ખાદ્યતેલોમાં મજબૂત સ્થિતિ, સિંગતેલ ડબ્બો ઊંચકાઇ રૂ.1800 તરફ આગેકૂચ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોમોડિટી રિપોર્ટર | અમદાવાદ | તેલીબિયાં પાકોના ઉનાળુ ઉત્પાદનમાં કાપ અને ચૂંટણીના કારણે હાજરમાં વેચવાલી કપાતા ખાદ્યતેલોમાં મજબૂતી જોવા મળી છે. સિંગતેલ તથા કપાસિયામાં ડબ્બા દીઠ ભાવ આજે વધુ 20 સુધર્યા હતા. સિંગતેલ ડબ્બો ઉંચકાઇ 1800 તરફ આગળ વધી રહ્યો છે. જ્યારે કપાસિયા તેલ ડબ્બો 1350 પહોંચી ગયો છે. આયાતી ખાદ્યતેલોની મુવમેન્ટ પર સ્થાનિકમાં તેજી નિર્ભર રહેશે.

ઉનાળુ મગફળીના ઉત્પાદનમાં કાપ, ચૂંટણીના કારણે વેચવાલી નહિંવત્ રહેતા ભાવ ઊંચકાયા
એગ્રી કોમોડિટીમાં મજબૂતીનો પ્રારંભ થઇ ચૂક્યો છે. પાણીની અછત, નબળા સ્ટોક અને વૈશ્વિક માગના કારણે તેલીબિયા, મસાલા, કઠોળમાં ભાવ સતત ઉંચકાઇ રહ્યાં છે. મગફળીના ખરીફ ઉત્પાદનમાં કાપ આવ્યા બાદ ઉનાળુ ઉત્પાદનમાં પણ સરેરાશ 50 ટકાથી વધુ ઘટાડો થશે તેવા અહેવાલે સિંગતેલમાં તેજીનો ટોન રહ્યો છે. સ્ટોક નહિંવત્ રહેવા સાથે નાફેડની ચૂંટણીના કારણે વેચવાલી અટકી હોવાથી તેજીનો માહોલ રચાયો છે. આ ઉપરાંત અસહ્ય ગરમીના કારણે ગોડાઉનમાં રહેલા મગફળીના સ્ટોકમાં ગુણવત્તા નબળી પડશે તેવા અહેવાલે પણ સુધારા તરફી માહોલ છે. અન્ય ખાદ્યતેલોમાં કપાસિયા-વોશમાં તેજી જળવાઇ રહી છે. પામતેલ પણ સુધર્યું છે.

ઉનાળુ મગફળીનું વાવેતર 57 ટકા ઘટી 20000 હેક્ટર અંદર રહ્યું છે જે અગાઉના વર્ષે આ સમયમાં 46000 હેક્ટરમાં રહ્યું હતું. વૈશ્વિક સ્તરે સિંગદાણાની માગ ખુલવા સાથે બલ્કમાં સિંગતેલની નિકાસને વેગ મળશે તેવા અહેવાલ પણ ટ્રેડરો દર્શાવી રહ્યાં છે.

ચીનમાં દિવેલના મોટા પાયે નિકાસ સોદાઓ થયા હોવાથી દિવેલની સાથે શિપર્સોની એરંડામાં માગ ખુલતા ભાવ મજબૂત રહ્યાં છે. એરંડા વાયદો ઉંચકાઇ 5600ની સપાટી ઉપર ક્વોટ થઇ રહ્યો છે. અન્ય એગ્રી કોમોડિટીમાં ચણાના ઉત્પાદનમાં 10 ટકા સુધીનો ઘટાડો થવા સાથે આવકો સામાન્ય રહેતા ભાવ સપાટી મજબૂત રહી છે. ચણા વાયદો ભરસિઝને ઉંચકાઇ 4500 નજીક ક્વોટ થઇ રહ્યો છે.

મલેશિયામાં પામનો સ્ટોક ઘટી 30 લાખ ટન અંદર રહેશે
મલેશિયાના પામતેલનો સ્ટોક માર્ચ મહિનામાં 30 ટન નીચે અને પાંચ મહિનાની નીચી સપાટી પર પહોંચશે તેવો અંદાજ છે. નિકાસમાં ઝડપી વધારો થવાના કારણે સ્ટોકમાં ઘટાડો થવાનો અંદાજ છે. મલેશિયા વિશ્વની બીજી સૌથી મોટી પામતેલ ઉત્પાદક અને નિકાસકાર છે. મલેશિયામાં માર્ચમાં સ્ટોક માં ફેબ્રુઆરી મહિનાની તુલનાએ ઘટીને 28.5 લાખ ટન રહે તેવી ધારણા છે જે ઓક્ટોબર 2018 પછીનું સૌથી નીચી સપાટી પર રહેશે.મલેશિયાના પામતેલ શિપમેન્ટ્સ માર્ચ મહિનામાં 16.3 લાખ ટન રહેવાનું અનુમાન છે જે ગત મહિને 23.4% વધ્યું હતું. ચાર મહિનાના ઘટાડા પછી માર્ચમાં ઉત્પાદન વધારો થયો હોવાનું અનુમાન છે. આગમી સમયમાં મલેશિયામાં ઉત્પાદન અને નિકાસ વેપાર કેવા રહે છે તેના પર તેજી-મંદીનો આધાર રહેલો છે. એનાલિસ્ટો આગળ જતા પામતેલમાં ફંડામેન્ટલ તેજીના દર્શાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...