* ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન પર સહેલાણીઓને બોલેરોએ લીધા અડફેટે
* નાગવા બીચ પર અકસ્માતમાં 22 લોકો ઈજાગ્રસ્ત બન્યાં, બેની હાલત ગંભીર
* ચીક્કાર દારૂ પીને ચાલક ચલાવતો હતો બોલેરો
* ચાલક સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધવામાં આવ્યો
* ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
દીવ/ ગુજરાતીઓના માનીતા પ્રવાસન સ્થળ દીવમાં આજે એક બોલેરોચાલકે 22 લોકોને અડફેટે લીધા હતા. દારૂ પીને બેફામ બોલેરો હંકારતા તેણે રસ્તામાં વચ્ચે આવતા 22 લોકોને અડફેટે લીધા હતા. જેમાં 2 સહેલાણીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. અકસ્માતનો સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો હતો.
બોલેરો નાળીયેરી સાથે અથડાઈ ઊભી રહી
કેન્દ્રશાસિત પ્રદેશ દીવના નાગવા બીચ પર ચાલકે ચિક્કાર દારૂ પીને જીજે 10 ટીવી 5430 નંબરની બોલેરો ચલાવતા તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેમાં રોડની બાજુમાં આવેલા નાળીયેરીના ઝાડ સાથે બોલેરો અથડાઈ હતી. પરંતુ આ પહેલા રોડ પર વાહન લઈને જતાં અને રોડ પર ચાલતા લોકોને અડફેટે લઈ લીધા હતા.
અકસ્માતને પગલે દોડધામ
બેફામ દોડતી બોલેરોને પગલે સહેલાણીઓમાં દોડધામ મચી ગઈ હતી. પુરપાટ ઝડપે દોડતી બોલેરોએ માર્ગમાં આવતા સહેલાણીઓને અડફેટે લેતા ચીચીયારીઓ ગુંજી હતી. જેને પગલે માર્ગ આસપાસ રહેલા લોકો સર્તક થઈ ગયા અને બચવા માટે દોડધામ કરી હતી.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
બપોરના સમયે બોલેરો ચાલકે 22 સહેલાણીઓને બોલેરોની અડફેટે લીધા હતા. ઈજાગ્રસ્ત થયેલા લોકોને આસપાસની હોસ્પિટલ અને દીવની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં બેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
બોલેરોચાલક સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધાયો
બેફામ બનીને બોલેરો હંકારનાર ડ્રાઈવર સામે દીવ પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો હતો. દીવ પોલીસ અકસ્માતનો બનાવ બનતા નાગવા બીચ પર ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
માહિતી અને તસવીરો: જયેશ ગોંધીયા, ઉના