓને નિશાન બનાવવાનું ચાલ્યું. આ દોરમાં અેકંદર રાજકીય-શાસકીય અગ્રવર્ગનું વલણ બેહિચક લૂગડાંસંકોર અને ધરાર આંખ આડા કાનનું જ નહીં, પણ કેટલીક વાર તો મેળાવીપણાનું જણાયું. વડાપ્રધાને એમની ક્લાસિક શૈલીએ નવમેદસમે દહાડે મૌનભંગ કીધો, ખસૂસ કીધો, પણ ઘોડાને વાજતે-ગાજતે ભાગવાની સોઈ આપ્યા પછીનો તબેલે તાળાવ્યૂહ એ હતો એમ કહ્યા વગર રહી શકાતું નથી.

ન્યાય અને સમજ તેમજ જરૂરી સુધારને ખાતર અહીં જોકે એ એક વાનું પણ દર્જ કરવું જોઈએ કે પ્રશ્ન એકંદર, રિપીટ, એકંદર રાજકીય અગ્રવર્ગનો છે. બીજુ જનતા દળના સાંસદ હસ્તકની ઓડિયા ચેનલ પર હાલના સમયમાં યુદ્ધથી કોઈ અર્થ નહીં સરે એ મતલબના વિચારો અધ્યાપિકા મધુમિતા રાયે રજૂ કર્યા ત્યારે એમને કલિંગ ઇન્સ્ટિટ્યૂટે પોતાને ત્યાંથી પાણીચું પરખાવી દીધાના હેવાલો છે. ચર્ચામાં એમણે એમ પણ કહ્યું હતું કે આખા ઇશાનમાં ‘ભારત વિ. અમે’ જેવી લાગણી ઠેકઠેકાણે અનુભવાય છે તે ચિંતા અને નિસબતની બાબત છે. આ સંદર્ભમાં ઇરોમ શર્મિલાએ સોળ સોળ વરસ લગી ચલાવેલ જગનનો પણ મધુમિતા રાયે ઉલ્લેખ કર્યો હતો.

શું કહીશું, રાજકીય-શાસકીય અગ્રવર્ગની આ સત્તા-માનસિકતાના સંદર્ભમાં, સિવાય કે દેશ નથી તો આમ બનતો કે નથી તો આમ બચતો: આદિવાસીઓને વતનમાં જલાવતન કરતો રવૈયો કે વ્હીસલ બ્લોઅરના રક્ષણ માટેનો કાયદો પાંચ વરસ પછી પણ બેમતલબ બની રહે, શું કહીશું એને?

અહીં સાંભરે છે કે ‘આવે વખતે લોકોને રોષ કાઢવાની તક આપવી જોઈએ’ એવી સત્તાવાર મનાતી સલાહ ગોધરા અનુગોધરા દિવસોમાં કર્ણમંત્ર બની રહી હતી. 2002નો ફેબ્રુઆરી ઉતરતે આ બન્યું હતું. 2019ના ફેબ્રુઆરીમાં પણ એ જ આપણી નિયતિ (અને વ્યૂહ) હશે? ન જાને.

સામાન્યપણે આ પ્રકારના ઘટનાક્રમ વખતે ચૂંટણીલક્ષી ચાલની એક ધાસ્તી વાંસો ચીરતી ચાલી જતી હોય છે. બીજી વાસ, મંગળવારી કારવાઈનુંયે ઔચિત્ય સમજાય છે. આ સંજોગોમાં નીતિવ્યૂહકારોને કહીશું, યુદ્ધસ્વ વિગતજ્વર: અને નાગરિકને કહીશું, વોટસ્વ વિગતજ્વર.

Âprakash.nireekshak@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો