તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિયામના આંકડા અનુસાર ઓક્ટોબર માસમાં પેસેન્જર વાહનોના સ્થાનિક વેચાણો 0.28% વધ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારી પ્રયાસો અને ફેસ્ટિવલ સિઝનને લીધે લાંબા સમયથી મંદીનો માર સહન કરી રહેલી ભારતીય ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીને રાહત મળી છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટો મોબાઈલ મેન્યુફેક્ચર્સે (સિયામ) જારી કરેલા આંકડા અનુસાર, ઓક્ટોબર, 2019માં પેસેન્જર વાહનોના સ્થાનિક વેચાણો 0.28 ટકા વધ્યા છે. ગત મહિને સ્થાનિક માર્કેટમાં કુલ 2,85,027 પેસેન્જર વાહનો વેચાયા હતા. જે ગતવર્ષે 2,84,223 યુનિટ હતા. વેચાણો વધવા પાછળ સૌથી મોટુ યોગદાન એસયુવી સેગમેન્ટનુ છે. ગતવર્ષે ઓક્ટોબરમાં વેચાણો 82,413 યુનિટ સામે ઓક્ટોબર, 2019માં 22.22 ટકા વૃદ્ધિ સાથે 1,00,725 યુનિટ વાહન રહ્યા હતા. એમજી હેક્ટર જેવી નવી કારના રેકોર્ડ બુકિંગ સાથે વિટારા બ્રેજા,અને હ્યુન્ડાઈની ક્રેટા જેવી કાર પર મોટાપાયે ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. જેથી વેચાણોમાં વૃદ્ધિ થઈ છે. ઓક્ટોબરમાં કારના સ્થાનિક વેચાણો 6.34 ટકા ઘટી 1,73,649 યુનિટ રહ્યા છે.

વાનના વેચાણો 35.08 ટકા ઘટી 10,653 રહ્યા છે. પેસેન્જર વાહનોની નિકાસ 2.16 ટકા ઘટી 50,467 યુનિટ રહી છે. ગતમહિને ક્વાડ્રિસાયકલના સ્થાનિક વેચાણો 16 ટકા અને નિકાસ 11.49 ટકા વધી છે. પેસેન્જર વાહનોમાં પેસેન્જર કાર, યુટિલિટી વાહન અને વાન સામેલ છે. ઉલ્લેખનીય છે કે, ગતમહિને દશેરા અને દિવાળીને લીધે વેચાણો વધ્યા છે. સિયામના આંકડા અનુસાર તમામ પ્રકારના વાહનોના કુલ સ્થાનિક વેચાણો 12.76 ટકા ઘટી 21,76,136 યુનિટ નોંધાયા છે. ગતવર્ષએ કુલ 24,94,345 યુનિટ વાહનો વેચ્યા હતા. દેશમાંથી તમામ પ્રકારના વાહનોની નિકાસ પણ 2.72 ટકા વધી 3,95,964 યુનિટ થઈ છે.

સતત 11 મહિનાના ઘટાડા બાદ પેસેન્જર વાહનોના વેચાણોમાં સુધારો
મોપેડની નિકાસમાં 85.03 ટકાનો વધારો નોંધાયો
કોમર્શિયલ વાહનોના સ્થાનિક વેચાણો 23.31 ટકા ઘટ્યા
ઓક્ટોબરમાં કોમર્શિયલ વાહનોના કુલ સ્થાનિક વેચાણો 23.31 ટકા ઘટી 66,773 યુનિટ રહ્યા છે. ગતવર્ષે 87,067 યુનિટ વેચાયા હતા. કોમર્શિયલ વાહનોની નિકાસ 40.68 ટકા ઘટી 4,752 યુનિટ રહ્યા છે. ગતવર્ષે 8,011 યુનિટ નિકાસ થઈ હતી. થ્રી વ્હિલરના વેચાણો 3.60 ટકા ઘટી 66,985 યુનિટ (69,483 યુનિટ) રહ્યા હતા. નિકાસ પણ 13.69 ટકા ઘટી 45,065 યુનિટ રહી છે. ગતવર્ષે 52,212 થ્રી વ્હિલર્સની નિકાસ થઈ હતી. બીએસ-6 માનાંક 30 માર્ચ 2020ના રોજ લાગુ થવાની અસરો કોમર્શિયલ વાહનો પર જોવા મળી છે.

ગ્રામીણ બજારમાં માગ ઘટતાં ટુ-વ્હિલરના વેચાણો ઘટ્યા
ઓટો ઈન્ડસ્ટ્રી ગ્રામીણ વિસ્તારોમાં ગ્રાહકોની અછતનો સામનો કરી રહી છે. જેને લીધે ટુ વ્હિલરના કુલ સ્થાનિક વેચાણો 14.43 ટકા ઘટી 17,57,264 યુનિટ રહ્યા છે. ગતવર્ષે 20,53,497 યુનિટ વેચાણ નોંધાયુ હતું. ટુ વ્હિલર્સની કુલ નિકાસો 8.03 ટકા વધી 2,95,292 યુનિટ થઈ છે. ગતવર્ષે 2,73,333 યુનિટ રહી હતી. સ્કૂટર તથા સ્કૂટીના વેચાણો 9.83 ટકા ઘટ્યા છે. બાઈકના વેચાણો 15.88 ટકા ઘટ્યા છે.મોપેડના વેચાણો 26.94 ટકા ઘટ્યા છે. મોપેડની નિકાસમાં 85.03 ટકાનો વધારો નોંધાયો છે. તહેવારો છતાં ગ્રામ્ય વિસ્તારમાં આ વર્ષે વેચાણમાં વૃદ્ધિ ન થવાનું મુખ્ય કારણ ખેતીની સિઝન સરેરાશ એક મહિનો લેટ હતી.

અન્ય સમાચારો પણ છે...