તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

10 કેબિન સહિતના દબાણ પર બુલડોઝર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ નગરપાલિકા દ્વારા એક બાજુ 15 કરોડના ખર્ચે વરસાદી નાળા સિમેન્ટ કોંક્રીટથી કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નાળા પરના પાકા દબાણો હટાવવા માટે નોટિસ પણ આપવામાં આવી છે. જે તે સમયે નાળા પર થયેલા દબાણોમાં પાલિકાએ આંખ મીચામણા કર્યા પછી હવે હાલના સંજોગોમાં ફરજીયાતપણે પગલા ભરવા પડે તેમ હોવાથી આગામી દિવસોમાં કાર્યવાહી હાથ ધરવા માટે તૈયારી શરૂ કરી છે. દરમિયાન આદિપુર વિસ્તારમાં અગાઉ બગીચા તથા અન્ય રસ્તાના દબાણો દૂર કરવા માટે આજે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સીબીએક્સ 9 વાળી માં પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાના દબાણ શાખાએ 10 કેબીન, બે ગાયના વાડાને જમીનદોસ્ત કર્યા હતા.

શહેરમાં દબાણ દૂર થાય તે માટે પાલિકા દ્વારા પગલા ભરાય તેમાં પણ રાજકારણ રમાતું હોય છે. અગાઉ પેવર બ્લોક પાથરવાની કામગીરીમાં મુખ્ય વિસ્તારના વેપારીઓના દબાણો તોડવામાં પણ કેટલાક કિસ્સામાં પાલિકાએ બેવડી નીતિ અપનાવી હતી. દરમિયાન હવે અગાઉથી નોટિસ આપ્યા પછી દબાણ દૂર કરવા માટે પગલા ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ચીફ ઓફિસર નીતિન બોડાતની સૂચનાના પગલે દબાણ શાખાના ઇન્સ્પેક્ટર લોકેન્દ્ર શર્મા વગેરેના કાફલાએ આદિપુર પોલીસની સહાયથી સીબીએક્સ 9 વાળીમાં વર્ષો જૂના દબાણો દૂર કર્યા હતા. જોકે, અગાઉ નોટિસ આપવામાં આવી ત્યારે ટોચના રાજકારણીએ દબાણ દૂર ન કરવા પાલિકા પર દબાણ કર્યું હતું જેનું સુરસુરીયુ થઇ ગયું હોય તેમ જણાય છે. દબાણ હટાવવા માટે પાલિકા દ્વારા ભરવામાં આવી રહેલા પગલાને આવકાર મળી રહ્યો છે પરંતુ તેમાં કોઇની શેહશરમ રાખવામાં ન આવે તે પણ લોકો ઇચ્છી રહ્યા છે. બેવડી નીતિ અત્યાર સુધી પાલિકાએ અપનાવી છે.

નાળા સીસી બનાવ્યા પછી સ્લેબના પૈસા કોણ કાઢશે?
ભાસ્કર ન્યૂઝ.ગાંધીધામ

ગાંધીધામ નગરપાલિકા દ્વારા 12 કરોડથી વધુ રકમના ખર્ચે ગાંધીધામ અને આદિપુરના નાળાને સિમેન્ટ કોંક્રીટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ પછી શરૂઆતથી જ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે તેમ છતાં પાલિકા દ્વારા એક યા બીજા કારણોસર કોન્ટ્રાક્ટર પ્રત્યે મીઠીનજર રાખવામાં આવી હોય તેવી સ્થિતિ છે. દરમિયાન જુની કોર્ટ સહિતના વિસ્તારમાં નાળા પર આવેલી કેબીન દૂર કરવા માટે આપવામાં આવેલી નોટિસ પછી વર્ષોથી પેટીયુ રળતા કેબીન ધારકો રોડ પર આવી જાય તેવી સ્થિતિ છે. આજે આ કેબીન ધારકોની બેઠક મળી હતી જેમાં વૈકલ્પીક વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવે તે સહિતની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જોકે, મહત્વનો પ્રશ્ન એ છે કે, જંગી રકમમાંથી નાળાને સીસી બનાવવાના છે પરંતુ તેની ઉપર સ્લેબ કરવાનો ન હોવાથી પરીસ્થિતિ ત્યાર બાદ જૈસે થે થશે તેવી દહેશતના પગલે સ્લેબ બનાવવા માટે પણ સૂચન કરવામાં આવી રહ્યું છે. પરંતુ પાલિકા આ સ્લેબ માટે પૈસા ક્યાંથી કાઢે તે પ્રશ્ન હાલના તબક્કે પાલિકાના વર્તુળમાં ચકડોળે ચડ્યો છે.

શહેરમાં નાળાના દબાણ દૂર કરવા માટે પાલિકાએ આપેલી નોટિસ પછી જુની કોર્ટ સહિતના વિસ્તારમાં વર્ષોથી કેબીન મુકીને રોજગારી મેળવતા લોકોની હાલત દયનીય બની જાય તેવી સ્થિતિ છે. આજે આ અંગે ફરી એક વખત બેઠક બોલાવવામાં આવી હતી. અગાઉ પાલિકા પ્રમુખ કાનજીભાઇ ભર્યા અને ચીફ ઓફિસર નીતિન બોડાતને ગઇ કાલે રજૂઆત કર્યા પછી પાલિકા કોઇપણ કાળે દબાણ દૂર કરશે તેમ જણાવતા હવે શું કરવું તે મુંઝવણમાં મુકાયેલા લોકોએ વૈકલ્પીક વ્યવસ્થા સહિતના મુદ્દે લડી લેવા માટે તૈયારી શરૂ કરી છે. આ બેઠકમાં પાલિકાના વિપક્ષના પૂર્વ નેતા અને શહેર કોંગ્રેસ પ્રમુખ સંજય ગાંધીને પણ બોલાવવામાં આવ્યા હતા. તેઓએ ચર્ચામાં ભાગ લીધો હતો અને પાલિકા પ્રમુખને ફરી એક વખત રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...