ખેડૂતો વાવેતર માટે ખાતર ખરીદી રહ્યા છે પણ કૌભાંડકારોએ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડૂતો વાવેતર માટે ખાતર ખરીદી રહ્યા છે પણ કૌભાંડકારોએ તેમાં પણ ખાતર પાડીને ખેડૂતો પાસેથી પૂરા પૈસા લઇ ઓછું ખાતર આપવાનું કારસ્તાન કરી રહ્યા છે. ખાતરની 50 કિલોની ગુણીમાં 250થી 800 ગ્રામ સુધીના વજન ઓછા નીકળવાનું કૌભાંડ જેતપુર અને રાજકોટના યાર્ડમાંથી શરૂ થયું અને માત્ર 24 જ કલાકમાં સૌરાષ્ટ્ર વ્યાપી બની ગયું છે. બે દિવસમાં શું કાર્યવાહી કરવી અનેે કોણ જવાબદાર છે તે સરકાર જ નક્કી નથી કરી શકી જેથી અલગ અલગ વિભાગો પોતાની રીતે કામગીરી કરી રહ્યા છે અને ખાતર કૌભાંડમાં જેની જવાબદારી બને છે તે કૃષિ વિભાગ અને પુરવઠા વિભાગના બંને કેબિનેટ મંત્રીઓ એકબીજા પર જવાબદારીઓની ખો આપી રહ્યા છે.

રાજ્યના કૃષિમંત્રી આર.સી. ફળદુના વિસ્તાર જામનગર જિલ્લામાં ઠેર ઠેર ખાતરની બોરીઓમાં વજન ઓછું નીકળ્યું છે. આ મામલે શું કાર્યવાહી કરાઈ અને શું પગલાં લેવાશે તે જાણવા માટે દિવ્ય ભાસ્કરે આર.સી. ફળદુનો સંપર્ક કર્યો હતો. તેમણે પ્રશ્નના ઉત્તરમાં સૌથી પહેલા જણાવ્યું કે, જીએસએફસી જાહેર કંપની છે એટલે ઉદ્યોગ વિભાગમાં આવે છે. કૃષિ વિભાગના સચિવ મારફત રાજ્યના સચિવને જાણ કરાઈ છે. પછી તેમણે કહ્યું કે ‘આમા એવું હોય કે મારા કૃષિ વિભાગ હેઠળ માત્ર ક્વોલિટીની જ ડિમાન્ડ રાખીએ તે બરાબર છે કે નહીં, રહી વાત વજન ઓછું વત્તુ તો એ આવે, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ હેઠળ તોલમાપ વિભાગ આવે ને એની બાબત છે. એટલે જયેશભાઈ રાદડિયાએ પણ કાર્યવાહી શરૂ કરાવી છે.’

કૃષિમંત્રી આર.સી. ફળદુએ વજન અને તોલમાપ વિભાગનો હવાલો આપીને કાર્યવાહી આખી પુરવઠા વિભાગ પર ઢોળી અને તેઓ જ કાર્યવાહી અને પગલાં લઇ શકશે અને કૃષિ વિભાગ કશું કરી શકે નહીં તેવું ચોખ્ખું જણાવી દીધું હતું. આથી દિવ્ય ભાસ્કરે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાનો સંપર્ક કરીને પૂછ્યું કે, ખાતર કૌભાંડમાં બે દિવસ દરમિયાન શું કાર્યવાહી કરવામાં આવી તેના જવાબમાં કહ્યું કે ‘એ તો કૃષિ વિભાગ કરે છે ને, કૃષિ વિભાગમાં આવે. આ મામલે ફળદુ સાહેબ જવાબ આપી શકશે. પુરવઠા વિભાગને કોઇ લેવા દેવા નથી.’

આ રીતે બંને કેબિનેટ મંત્રીઓ એકબીજા પર તપાસ અને કાર્યવાહીની ખો આપી રહ્યા છે, જ્યારે બીજી તરફ ખાતરના વજન સહિતના મુદ્દે બંને વિભાગના અધિકારીઓ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં વારાફરતી અલગ અલગ ગોડાઉનમાં જઇને રોજકામ કરી રહ્યા છે. જે સાબિત કરે છે કે ખેડૂતોને સીધી રીતે સ્પર્શતા ખાતરના મુદ્દે તપાસ કરવામાં પણ સરકારમાં સંકલન જ નથી.

અન્ય સમાચારો પણ છે...