તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડવીમાં બાયોમેટ્રિક હાજરીથી સફાઇકર્મીઓ શિસ્તમાં આવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી પાલિકાના સેનિટેશન વિભાગના કામદારો હાજરી પુરાવીને ગુટલી મારી જતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતાં શાસકો દ્વારા તેમના માટે બાયોમેટ્રિક પધ્ધતિ સાથેની હાજરીનો નિયમ બનાવતાં ગુટલીબાજો શિસ્તમાં આવી જવાની સાથે શહેરમાં અગાઉ ઉઠતી ગંદકીની વ્યાપક ફરિયાદો નહિવત બની છે.

છેલ્લા એક માસથી અમલી બનાવાયેલી અા પધ્ધતિમાં સફાઇ કર્મચારીને હાજર થવાના સમયે સવારે 7.30, બપોરે 12.30 અને 2.30 તેમજ સાંજે ફરજ પૂરી થાય ત્યારે 6 કલાકે એમ ચાર વાર ચહેરો દેખાય તે રીતે મશિનમાં થમ્બ મારવાનું ફરજીયાત બનાવાયું છે.

આ અંગે પ્રતિક્રિયા આપતાં નગરપતિ મેહૂલ શાહે જણાવ્યું હતું કે, સુધરાઇ માટે સેનિટેશન વિભાગના કેટલાક કર્મચારીઓની ફરજ પ્રત્યેની બેદરકારી માથાના દુખાવા સમાન બની હતી. કેટલાક કામદારો સવારે હાજરી પુરાવીને કામ પૂર્ણ કર્યા વિના ઘરે ચાલ્યા જતા હોવાની ફરિયાદો આવતી હતી જેના ઉકેલ રૂપે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી બનાવાયા બાદ ગુટલીબાજો નિયમિત ફરજ બજાવતા હોવાથી શહેરમાં ગંદકીની સમસ્યા મહદઅંશે હળવી બની ગઇ છે.

હાલે સેનિટેશન વિભાગમાં 20 કાયમી, 107 કોન્ટ્રાક્ટ પર અને 86 રોજમદાર મળીને 225 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે. અગાઉ આ પૈકીની કેટલીક બોગસ હાજરી પુરાતી હતી તેના પર પણ લગામ કસાઇ છે જેના પગલે કેટલાક લોકોના પેટમાં તેલ રેડાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અગાઉ હાથેથી હાજરી પુરાતી તેના સ્થાને અમલી બનાવાયેલી નવી પધ્ધતિના કારણે ચાલુ માસનું પગાર બિલ આવશે તે પણ ઓછું થઇ જવાની સંભાવના નકારી ન શકાય.

અન્ય સમાચારો પણ છે...