તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એવરેસ્ટ પર રાત્રે કેમ્પમાં પણ ઓક્સિજન સાથે સુઇ જવું પડે, ઉપર કેવી હોય છે સ્થિતિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: વિશ્વનું સર્વોચ્ચ શિખર 8,848 મીટરની ઉંચાઇએ આવેલ માઉન્ટ એવરેસ્ટ સર કરીને પ્રથમ ગુજ્જુ મહિલા ચેતના રાણા(સાહુ)ને સાકાર કર્યું હતું કે હૈયામાં હોંશ અને જીગરમાં જોશ હોય તો કંઇજ અશક્ય નથી. 50 વર્ષની વયે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર આણંદની દિકરી ચેતના રાણા પ્રથમ ગુજરાતી મહિલા છે. એવરેસ્ટને સર કર્યાં બાદ પણ તમારો પડકાર સમાપ્ત થતો નથી. કારણ કે સૌથી વધારે જોખમ તો એવરેસ્ટથી નીચે ઉતરતી વખતે હોય છે. જ્યારે 24 હજાર ફૂટ પહોંચવા માટે ઓક્સિજનનો કેમ્પ શરૂ થયો ત્યારે રાત્રે પણ ઓક્સિજન સાથે સુઇ જવું પડ્યું હતું. 115 કિ.મી.ની ઝડપે ફૂંકાઇ રહેલા ઠંડા પવનને કારણે તંબુની બહાર નીકળવાનો વિચાર પણ કરી શકાય તેમ નહોતો.

દંપતિએ એવરેસ્ટ સર કરવા જીવનભરની મૂડી દાવ પર લગાવી

આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ચેતના રાણાનું પાલનપુર ખાતે ખેલ મહાકૂંભના ઉદ્ઘાટન સમારોહ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. કોલકત્તામાં સ્થાયી થયેલા અને મૂળ આણંદના મધ્યમ પરિવારમાં જન્મેલા ચેતના રાણા 30 વર્ષથી પર્વતારોહણની પવૃતિ સાથે સંકળાયેલા છે. પતિ પ્રદિપ સાહુ પણ પર્વતારોહક હોય એવરેસ્ટ સર કરવાના સ્વપ્નને સાકાર કરવામાં સંપૂર્ણ સહકાર મળ્યો હતો. દંપતિએ માઉન્ટ એવરેસ્ટને સર કરવા માટે પોતાના જીવનભરની મૂડી દાવ પર લગાવી દીધી હતી.

ઓક્સિજન મેળવવામાં તકલીફ થઇ રહી હોવાથી હું અર્ધબેહોશ થઇ ગઇ

‘19મી મેનો દિવસ હતો જ્યારે હું વિશ્વના સર્વોચ્ચ શિખર પરથી દુનિયાનો અલૌકિક નજારો નિહાળી રહી હતી. એ સમયની અનુભૂતિનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી. એવરેસ્ટ પર પહોંચી ગયા એટલે યાત્રા પૂરી થતી નથી. એવરેસ્ટ સર કર્યા બાદ ઝડપથી નીચે જઇને મારા બાળકો અને પરિવારને મળવા ઇચ્છતી હતી. પરંતુ એવરેસ્ટથી નીચે ઉતરતી વખતે ડેથ ઝોન તરીકે ઓળખાતા બાલકોનીમાં મારે મોતનો સામનો કરવો પડ્યો હતો. ઓક્સિજન મેળવવામાં તકલીફ થઇ રહી હોવાથી હું અર્ધબેહોશ થઇ ગઇ હતી. અર્ધબેહોશીની હાલતમાં મારું માસ્ક પણ કાઢીને નાંખી દીધું હતું. જોકે મારી સાથે આવેલા શેરપાએ મને પોતાનું માસ્ક આપ્યું અને સમયસર રેસ્ક્યુ મળી જતાં મારો જીવ બચી ગયો હતો. આમ છતાં એવરેસ્ટના ચઢાણ કરતાં નીચે ઉતરવાનું ઘણું પડકારજનક રહ્યું હતું.’ એમ એવરેસ્ટ સર કરનાર ગુજરાતની પ્રથમ મહિલા અને આણંદની દિકરી ચેતના રાણાએ સ્મરણોનું વર્ણન કરતાં જણાવ્યું હતું.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, અને હું મોત સામે ઝઝૂમી રહી હતી, રાત્રે કેમ્પમાં પણ ઓક્સિજન સાથે સુઇ જવું પડે, એવરેસ્ટના ચઢાણમાં ત્રીજા પ્રયાસમાં મળેલી સફળતા
અન્ય સમાચારો પણ છે...