“નાંણા ન આપી શકનારને પ્રથમ આવકાર”, ગુજરાતમાં જ આવું બની શકે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝબકાર ગુજરાતનો-રજનીકુમાર પંડ્યા

થોડા જ સમય પહેલા દિવ્યભાસ્કાર.કોમ પર આ કટારમાં બિલીમોરામાં તીન બત્તી પાસે આવેલા અનન્ય એવા વિધવા અને વૃધ્ધાશ્રમ વિષે એક લેખ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. લેખના પ્રતિભાવરૂપે વૃધ્ધાશ્રમને નામી-અનામી અનેક દાતાઓ તરફથી સારી એવી રકમ પ્રાપ્ત થયેલી, જેના લીધે 2012ના જુનની પહેલી તારીખથી વૃધ્ધાશ્રમનું ચિત્ર બદલાઇ ગયું છે,આનંદની વાત છે કે હવે તેમની જૂના જરીપૂરાણા મકાનમાં પડતી સંકડાશનો પ્રશ્ન તો હલ થઇ ગયો છે. તેઓ પોતાના આ વૃધ્ધાશ્રમના નવા મકાનમાં સ્થળાંતર કરી ચુક્યા છે. જે વધુ સવલતોવાળું અને વધુ હવા ઉજાસવાળું છે. એના અનુસંધાને સંસ્થાની ગતિવિધીઓનો હાલનો ચિતાર આપવા માટે આ લેખ અહીં પ્રસ્તુત છે. સાથે તે નવા આવાસની અંદર અને બહારની તસ્વીરો પણ પ્રસ્તુત છે.

બિલિમોરાના મહાવીર વૃધ્ધાશ્રમના સંચાલક-સ્થાપક માધવલાલ પુરોહિતે વૃદ્ધાશ્રમને મળેલા દાન બદલ દિવ્યભાસ્કાર.કોમનો આભાર માન્યો હતો. માધવલાલના જણાવ્યા પ્રમાણે દિવ્યભાસ્કર.કોમમાં આ અંગે લેખ પ્રસિદ્ધ થયાં બાદ સંસ્થાને નાના-મોટાં અનેક ગુપ્ત દાન મળ્યાં હતાં, જેનાથી સંસ્થાએ એક નવું મકાન ખરીદ્યું છે.

દિવ્યભાસ્કર.કોમ દ્વારા અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવેલો આર્ટિકલ...

“ખર્ચ વધારે નથી. જો કોઇ વ્યક્તિ ધારે તો એક વૃધ્ધ કે એક વિધવાને એક માસ માટે પણ દત્તક લે તો માત્ર રૂપિયા એક હજાર આપે, એમ જેટલા માસ માટે દત્તક લે તો તેટલા હજાર રૂપિયા આપે. એક વર્ષ માટે માત્ર એકવાર બાર હજાર રૂપિયા આપે તો એક વર્ષ સુધી એક વ્યક્તિને દત્તક લીધી ગણાય. વાસ્તવમાં ખર્ચ તો એક હજારથી વધારે જ આવે પણ સુવિધા ખાતર મેં આ યોજના કરી છે. જેથી સામાન્ય ઉદારદિલ માણસ પણ આ સેવા યજ્ઞમાં પોતાના તરફથી આહુતિ આપી શકે.”

આ શબ્દો બિલિમોરાના મહાવીર વૃધ્ધાશ્રમના સંચાલક-સ્થાપક માધવલાલ પુરોહિતના છે. એટલે જ એમણે સૌને કહી રાખ્યું છે કે અહિં આશરો લેવા માગતા વૃધ્ધો અને વિધવાઓ માટેનું સુત્ર છે કે “નાણાં ન આપી શકનારને પ્રથમ પસંદગી’. આવી ચોખવટ આજકાલ કોઇ પણ સેવાભાવી સંસ્થામાંય ભાગ્યે જ જોવા મળે છે. બિલીમોરાના ‘મહાવીર વ્રુદ્ધાશ્રમ’ માંય આવું કોઇ પાટિયું નથી. છતાં તેના સંચાલક માધવલાલ પુરોહિત પોતાની સંસ્થામાં પ્રવેશ આપતી વેળા આ શરતનું ચુસ્તપણે પાલન થાય તેનું ધ્યાન રાખે છે.

આટલું વાંચ્યા પછી આપણને થાય કે એમનું ઠેકાણે તો છે ને? પણ ના, વાત સાચી જ છે. એમ તો આ બીજી વાત પણ માનવામાં આવે એવી નથી, ભલે ને તે થોડી જૂની હોય! બીલીમોરાના માધવલાલ ગમનાજી પુરોહિત બીજે કશે નહીં અને વૃદ્ધાશ્રમોની જાતરાએ નીકળ્યા હતા. જાતરાય નહીં, એને સ્ટડી ટૂર જ કહેવાય. કેમ કે, મુંબઇના પચાસ પંચાવન જેટલા અને ગુજરાતના સત્તર અઢાર જેટલા વૃદ્ધાશ્રમો તેઓ ફરી વળ્યા હતા. કેમ કે તેઓ પોતેય એક વિધવાશ્રમ અને વૃદ્ધાશ્રમ શરૂ કરવા ઇચ્છતા હતા. આનું કારણ એ કે તેમને અંતરના આશીર્વાદ પ્રાપ્ત કરવા હતા અને અંતરના આશીર્વાદ હજી સુધી કોઇ પણ શોપીંગ મોલમાં કે ચેઇન સ્ટોર્સમાં વેચાતા મળતા નથી કે મળવાના નથી. પણ તો પછી વૃદ્ધાશ્રમ અને ભેગો વિધવાશ્રમ શરૂ કરવાની જફામાં પડવાની શી જરૂર? એ જાણવા માટે મળવું પડે ‘મહાવીર વૃદ્ધાશ્રમ’ના માધવલાલ પુરોહિતને.

* * *

“ એમ તો કચ્છના ભૂકંપ વખતે મેં સોએક છોકરાં દત્તક લેવાનો વિચાર કરેલો અને તેના માટેની કાર્યવાહી પણ શરૂ કરેલી. પણ એમાં અનેક કાનૂની ગૂંચો નડી, એટલે એ વાત પડતી મૂકી. આ ઉપરાંત નાના નાના સામાજિક કાર્યો અને કાર્યક્રમોનું આયોજન હું કરતો હતો. પછી મને થયું કે નાના નાના કામ બહુ થયા, હવે કંઇક સરખું કરીએ. લોકોના આશીર્વાદ પ્રાપ્ત કરીએ.” આટલું એકશ્વાસે બોલી ગયા પછી તે શ્વાસ ખાવા થોભ્યા. આપણને થાય કે આશીર્વાદ પ્રાપ્ત કરવા હોય તો રસ્તે જતા ભિખારીને રૂપિયો-બે રૂપિયા પકડાવી દીધા હોય તોય બે-ત્રણ પેઢી સુખી થવાના આશીર્વાદ તે આપી દે. સાતેક પેઢી ચાલે એટલા આશીર્વાદ જોઇતા હોય તો દસની પત્તી પકડાવી દેવાની. બાકી આવી વૃદ્ધાશ્રમ ઉભો કરવાની જફામાં પડવાની જરૂર ખરી? સારું થયું કે હોઠ પર આવી ગયેલી દલીલ શબ્દરૂપે બહાર ન નીકળી. કેમ કે, માધવલાલ તો ઉભા થઇને વ્રુદ્ધાશ્રમ બતાવવા માટે અંદર ચાલ્યા ગયા હતા, અને અંદર જતાં જે દ્રશ્ય નજરે પડ્યું તે જોયા પછી મનમાં ઉગેલો ઉપહાસનો ભાવ શમવા લાગ્યો હતો. તેને બદલે જે જોયું, સાંભળ્યું એ વધુ સ્પર્શ્યું.

* * *

છેક હમણા સુધી ત્રણ માળનું જૂનુંપુરાણું, ખખડધજ મકાન હતુ જે તેમાં રહેતા લોકોના દેખાવ સાથે બરાબર મેચ થાય એવું.હતું. દસ-બાર વ્રુદ્ધ પુરુષો અને છ- સાત વૃદ્ધાઓ પોતાના ઘરમાં બેઠા હોય એવી નિરાંતથી બેઠા દેખાતા. ‘પોતાના ઘરમાં બેઠા હોય એવી નિરાંત’ ફક્ત ત્યાંનો માહોલ સમજાવવા પૂરતું લખ્યું છે. ખરેખર તો તેઓ એથીય વધુ નિરાંતથી રહેતા હતાં. સાંભળવું કે સ્વીકારવું કઠણ લાગે પણ પોતાના ઘરમાં એવી નિરાંત નહીં હોય તેથી જ તેઓ અહીં આવ્યા હશે ને! બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઇને ઉભેલા મુસાફરો જેવી સૌની સ્થિતિ હતી. ક્યારે બસ આવે અને પોતાને લઇ જાય! પણ નહોતી બસ આવતી કે નહોતું ઘેર પાછા જઇ શકાતું. જીવનના એવા તબક્કે સૌ અહીં આવ્યા હતા. અને તેમનો આ તબક્કો આનંદમય, સુખમય તેમજ નિરામય બનાવવાનો પ્રયત્ન માધવલાલ કરી રહ્યા હતા.

મુંબઇના નંદુભાઇ પોતાની પત્નીના અવસાન પછી અહીં આવી ગયા. તેમની ચારેય દીકરીઓ પોતપોતાને સાસરે હતી અને એક દીકરો... વયોવ્રુદ્ધ નંદુભાઇએ દીકરાને પાલવવો પડે એવી નોબત આવી ગઇ. આખી જિંદગી સિલાઇ મશીન ચલાવતા રહેલા નંદુભાઇના પગ પણ પહેલા જેવા ક્યાંથી ચાલે? એવામાં તેમણે મુંબઇના છાપામાં ‘મહાવીર વૃદ્ધાશ્રમ’ની જાહેરખબર વાંચી. પત્ર દ્વારા બધી વિગતો પૂછાવીને બધું સંતોષકારક જણાતાં તેઓ અહીં આવી ગયા. તેમના ચહેરા પર ઝળકતો સંતોષ જ મહાવીર વૃદ્ધાશ્રમનું મેરીટ સર્ટિફીકેટ છે.

આવા તો અહીં અનેક પાત્રો છે, જે જીવતીજાગતી કહાણીઓ સમા છે. સમાજશાસ્ત્રીઓ વૃદ્ધાશ્રમને સમાજનું કલંક ગણાવે છે, તો અમુક તેને વર્તમાન યુગની જરૂરીયાત ગણાવે છે. જેને જે ગણવું હોય તે ગણે, અહીં રહેતા વૃદ્ધો તો મહાવીર વૃદ્ધાશ્રમને પોતાનું ઘર જ ગણાવે છે. માધવલાલની પ્રવેશ માટેની પ્રાથમિક અને સૌથી મહત્વની શરત એ કે નાણાં ન ચૂકવી શકે એવી વિધવા બહેનોને તેમજ વડીલોને પ્રથમ પસંદગી. કારણ? નાણાં ચૂકવી શકે એ તો કોઇ પણ વૃદ્ધાશ્રમમાં સમાઇ શકશે. નાણાં ન ચૂકવી શકનારા ક્યાં જશે? આટલું વાંચ્યા પછી આપણને લાગે કે આ તો ખોટનો ધંધો છે. આમાં ખોટ છે એની ના નહીં, પણ આ ધંધો નથી જ.

વિધવા બહેનોને મન તો આ આશ્રમ નિરાધારોના આધાર સમો છે. તેઓ અહીં લાચારીપૂર્વક નહીં, બલ્કે સ્વમાનપૂર્વક જીવે છે અને જરાય ઓશિયાળા રહ્યા વિના આનંદથી દિવસો ગુજારે છે. માધવલાલ તો ઠીક, તેમનાં પત્ની નર્મદાબેન જે રીતે આ માજીઓને સાચવે છે એ જોયા પછી એમ જ લાગે કે કોઇ પોતાની સગી માની સંભાળ પણ આ રીતે લે કે કેમ?

સવારે ચા સાથે નાસ્તો, નવેક વાગે ગરમ નાસ્તો, સાડા અગિયારે જમવાનું, સાડા ત્રણે ચા અને સાડા છએ પાછું ભોજન. અને આ બધુંય સમયસર, એક પણ ટંક પાડ્યા વિના. “ આવું તો કોઇ ઘરમાંય ન સાચવે.” એમ એક સજ્જન કહે ત્યારે લાગે કે તેઓ સાચું કહે છે. પણ રોજેરોજ આટલા લોકોનો ખર્ચ કાઢવો શી રીતે? માધવલાલ જણાવે છે, “ અમારા ટ્રસ્ટીઓ અમારી સંભાળ રાખે છે, તેમ મુંબઇની ‘માનવજ્યોત’ સંસ્થા પણ અમને મદદ કરે છે. છતાંય અમારી જરૂરિયાત તળિયા વિનાના કૂવા જેવી છે. જેટલું ઠાલવો એટલું ઓછું પડે. મકાનનું ભાડું મહિને બત્રીસસો, ઉપરાંત રસોયણ તેમજ કામવાળી બહેનોનો પગાર, રોજેરોજ તાજું શાકભાજી લાવવાનો ખર્ચ. આ સિવાય જમવાનું, નાસ્તો તો ખરા જ. ‘” અહીં અપાતું દાન આવકવેરાની કલમ 80 – જી મુજબ કરમુક્ત છે. દાતાઓ પણ અવારનવાર નાણાં મોકલે છે, છતાંય તૂટ પડે છે.

આ સંસ્થાના સંચાલક કંઇ એવા માલેતુજાર નથી કે નથી અહીં વહેતો એવો દાનનો પ્રવાહ. હા, છૂટાછવાયા વરસાદ જેવા અમીછાંટણા પડે ખરા. જો કે, અહીં નાણાંની એવી ખેંચ રહે છે કે વહેલી સવારે બાઝતા ઝાકળબિંદુઓ પણ વરસાદ જેવા લાગે, ત્યાં અમીછાંટણાની તો વાત જ શી? નાણાંની કારમી ખેંચ છતાં કદી અહીં રહેતા વડીલોની સુવિધાઓમાં કદી કાપ મૂકવામાં નથી આવતો, કેમ કે નાસ્તો-ભોજન એ સુવિધા નહીં, પણ જરૂરિયાત છે.

માધવલાલ જરૂર પડ્યે પોતાના ખિસ્સામાં હાથ નાંખતાય અચકાતા નથી. પણ તેમના ખિસ્સાની ઉંડાઇ કેટલી? આ સંસ્થા તેમણે પોતાના ખિસ્સાની ઉંડાઇ જોઇને નહીં, પણ દિલની ઉંડાઇ જોઇને શરૂ કરી હતી. તેમને હતું કે સહ્રદયી વ્યક્તિઓ મળી રહેશે તો વાંધો નહીં આવે. અને હજી સુધી વાંધો આવ્યો નથી. પોતાનાં માવતરની જેમ જ એક નહીં, પંદર-વીસ માવતરોની સંભાળ લેનાર માધવલાલ પુરોહિતની દાતાઓમાં શ્રદ્ધા અટલ છે. ‘અંતરના આશીર્વાદ લેવા માટે’ તેમણે શરૂ કરેલી આ સંસ્થા ખરેખર તો માધવલાલને એકલાને નહીં, પણ અહીં મદદ કરનાર સૌને આ તક પૂરી પાડે છે.

આમ છતાંય માધવલાલની ઇચ્છા આ આશ્રમને વધુ મોકળાશવાળી ખુલ્લી જગાએ લઇ જવાની છે, જ્યાં વૃદ્ધો નિરાંતે હરીફરી શકે અને પોતાની ગમતી પ્રવૃત્તી કરી શકે. સાચી વાત છે એમની. આવો વિચાર કરવાના ક્યાં પૈસા બેસે છે? જો કે , તેમને વિશ્વાસ છે કે તેમનું આ સપનું હકીકતમાં પલટાશે. કેમ કે, તેમને વિશ્વાસ છે દાતાઓ પર, લોકોની સદભાવનાઓ પર. આથી જ તેઓ જેમાં ચોખ્ખી જ ખોટ દેખાતી હોય એવાં કામ હાથ પર લે છે અને પૂરી નિષ્ઠાપૂર્વક પાર પાડે છે.

હાલ તો માધવલાલનો સંપર્ક ‘મહાવીર વૃદ્ધાશ્રમ, તીન બત્તી, વિશ્રામગૃહથી આગળ, બીલીમોરા, પીન 396 321, ફોન- 99256 73021, 96018 36543 પર કરી શકાય. ચેક યા ડ્રાફ્ટ ‘મહાવીર કલ્યાણ અને વિકાસ ટ્રસ્ટ ‘ના નામે મોકલી શકાય અથવા બેન્ક ઓફ બરોડાની અમલસાડ શાખાના તેના ખાતા નંબર 02400 10000 8959 માં સીધા પણ જમા કરાવી શકાય.

મહાવીર વૃદ્ધાશ્રમની વિધવા બહેનોમાં, કોને ખબર, ક્યાંક આપણી જ દૂરની માસી, કાકી કે ફોઇ યાદ આવી જાય. ગુજરાતમાં જ નહીં, કદાચ દેશભરમાં અનન્ય કહી શકાય એવો આ અનોખો વિધવાશ્રમ અને વૃદ્ધાશ્રમ માત્ર નાણાંને અભાવે ગડથોલિયાં ખાય એ તો આપણા માટે ક્ષોભજનક કહેવાય. આવી સેવાવૃતિ અને સમર્પણવૃત્તિવાળી સંસ્થા અને સંચાલકને આપણે કમ સે કમ એટલું તો કહી શકીએ કે – તમતમારે ખર્ચની ચિંતા કર્યા વિના કામ કર્યે રાખો, ભલા માણસ! તમે અમારા માવતરોની જવાબદારી લેતા હો તો અમે તમારા ખર્ચની જવાબદારી ન ઉપાડી લઇએ ?

ખર્ચ વધારે નથી. જો કોઇ વ્યક્તિ ધારે તો એક વૃધ્ધ કે એક વિધવાને એક માસ માટે પણ દત્તક લે તો માત્ર રૂપિયા એક હજાર આપે, એમ જેટલા માસ માટે દત્તક લે તો તેટલા હજાર રૂપિયા આપે. એક વર્ષ માટે માત્ર એકવાર બાર હજાર રૂપિયા આપે તો એક વર્ષ સુધી એક વ્યક્તિને દત્તક લીધી ગણાય. વાસ્તવમાં ખર્ચ તો એક હજારથી વધારે જ આવે પણ સુવિધા ખાતર માધવલાલે આ યોજના કરી છે. જેથી સામાન્ય ઉદારદિલ માણસ પણ આ સેવા યજ્ઞમાં આહુતિ આપી શકે.

લેખક સંપર્ક

રજનીકુમાર પંડ્યા, ડી-8, રાજદીપ પાર્ક. મીરા ચાર રસ્તા,બલીયાકાકા માર્ગ, મણીનગર, અમદાવાદ-380 028
ફોન- 079-2532 3711
મૉબાઇલ-+91 98980 15545
ઇમેલ-rajnikumarp@gmail.com.
બ્લૉગ-http;//zabkar9.blogspot.com