તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળ વૈજ્ઞાનિકોએ રજૂ કર્યા 100 થી વધુ પ્રોજેક્ટો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેરનાં વંથલી રોડ ખાતે આવેલ અને ચાંપરડા સ્થિત ભગવતિનંદન એજ્યુકેશન ટ્રસ્ટનાં મુક્તાનંદ બાપુ અને ગિજુભાઇ ભરાડ સંચાલિત પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે બે દિવસીય જ્ઞાન-વિજ્ઞાન પ્રદર્શનનો પ્રારંભ કરાયો છે. સામાન્ય રીતે શાળા દ્વારા વાર્ષિકોત્સવ ઉજવવામાં આવતો હોય છે. ત્યારે પ્રેમાનંદ વિદ્યા મંદિર દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત વાર્ષિકોત્સવનાં સ્થાને જ્ઞાન-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કર્યુ છે. આ પ્રદર્શનમાં ધો.6 થી 12 નાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાન-ગણિતનાં વિવિધ સિદ્ધાંતો પર આધારીત પ્રોજેક્ટો તૈયાર કર્યા છે.

ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગ, પાણી અને વીજળી બચાવો, સ્માર્ટ સિટી, ટ્રાફિક સમસ્યા નિવારણ સહિતની અનેક વર્તમાન સમસ્યાનું સરળ નિરાકરણ શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકોએ 100 થી પણ વધુ પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. ખાસ કરીને પાણી બચાવવા માટેનાં વિવિધ પ્રોજેક્ટો લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. તેમજ વીજળીની ગંભીર કટોકટીને ધ્યાને રાખી હિંચકા ખાવાની સાથે વીજળીનાં વપરાશ વિના કુવામાંથી પાણી ખેંચી શકાય તેવા પ્રોજેક્ટો પણ રજૂ કરાયા હતાં. આ વિજ્ઞાન પ્રદર્શનને 12 જાન્યુઆરીએ અજયભાઇ ગુડકા, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, આઇજી સુભાષ ત્રિવેદી, બી.બી. ચોવટીયા વગેરેએ ઉદ્દઘાટન કરી ખુલ્લુ મુક્યો હતો. કુલ 8 હજાર થી વધુ લોકોએ આ પ્રદર્શનની મુલાકાત લીધી છે. રવિવારે સવારનાં 10:30 થી સાંજનાં 7 સુધી લોકો વિજ્ઞાન પ્રદર્શનને નિહાળી શકશે. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાનાં ડાયરેકટર ડો. માતંગભાઇ પુરોહિત, પ્રતાપ ઓરા વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...