તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Keshod News The Karnataka State Farmer Beat The Peanut Traders More Than 4 Crore 030036

કર્ણાટક રાજ્યની પેઢીએ સીંગદાણાનાં વેપારીઓને 4 કરોડથી વધુનો ધુંબો માર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર | જૂનાગઢ, કેશોદ

કર્ણાટકની પેઢીએ કેશોદનાં સીંગદાણાનાં વેપારીઓને 4 કરોડથી વધુનો ધુંબો મારી દેતા પોલીસે વિશ્વાસઘાત, છેતરપીંડીની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 3 વેપારીની ફરિયાદ નોંધ્યા બાદ હજુ પણ 10 થી વધુ વેપારીઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં. હજુ પણ અનેક વેપારીઓ આ પેઢીનો ભોગ બન્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તો પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કર્ણાટકનાં ચિત્રાદુર્ગાનાં જૈન કોકો પ્રોડકટ પેઢીનાં અતુલ અનંદ ધારધેએ કેશોદનાં વેપારી રામભાઇ રાયમલભાઇ જીલડીયાને વિશ્વાસમાં લઇ ગત 21 ડિસે.થી 30 ડિસે. દરમિયાન બે વખત 38 હજાર કિલોગ્રામ સીંગદાણા મંગાવી અને તે પેટે 10 લાખનું પેમેન્ટ કરી બાકીનું રૂ.15,56,593નું પેમેન્ટ ચુકવ્યું ન હતું. રાજમંદિર એન્ટરપ્રાઇઝ પેઢી દ્વારા રામેશ્વર બ્રોકરનાં દલાલ પુંજાભાઇ ધામા અને લીલાભાઇ ઉર્ફે રમેશભાઇ જેરામભાઇ અઘેરા મારફત આ માલ મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહાશકિત એન્ટરપ્રાઇઝનાં રૂ.6,72,000 તથા કિરીટ કોર્પોરેટનાં રૂ.24,62,126નું પેમેન્ટ નહીં ચુકવી આ ત્રણેય વેપારી પેઢી સાથે છેતરપીંડી, વિશ્વાસઘાત કર્યો હતો. આ ત્રણ વેપારીઓએ ફરિયાદ નોંધાવ્યા બાદ કેશોદનાં 10 થી વધુ વેપારીઓને પણ આ પેઢીએ છેતર્યા હોય રવિવારે મોડી સાંજે પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ છેતરપીંડીનો આંકડો 4 કરોડથી વધુ હોવાનું અનુમાન થઇ રહયું છે. આ ઠગાઇની ઘટનામાં ઇન્ચાર્જ પીએસઆઇ ચૌહાણે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અગાઉ પણ 1 કરોડથી વધુની ઠગાઇ થઇ’તી
અગાઉ કેશોદની અન્ય એક પેઢી સાથે જુદા-જુદા રાજયની પેઢીઓએ 1 કરોડથી વધુની છેતરપીંડી કરી હતી. ભારતમાં સીંગદાણાનાં વેપારમાં કેશોદનું આગવું સ્થાન હોય આ છેતરપીંડીનાં બનાવોથી વેપારીઓમાં ચીંતા પ્રસરી છે.

અન્ય સમાચારો પણ છે...