Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિલ્હી હિંસા: ઉત્તરપ્રદેશની યોગી સરકારને સુપ્રીમકોર્ટની ફટકાર
ઉત્તરપ્રદેશમાં સીએએના વિરોધમાં હિંસા કરનારાનાં પોસ્ટર લગાવવાના કેસમાં ઉત્તરપ્રદેશ સરકારને રાહત આપવાનો સુપ્રીમકોર્ટે ઈનકાર કરી દીધો છે. સુપ્રીમકોર્ટે અલ્લાહાબાદ હાઈકોર્ટના એ આદેશ પર રોક મૂકવાની ના પાડી દીધી છે, જેમાં આરોપીઓનાં પોસ્ટર દીવાલો પરથી હટાવવાનું કહેવાયું હતું. સુપ્રીમકોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ યુ. યુ. લલિતે ઉ. પ્રદેશ સરકારની કાર્યવાહી સામે સવાલ ઉઠાવતા પૂછ્યું કે, આખરે તમે કયા કાયદા હેઠળ રમખાણોના આરોપીઓનાં પોસ્ટરો-બેનરો લગાવ્યાં? હિંસાની નિંદા થવી જોઈએ, પરંતુ આ રીતે નહીં. આ કામ કાયદા હેઠળ થવું જોઈએ. જસ્ટિસ અનિરુદ્ધ બોઝે કહ્યું કે, સરકાર કાયદાની બહાર જઈને કામ ના કરી શકે.
બે જજની ખંડપીઠે આ કેસ હવે ત્રણ જજની ખંડપીઠને મોકલ્યો છે, જે હવે અલ્લાહાબાદ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ ઉ. પ્રદેશ સરકારની અરજીની સુનાવણી કરશે. સીએએ વિરુદ્ધ હિંસા વખતે ઉ. પ્રદેશમાં વિવિધ સ્થળે થયેલી હિંસાના આરોપીઓનાં પોસ્ટરો લગાવાયાં હતાં. આ માધ્યમથી આરોપીઓની સંપત્તિ જપ્ત કરીને સરકારી સંપત્તિને થયેલું નુકસાન ભરપાઈ કરવાની વાત કરાઈ હતી. અલ્લાહાબાદ હાઈકોર્ટે સુઓમોટો કરીને ઉ. પ્રદેશ સરકારને 6 માર્ચ સુધી પોસ્ટર હટાવવાનો આદેશ કર્યો હતો.
ખુલ્લેઆમ બંદૂકો લહેરાવનારા પ્રાઈવસીના અધિકારનું ઉલ્લંઘન કર્યાનો દાવો ના કરી શકે: યોગી સરકાર
ઉ. પ્રદેશમાં લગાવાયેલાં પોસ્ટરોમાં પૂર્વ આઈપીએસ એસ. આર. દારાપુરીને પણ આરોપી તરીકે દર્શાવાયા હતા. આ મુદ્દે વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે સરકારે લોકોને પ્રાઈવસીના અધિકારનું ઉલ્લંઘન કર્યું છે. એટલે જ કોર્ટે આ પોસ્ટરો તાત્કાલિક હટાવવાનો આદેશ કર્યો છે. આ મુદ્દે ઉ. પ્રદેશ તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે હિંસાના વીડિયો તમામે જોયા છે. જો તમે રમખાણોમાં ખુલ્લેઆમ બંદૂકો લહેરાવો છો, ફાયરિંગ કરો છો ત્યારે તમે પ્રાઈવસીના અધિકારનું ઉલ્લંઘન કર્યાનો દાવો ના કરી શકો. આ અંગે જસ્ટિસ લલિતે કહ્યું કે જો તમે અસામાજિક તત્ત્વોની વીડિયોગ્રાફી કરી છે તો તમે પોતે જ તમારી જાતને જાહેર કરી છે. પરંતુ અમારે એ વાતનો જવાબ જોઈએ છે કે શું સરકારને આ રીતે કોઈને જાહેર કરવાનો હક છે, જેનાથી ભવિષ્યની હિંસા માટે પણ તેમને દોષિત મનાય? આ અંગે સિંઘવીએ કહ્યું કે સરકારની કાર્યવાહી એક રીતે મોબ લિન્ચિંગની અપીલ કરવા જેવી છે.
હિંસાનો વિરોધ કરો, પરંતુ સરકાર કાયદાની બહાર જઈને કામ ના કરી શકે