કેશાેદ માર્કેટ યાર્ડ ખાતે ભેળસેળવાળા તૂવેરના જથ્થાને જીલ્લા પુરવઠા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેશાેદ માર્કેટ યાર્ડ ખાતે ભેળસેળવાળા તૂવેરના જથ્થાને જીલ્લા પુરવઠા તંત્ર દ્વારા અન્યત્ર ખસેડવાની તજવીજ થતાં ખેડુત પુત્ર હિતરક્ષક સમિતીએ વિરોધ નોંધાવી નમુના લેવા અને રોજકામ કરવા માંગણી કરી હતી. આથી તંત્રએ રોજકામ કરી નમુના લીધા હતા.

કેશોદ માર્કેટયાર્ડ ખાતે લાેકસભા ચૂંટણી પૂરી થયાનાં બીજાજ દિવસે તૂવેરમાં ભેળસેળ થયાની ફરિયાદ 7 આરોપીઓ સામે દાખલ કરવામાં આવી હતી. અને પુરવઠા વિભાગ દ્વારા 3241 ગુણી સીઝ કરાઇ હતી. પરંતુ જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા સીઝ કરાયેલો જથ્થો 90 લાખનો હતો. જ્યારે એફઆઇઆરમાં નબળી તૂવેરની રકમ 26 લાખ બતાવવામાં આવી હતી. આથી એ સ્પષ્ટ થઇ ગયું હતું કે, સીઝ થયેલા જથ્થામાં સારી અને નબળી બન્ને પ્રકારની ગુણવત્તાનો જથ્થો હોવાથી તેનું સેમ્પલીંગ જરૂરી બન્યું હતું. દરમ્યાન આ તૂવેર પર કૂતરાં આંટા મારતા હોવાની તસ્વીર સાથેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો હતો.

જેને પગલે તંત્ર સફાળું જાગ્યું હતું. જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા તૂવેરને બીજે ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી. આથી ખેડુત પુત્ર હિત રક્ષક સમિતીના કન્વિનર ધીરૂભાઇ જાટિયા અને પ્રવક્તા ભરતભાઇ લાડાણીએ પુરવઠા ખાતાને રજુઆત કરી વિરોધ નોંધાવ્યો હતો. અંતે માંગણીને પુરવઠા ખાતાએ માન્ય રાખી પુરવઠા મામલતદાર સુમન દેશમુખ અને ડિવાયએસપી જે. બી. ગઢવીની હાજરીમાં પોલીસે સેમ્પલીંગની કાર્યવાહી હાથ ધરી હતી. અને બાદમાં તૂવેરને બીજે ખસેડવાની કાર્યવાહી શરૂ કરાઇ હતી.

સમગ્ર તૂવેર ભેળસેળકાંડમાં પુરવઠા વિભાગ દ્વારા 90 ટકા કામગીરી કરવાની થતી હતી. જેમાં ફરીયાદ કરવાથી માંડીને જથ્થાને સીઝ કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવો, તેનું સેમ્પલીંગ કરવું અને રોજકામ કરવું. પરંતુ જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા તેમ ન કરાતાં એ જથ્થો 20 દિવસ બાદ વેરણછેરણ થઇ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...