તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની મોટાભાગની વિશ્વવિદ્યાલયોમાં 2006થી એક્સટર્નલનો અભ્યાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની મોટાભાગની વિશ્વવિદ્યાલયોમાં 2006થી એક્સટર્નલનો અભ્યાસ કરનાર અંદાજે 15 લાખ જેટલા વિદ્યાર્થીઓની ડિગ્રી અમાન્ય રહે તેવા સંજોગો ઉપસ્થિત થયા બાદ ‘દિવ્ય ભાસ્કરે’ આ બાબતે અભિયાન શરૂ કર્યું હતું અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય તે માટે શિક્ષણ મંત્રી અને યુજીસીના ચેરમેનનું ધ્યાન દોર્યું હતું. દરમિયાન રવિવારે અમદાવાદ આવેલા યુજીસીના ચેરમેન અને શિક્ષણ મંત્રી વચ્ચે બેઠક યોજાઇ હતી, જેમાં વિદ્યાર્થીઅોની ડિગ્રી અમાન્ય ન રહે તેવો નિર્ણય લેવામાં આવશે તેવો નિષ્કર્ષ નીકળ્યો હતો.

આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાઅે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુજીસીના ચેરમેન ડી.પી.સિંઘ સાથે રવિવારે ચર્ચા કરવામાં આવી છે, અને ડી.પી.સિંઘે હકારાત્મક વલણ અપનાવ્યું છે, એક્સટર્નલના 15 લાખ વિદ્યાર્થીઓની ડિગ્રી અમાન્ય ન રહે તે માટે શું કરવું જોઇએ તે બાબતે સોમવારે ગાંધીનગરમાં શિક્ષણ સચિવ અંજુ શર્મા, તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની વિશ્વવિદ્યાલયના કુલપતિઓ ડી.પી.સિંઘ સાથે બેઠક કરશે અને ત્યારબાદ શિક્ષણ મંત્રાલયને રિપોર્ટ કરવામાં આવશે.

શિક્ષણમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, 2013થી અત્યાર સુધીમાં જે વિદ્યાર્થીઓએ એક્સટર્નલનો કોર્સ કર્યો છે, તેઓની ડિગ્રી માન્ય રહે તે અંગેનો જ નિર્ણય લેવામાં આવશે, પરંતુ કોઇ કાયદાકીય આંટીઘૂંટી ન નડે તેની પણ કાળજી રાખવામાં આવશે. સોમવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણી અને પૂર્વ કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ સહિતના કુલપતિ પણ આ બેઠકમાં હાજર રહેશે અને માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જ નહીં ગુજરાતની જે પણ યુનિવર્સિટીએ એક્સટર્નલના અભ્યાસક્રમ ચલાવવા સંદર્ભે મંજૂરી નથી લીધી તે તમામને પાછલી તારીખથી મંજૂરી આપવી કે પરિપત્ર કરવો અથવા તો અન્ય કોઇ રસ્તો શોધવો તે અંગે સોમવારની બેઠકમાં નિર્ણય લઇ લેવામાં આવશે અને આ અંગેની સત્તાવાર જાહેરાત સોમવારે સાંજે કરવામાં આવે તેવી સંભાવના છે. યુનિવર્સિટીના સત્તાધીશોની બેદરકારીના કારણે લાખો વિદ્યાર્થીઓની કારર્કિદી જોખમમાં મૂકાય છે.

અન્ય સમાચારો પણ છે...