DivyaBhaskar News Network
Jul 22, 2019, 06:20 AM ISTકૃષિ ભાસ્કર | વાપી
ડાંગરનું ધરૂવાડીયુ તૈયાર કરવા માટે ખેડૂતો હજારો ટન કુદરતી વનસ્પતિજન્ય કચરો(બાયોમાસ) અને છાણ સળગાવીને આદર કરે છે. ખેડુતોના મત મુજબ આદર કરવાથી નિંદામણ ઓછુ થાય છે અને ધરૂ સરળતાથી ઉખેડી શકાય છે પરંતુ આ પધ્ધતિમાં જમીનનું તાપમાન ૧૦૦૦ સે. કરતાં પણ વધુ થવાથી જમીનમાં રહેલાં જીવજંતુ નાશ પામી પોષકતત્વો બળી જાય છે. તેથી જમીન ફળદ્રુપતા ઘટે છે જેના કારણે ધરૂ પીળુ અને નબળુ તૈયાર થાય છે. આ સમસ્યાના નિવારણરૂપે અંભેટી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક લલિત કપુરે વલસાડના ઓઝર તથા પારડીના આસ્મા ગામના ખેડુતોના ખેતરે ડાંગર ધરૂવાડીયાની ડેપોગ પધ્ધતિ અને આદર પધ્ધતિ સરખામણી અંગેના 50 અખતરા કર્યા હતા, જેના પરિણામો મુજબ, જમીનની ઉપર નકામા પ્લાસ્ટિકના કોથળા પાથરી તૈયાર કરેલ ડેપોગ પધ્ધતિ દ્વારા ઓછી જમીનમાં ઓછા ખર્ચે તંદુરસ્ત અને ચીપાદાર ડાંગરનુ ધરૂ 12 થી 15 દિવસમાં તૈયાર થયું. વધુ વરસાદથી સપાટ ક્યારા- આદર પધ્ધતિમાં ધરૂ પીળુ પડીને બગડી ગયેલ જયારે ડેપોગ ધરૂવાડીયામાં કોઇ નુકશાન જોવા મળ્યુ નહોતુ. ડેપોગ ધરૂવાડીયુ ઘરની નજીક બનાવી શકાય છે તથા વિષમ પરિસ્થિતીમાં તેને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય છે. ડેપોગ પધ્ધતિ અપનાવીને ખેડુત ડાંગરની ખેતીમાં બિયારણ, ખાતર, નિંદામણ તથા મજુરીમાં થતો ખર્ચ ઘટાડી પોતાની ખેતીને વધુ નફાકારક બનાવી શકે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વલસાડ તાલુકાના ઓઝર તથા પારડીના આસ્મા ગામમાં ૨ ક્ષેત્રદિનોનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંભેટી કૃષ કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. આર.એફ ઠાકોર, કેન્દ્રના જમીન વૈજ્ઞાનિક લલિત કપુર તથા વલસાડ આત્મા પ્રોજેક્ટના પ્રતિનીધિ કેવલભાઇએ આ પધ્ધતિ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.
ચીખલી તાલુકાના સોલધરાના અશોક પટેલે મધમાખી ઉછેર થકી લાખોપતિ બન્યા