ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં ચાર દિવસથી જામેલું ચોમાસુ અનરાધાર વરસી રહ્યું છે. બનાસકાંઠામાં જિલ્લાના ભાભરમાં ૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં એકતી આઠ ઈંચ વરસાદ પડ્યો હતો અને દક્ષિણ ગુજરાતમાં પણ એકથી છ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જામનગર જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં મેઘરાજાએ મન મુકીને વરસવાનું શરૂ કરતા જિલ્લાના જોડિયા તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેના લીધે નાના એવા જોડિયા ગામમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતાં જ્યારે સોમવારે ભારે પવન સાથે વરસાદે વરસવાનું શરૂ કર્યા બાદ સાંજ સુધી ધીમી ધારે વરસાદ સમગ્ર જિલ્લામાં વરસ્યો હતો. રાજસ્થાનના ગિરિમથક માઉન્ટ આબુમાં ૧૮ ઈંચ (૪૪૪મીમી) વરસાદ પડતાં ત્યાંના નખી તળાવ સહિત પહાડોમાં ઝરણાં ઉભરાયાં છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારમાં તો આઠ-આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ધાનેરા, જૂનાગઢ અને માણસામાં ૭ ઇંચથી વધુ તેમજ સિદ્ઘપુર,કાંકરેજ, વિજાપુર, જોટાણા, દહેગામ, દસાડા, જોડિયા અને વાલિયામાં ૬ ઇંચથી વધુ વરસાદ થયો છે. આ સાથે રાજ્યના ૨૦૮ તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. રાજયમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૧.૫૯ ટકા થયો છે.

જામનગર નજીક આવેલા જોડિયા તાલુકામાં છેલ્લા 48 કલાકથી મેઘરાજાએ વરસવાનું શરૂ કર્યા બાદ મનમુકીને વસ્યા હતાં. જોડિયામાં સીઝનમાં સૌથી સારામાં સારો વરસાદ નોંધાયો હતો. જોડિયા તાલુકામાં ઠેર-ઠેર પાણી ભરાયા હતાં પરંતુ આ વરસાદ એટલો લાભદાયી નથી નીવડે તેવો કારણ કે વરસાદનું પાણી જળાશયોમાં જોઇએ તેટલું નથી જતું અને દરિયામાં જતુ રહેતું હોય છે આથી આ વરસાદ માત્ર ખાના ખરાબી લાવે છે.

ધ્રોલ-જોડિયાનો સંપર્ક તૂટ્યો: જોડિયાતાલુકામાં વરસાદથી હાઇવે રોડને તેમજ પુલને નુકશાની પહોચી હતી અને ધ્રોલ-જોડિયા તાલુકાનો સંપર્ક પણ તુટી ગયો હતો.

ભુજ: કચ્છમાં વર્ષો પછી અષાઢમાં સાર્વત્રિક અનરાધાર વરસાદ થતાં ધરતીપુત્રો અને માલધારીઓ ખુશખુશાલ થયા છે. ત્રણેક વર્ષથી અધકચરો વરસાદ થતાં દુકાળ જેવી સ્થિતિ ભોગવતા અબડાસા, લખપત, બન્ની પચ્છમ અને વાગડના કેટલાક વિસ્તારમાં પણ મેઘ મહેર થઇ છે, ક્યાંક અપુરતી વર્ષા હશે તો પણ આખુ ચોમાસું બાકી છે, સરવાળે વિશાળ જિલ્લામાંથી ત્રણ વર્ષે દુકાળનો સંપૂર્ણ દેશવટો મળ્યો છે. ભુજમાં છ ઇંચ વરસાદ ખાબકતાં શહેરમાં જુદા જુદા વિસ્તારો અને માર્ગો પર પાણી ભરાતા શહેરીજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બસ સ્ટેશન માર્ગ પર ઘૂટણસમા પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તો જ્યુબિલી ગ્રાઉન્ડ અને વી.ડી.હાઇસ્કૂલ પાસે પણ પાણી ભરાયા હતા, જ્યારે સરપટ ગેટ પાસે આવેલી જૂની જેલ પાછળની સોસાયટીમાં પાણી ભરાયા હતા. કચ્છના 10થી વધારે જિલ્લામાં 1થી 13 ઈંચ વરસાદ નોંધાયો હતો.

અમીરગઢ: રાજસ્થાનના ગીરીમથક માઉન્ટ આબુમાં છેલ્લા ચોવીસ કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદના પગલે ઝરણા ખળ-ખળ વહેતા થયા હતા. જ્યારે નખીલેખ ઓવરફ્લો થયું હતું. ભારે વરસાદના પગલે સિરોહી નજીક ભેખડ ધસી પડતાં ફોરલેન માર્ગ બંધ કરી ડાયવર્ઝન અપાયું હતું. આ ઘટનાથી વાહનચાલકો હાલાકીમાં મૂકાયા હતા.

મહેસાણા: મહેસાણામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદની હેલી ચાલુ રહેતાં જનજીવન પર અસર થઈ હતી. સાંજે વરસાદ વચ્ચે ભારે પવન ફૂંકાતાં ત્રણેક સ્થળે વૃક્ષો, એક વીજ થાંભલો તેમજ કેટલાંક હોર્ડિંગ્સ પણ ધરાશાયી થયાં હતાં. શહેરની કેટલીક સોસાયટીના માર્ગો પર પાણી વહેતા હતા તો કેટલાક સ્થળે ભૂવા પડી જતાં વાહનચાલકો પરેશાન થયા હતા. સતત વરસાદના પગલે વિદ્યાર્થીઓને શાળા-કોલેજમાં તેમજ નોકરિયાત વર્ગને ઓફિસે જવામાં હાડમારી સર્જાઈ હતી. શહેરમાં વાવાઝોડા સાથે 4 ઈંચ વરસાદ પડ્યો હતો જેના કારણે શહેરમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.