તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંતિમ મિશન : અખંડ ભારતની પુનર્સ્થાપના

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લવામામાં CRPFના કાફલા પર પાકિસ્તાનપરસ્ત આતંકી જૂથ ‘જેશ-એ-મોહમ્મદ’ના ઈશારે 14 ફેબ્રુઆરીએ ફિદાઈન હુમલો કરીને 40થી વધુ જવાનોને શહીદ કરવાના ઘૃણાસ્પદ કૃત્યનો બદલો લેવા સમગ્ર દેશ તત્કાળ કાર્યવાહી ઝંખતો હતો. અપેક્ષા હતી એમ જ આખરે 26 ફેબ્રુઆરીના મળસ્કે ભારતીય હવાઈ દળે પાકિસ્તાને ગપચાવેલા જમ્મુ-કાશ્મીરમાં બોમ્બવર્ષા કરીને ત્યાં ચલાવાતી ભારતદ્રોહી આતંકી છાવણીઓનો ખાત્મો બોલાવવાનું પગલું ભર્યું છે. મિશન હજુ અધૂરું છે. પાકિસ્તાનને નેસ્તનાબૂદ કરવા માત્રથી વાત પતતી નથી, વર્તમાન ભારત સાથે પાકિસ્તાન અને બાંગલાદેશ સહિતનો પ્રદેશ જોડીને ફરીને અખંડ ભારત સ્થાપિત કરવાનું છે. વર્ષ 1947માં સરદાર પટેલ અને પંડિત નેહરુ સહિતના રાષ્ટ્રીય નેતાઓએ ક્યારેક એમના સાથી રહેલા મોહમ્મદ અલી ઝીણાની વિશાળ પાકિસ્તાન (આસામ સહિતના સંપૂર્ણ બંગાળ અને સંપૂર્ણ પંજાબ)ની અપેક્ષાથી વિપરીત ‘છિન્નભિન્ન’ (truncated) પાકિસ્તાન તરીકે ‘સડતા અંગ સમાન’ને કાપી ફેંકવાનું પસંદ કર્યું હતું. વિભાજનનો અનિચ્છાએ સ્વીકાર કરાયા છતાં ‘હિંદુ અને મુસ્લિમ બંને અલગ રાષ્ટ્ર છે’ એવી ઝીણાની ‘ટુ-નેશન’ થિયરીને એ વખતે ગાંધીજી, નેહરુ, સરદાર કે મૌલાના આઝાદ સહિતના નેતાઓ સ્વીકારી શક્યા નહોતા. 1971માં પૂર્વ પાકિસ્તાનનું બાંગલાદેશમાં ફેરવાઈ જવું એ ‘ટુ-નેશન’ થિયરીની નિષ્ફળતાનું ઝગારા મારતું ઉદાહરણ હતું. વિભાજન વેળા પણ સરદાર પટેલને શ્રદ્ધા હતી કે આજે પાકિસ્તાન ભલે અલગ થતું હોય, પણ અંતે તો એ ભારત સાથે ભળી જ જવાનું છે. સરદારે આંખમાં આંજેલા સ્વપ્નનું એ અંતિમ મિશન હજુ પૂરું કરવાની જવાબદારી વર્તમાન પેઢીની છે.

પ્રારંભથી જ પાકિસ્તાનનું અસ્તિત્વ ભારત ભણી ઘૃણા કે નફરત પર ટકેલું છે. એના રાષ્ટ્રપિતા કાઇદ-એ-આઝમ માંડ એક વર્ષ અને અગિયાર દિવસમાં જ અલ્લાહને પ્યારા થઇ ગયા, પણ એ પહેલાં એમણે બ્રિટિશ ઇન્ડિયાના વિભાજનના કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવા માટે કરાંચી (એ વેળાની રાજધાની)માં પહેલા ભારતીય હાઈકમિશનર શ્રીપ્રકાશને તેડાવીને વડાપ્રધાન નેહરુને સંદેશ પાઠવ્યો હતો કે મારે પાછા ફરવું છે. જૂનાગઢના નવાબે પણ પાછા ફરવા શ્રીપ્રકાશ કને દાણો દાબી જોયો હતો. જોકે ઝીણાના ઇન્તકાલ પછી તો પાકિસ્તાનમાં રાજકીય હત્યાઓ અને લશ્કરી તાનાશાહોનો દોર ચાલ્યો. ભારત ભણી નફરતના બાવળિયા ઉગાડનારાઓની બોલબાલા રહી. પ્રત્યક્ષ યુદ્ધોમાં પાકિસ્તાનનો પનો ટૂંકો પડતો રહ્યો એટલે છેવટે એણે પ્રોક્ષી વૉરનો માર્ગ અપનાવીને ક્યારેક ખાલિસ્તાન તો ક્યારેક કાશ્મીરની આઝાદીનો રાગ આલાપતા ઉગ્રવાદીઓને પોષી ભારતને કનડવાનું ચાલુ રાખ્યું. અમેરિકાનું ઓશિયાળું પાકિસ્તાન વ્યૂહાત્મક રીતે મહાસત્તાઓને માટે મહત્ત્વનું થાણું હોવાને કારણે વોશિંગ્ટનના ઈશારે ઇસ્લામાબાદ (રાજધાની) આર્થિક રીતે પોષાતું રહ્યું. તેના પર ચલણ તો રાવલપિંડીનું (લશ્કરી મુખ્યાલય) જળવાયું. અમેરિકા જ લાદેનને સોવિયેત પ્રભાવમાં આવેલા અફઘાનિસ્તાનમાં પાઠવતું રહ્યું. આખરે તેણે જ તેનો અંત કર્યો.

આજે અફઘાનમાંથી પાછું હટવાની કશ્મકશ અનુભવતા અમેરિકાને પણ પાકનો ખપ છે. પાકિસ્તાનને અમેરિકાએ આપેલી સહાય આતંકીઓને પોષવામાં વપરાતી રહી. એમાંના ઘણા આતંકી ભારત સામે ઉપયોગમાં લેવાયા.એ પરંપરા હજુ અખંડ છે. વિશ્વભરના તાનાશાહો અને આતંકીઓને પોષતા અમેરિકાએ દેખાડા પૂરતું ઈસ્લામાબાદની સહાય ઘટાડીને એને નર્તન કરાવવા ચાહ્યું તો એનો હાથ ચીને ઝાલ્યો. ભારત-પાક યુદ્ધમાં ચીન પાકિસ્તાનની પડખે રહે તો અમેરિકા કે ઇઝરાયલ ભારતની મદદે આવે, એવું માનનારા કે મનાવનારા ભોંય ભૂલે છે.ચીનમાં અમેરિકાની સેંકડો કંપનીઓ કાર્યરત છે, એટલું જ નહીં, અમેરિકામાં રહેલી ચીનની ૩૦ ટકાથી વધુ અનામતો બીજિંગ પરત ખેંચે તો અમેરિકી અર્થતંત્ર મંદીમાં સપડાઈ શકે. ચીન અને સાઉદી અરેબિયા હજુ પાકના વાલીપણાની ગવાહી આપતાં અમેરિકા સાથે ધરી ગોઠવે છે, એ વાત રખે ભૂલાય. અમેરિકી ઈશારે નર્તન કરતા સાઉદીના પાટવીકુંવર ઈસ્લામાબાદથી બીજિંગ વાયા દિલ્હી કંઇ અમસ્તા જતા નથી. પાક ચીનનો ૩૪મો પ્રાંત ગણાય છે. ચીન માટે ઇસ્લામિક દેશોમાં થઈને આફ્રિકા લગી પગદંડો જમાવવાનું ફાયદામાં છે.

રાજદ્વારી સંબંધો (ડિપ્લોમેટિક રિલેશન્સ) અને રાજકીય બાબતો (રાજકીય બાબતો) વચ્ચે ઘણો ફરક છે. પાકને ખતમ કરવાની ભાષા ભારતીય શાસકો તરફથી વપરાય કે ભારતને બરબાદ કરી દેવાની ભાષા પાક શાસકો તરફથી વપરાય ત્યારે એ વાસ્તવમાં યુદ્ધનો ઉન્માદ તૈયાર કરવા કે પ્રજાનું મનોબળ ટકાવવાથી વિશેષ હોતું નથી. જરૂરી નથી કે યુદ્ધમાં હાર-જીત રાજકીય હાર-જીતમાં જ પરિણામે. વિન્સ્ટન ચર્ચિલ અને ઇન્દિરા ગાંધીના શાસન દરમિયાન યુદ્ધ જીત્યા પછી પણ તેમના પક્ષ હાર્યાના દાખલા છે. એની સામે કારગિલ યુદ્ધના છમકલામાં ભારત વિજયી બન્યા પછી વાજપેયીની પાર્ટી જીતી પણ છે. ખુલ્લેઆમ યુદ્ધ તો રાજકીય જુગાર ખેલવા જેવું હોય છે. આવા તબક્કે, પાડોશી દેશના આતંકી અટકચાળાને સર્જિકલ સ્ટ્રાઈક કે પુલવામા હુમલા પછી હવાઈદળની કાર્યવાહી જેવા પાઠ ભણાવીને સામેવાળાની સાન ઠેકાણે ન જ આવે તો વધુ વ્યાપક યુદ્ધ જેવી કાર્યવાહી થઇ શકે.દરમિયાન, બંને બાજુથી મિત્રદેશો વચ્ચે સમાધાનના પ્રયાસો પણ અખંડ રહેવા ઘટે. દિલ્હી અને ઇસ્લામાબાદ બેઉ આ મુદ્દે સમજણભર્યા મારગનું અનુસરણ કરી જ રહ્યાં છે. અંતિમ લક્ષ્ય તો અખંડ ભારત સાકાર કરવાનું છે. મિશન પાર પડે ત્યાં લગી પાડોશીઓ બદલી શકાતા નથી, છતાં મડાગાંઠો ઉકેલવાના પ્રયાસો સતત થવા ઘટે. યુદ્ધજ્વરમાં કોઈ દેશ પ્રગતિ સાધી શકે નહીં, સંવાદથી જ પ્રશ્નો હલ થઇ શકે. haridesai@gmail.com

પુ
ડૉ. હરિ દેસાઈ

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો