સચીન મારી નજરેઃ શરૂઆતથી સંન્યાસ સુધી...બસ બાપલા...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેરી પેકરની ક્રિકેટ ક્રાંતિ હજુ રસ્તામાં હતી. ચીયર ગર્લ્સ આવવાને તો બે દાયકા લાગવાનાં હતાં. ગાવસ્કર યુગનો અંત આવી ગયો હતો. કપિલની ધાર પણ બુઠ્ઠી થવા લાગી હતી. મહમ્મદ અઝહરૂદ્દીન યુગની શરૂઆત હતી. સંજય માંજરેકર, નવજોત સિંહ સિદ્ધુ(ઠોકો તાલી), મનોજ પ્રભાકર અને નરેન્દ્ર હિરવાણી ટીમમાં સ્થાન જમાવવા મથામણ કરી રહ્યાં હતાં. અઝહર પણ નવોસવો સુકાની બન્યો હતો.

આ સમયે મુંબઈમાં દાઉદનો દબદબો હતો, જ્યારે નાલાસોપારા તો ઘણું બહાર હતું.સી- લિંકનું તો કોઈએ સપનું પણ જોયું ન હતું તો મુકેશ અંબાણીનાં એન્તિલિયા બંગલોની વાત જ ક્યાં કરવી. આ દૂરદર્શન યુગ હતો,તેમાં પણ આખા ગામમાં 5-7 ટીવી સેટ હતાં. કોમ્યુનિકેશન ક્રાંતિની હજુ શરુઆત હતી. આ સમયે ક્રિકેટ ક્રેઝીસ માટે રેડિયો કોમેન્ટ્રી કોલ્ડ કોફી પીધા જેટલો આનંદ આપતી. મોટા ભાગનાં શોખીનો મર્ફી કંપનીનાં રેડિયો પર દુકાને બેઠા બેઠા સુરેશ સરૈયાને સાંભળતા. હવે જવા દો આ બધી વાતો,અમને તો આટલી લાંબી પૂર્વ ભૂમિકા વાંચીને બગાસા આવે છે,તો આવવા દો આજે તો બગાસુ ખાતા પતાસુ મળવાનું છે ભાઈ,તો ખાવ બગાસુ અને મેળવો પતાસુ.

વર્ષ 1992-93 ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રીકાનાં પ્રવાસે હતી. આ સમયે પાકિસ્તાન વિશ્વ ચેમ્પિયન બની ગયું હતું. આપણી ટીમનું આમ પણ પ્રદર્શન ખાસ ન હતું. ટીમમાં મોટા ભાગનાં ખેલાડીઓ નવોદિતો હતાં. પ્રવીણ આમ્રે, વુરકેરી રામન, અજય જાડેજા, જવાગલ શ્રીનાથ કુંબલે તો સાવ નવાસવા. આ સમયે ટીમ ઈન્ડિયાનું સુકાન મહમ્મદ અઝહરુદ્દીનનાં હાથમાં હતું. કપિલદેવ, રવિ શાસ્ત્રી અને કિરણ મોરે જેવા અનુભવીઓ સાથે એક વીસીની આસપાસનો ટેણિયો(રમવામાં નહીં દેખાવમાં) હતો. આ ટેણિયો લગભગ 3-4 વર્ષથી ટીમમાં સ્થાન જમાવી બેઠો હતો. તે લગભગ 4-5માં ક્રમે બેટિંગ કરતો.તેનો વન ડેમાં સ્કોર ભૂલતો ન હોવ તો કદાચ 69 રન હતાં.આફ્રીકાનો પ્રવાસ ભારત માટે આઘાત લાગે એટલી હદે ખરાબ રહ્યો. તો સામે એક 12 વર્ષનો ક્રિકેટ પાછળ ખાવાનું પણ છોડનારો કિશોર હતો. તેને મનમાં સતત એક પ્રશ્ન થયા કરતો કે આટલો સરસ બેટ્સમેન(ટેકનિકથી લઈને ટાઈમીંગ સુધી) અને વન ડેમાં હજુ સદીથી પણ વંચિત? તેનો એક મોટો જવાબ ભવિષ્યના ગર્ભમાં છુપાયેલો હતો.

ભારતના પ્રવાસ બાદ આફ્રીકા ભારત આવ્યું અને એક ત્રિકોણીય શ્રેણી યોજાઈ 'હિરો કપ' નામ મુજબ આ ટૂર્નામેન્ટ ખરેખર હિરોકપ જ સાબિત થઈ.ભારત અને આફ્રિકા વચ્ચે સેમિ ફાઈનલ રમાઈ. સામે તે સમયે વિશ્વચેમ્પીયનની દાવેદાર એવી આફ્રીકાની ટીમ હતી. કેપ્લર વેસલ્સના નેતૃત્વ હેઠળની આ ટીમમાં ફેની ડિ'વિલિયર્સથી લઈને ડોનાલ્ડ સુધીની પેસ બેટરી અને એન્ડ્રુ હડસનથી લઈને ડેવ રિચર્ડસન સુધી ફેવિકોલ જેવી મજબૂત બેટીંગ લાઈનઅપ. ડોનાલ્ડના આક્રમણ સામે પ્રથમ દાવ લેવા ઉતરેલી ભારતીય ટીમનો સ્કોર મહમ્મદ અઝહરુદ્દીનના મહત્વપૂર્ણ 93 રન સાથે ભારતનો સ્કોર માંડ માંડ 193ની આસપાસ પહોંચ્યો.

હવે મેચ છેલ્લી ઓવર સુધી. છેલ્લી ઓવરમાં આફ્રીકાને 6 દડામાં કદાચ 6 રન જરૂરી હતાં.અઝહર, અજય જાડેજા, કપિલ દેવ અને પેલા ટેણિયા એટલે કે આપણા સચ્ચુ વચ્ચે ટીમ મીટિંગ યોજાઈ. ઘણાં સમય સુધી છેલ્લી ઓવર નાંખવા અંગે રણનીતિ ઘડાઈ. અઝહરે કપિલને દડો પણ આપી દીધો,પણ આ સમય 1983 નહીં 1993નો હતો. કપિલે સામેથી જ કહી દીધું કે, મારી ઓવરમાં આટલા ઓછા રન તો થઈ જશે. અઝહર પાસે બીજો વિકલ્પ પણ ન હતો. ક્રિકેટમાં સુકાનીની ખરી પરિક્ષા આ પ્રકારની મેચીસમાં થાય. અઝહરે એક વ્યુહાત્મક નિર્ણય કર્યો અને દડો સોંપ્યો સચીનને.તેને બોલિંગનો તો કોઈ ખાસ અનુભવ ન હતો,છતાં હિંમત કરીને છેલ્લી ઓવર નાંખવાની જવાદારી માથે લીધી.સચીન સામે તેનાથી બમણું બોડી ધરાવતો બ્રાયન મેકમિલન અને વિકેટ કીપર બેટ્સમેન ડેવ રિચર્ડસન હતા. ટૂંકુ કદ, ટૂંકી રનિંગ પણ દડા ફુલર લેન્થના નાંખે. ઓવર પુરી કરી, રિચર્ડસન રન આઉટ, મેકમિલન નોટ આઉટ અને આફ્રીકા ટૂર્નામેન્ટમાંથી આઉટ.ભારત આ મેચ 2 રનથી જીતી ગયું.માત્ર સેમિફાઈનલ નહીં કુંબલેની 12 રનમાં છ વિકેટ સાથે ભારત ચેમ્પીયન પણ થયું અને ટીમમાં એક નવો જુસ્સો આવી ગયો. સચીન માત્ર બેટિંગનો જ નહીં બોલિંગનો પણ બાદશાહ હતો. 'હિરોકપ' બાદ તો તે ભારતનો રેગ્યુલર બોલર બની ગયો. જોડી તોડવાથી લઈને કોઈ વધુ ધોકાવાયેલા બોલરના ભાગની ઓવર્સ નાંખવા સુધી તે હુકમનો એક્કો રહ્યો.

વર્ષ 1994 ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગઈ. આ સમયે ભારતીય ટીમ સામે ઓપનીંગ જોડીનો પહાડી પ્રશ્ન હતો.આ સમસ્યાના ઉકેલ માટે ટીમે કપિલ, વુરકેરી રામન અને અજય જાડેજા જેવા ખેલાડીઓને અજમાવવામાં આવ્યા હતાં. નવજોતસિદ્ધુ અને મનોજ પ્રભાકર કામ ચલાવી દેતા પણ તેમાં કોઈ કસ ન હતો. હવે વારો સચીનની અજમાયશનો હતો.મિડલ ઓર્ડરમાંથી પ્રમોશન મેળવી ઓપનીંગ આવેલા સચીને 200ના સ્ટ્રાઈકરેટ સાથે લગભગ 42 દડામાં 84 રનની ધુંઆધાર ઇનિંગ રમી અને કાયમી માટે ઓપનીંગની સમસ્યા હલ.

સચીનની યાદગાર ઈનિંગ્સ ગણવી તે નભમાં તારા ગણવા જેટલું મુશ્કેલ કામ છે. આ ગાળામાં જ ઓસ્ટ્રેલિયા સામે 110 રન ફટકારી પ્રથમ વન ડે સદી પણ નોંધાવી. પ્રથમ વન ડે સદી સાથે 92-93માં 12 વર્ષના પેલા કિશોરના સવાલનો જવાબ મળી ગયો. પહેલી વન ડે સદી બાદ સમય જતાં એકથી 49 સદીની સફર વિશ્વ જીતવા(સચીન પણ ક્રિકેટ વિશ્વ જીતવા જ નીકળો હતો) નીકળેલા સિકંદર જેવી રહી.

વર્ષ 1996 આવતા આવતા સચિન પાસે ઠંડા દિમાગ સાથે અનુભવ પણ આવી ગયો.દેખાવે ઠંડા અને અંતર્મુખી લાગતા સચીનની અંદર એક ધગધગતા અગનગોળા જેવી અને પ્રહાર કરી બોલરને ભસ્મીભૂત કરવાની ઠંડી તાકાત હતી.આ માણસ સ્લેજીંગ નહીં પણ બેટિંગ કરતો.તેની ગુસ્સામાં લાવી ખોટો શોટ રમાડવા ઉશ્કેરી શકે એવો વિશ્વમાં કોઈ ક્રિકેટર પેદા થયો નથી. પાકિસ્તાની અને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની વાંદરાછાપ હરકતો સામે તે માત્ર બત્રીસી બતાવતો.ઘણાં આંખ બતાવે પણ તે દાંત બતાવતો. કદાચ સચીન સામેની ટીમના દાંત ખાટા કરી નાંખવાનો ઈશારો કરતો હોય તેમ બની શકે.

96નો વિશ્વ કપ.સચિને ધુઆંધાર બેટિંગ કરી 500થી વધુ રન ઠપકારી દીધા.અહીંથી જ વિશ્વના સરટોચના બેટ્સમેનને પછાડ્યા. તેની સ્પર્ધામાં માત્ર લારા જ નહીં ઈન્ઝમામ ઉલ હક અને માર્ક વો જેવા ધુરંધર બેટ્સમેનો હતાં. સમગ્ર વિશ્વકપમાં સૌથી વધુ રન સચિનના નામે,પણ કમનસીબે ભારત સેમિ ફાઈનલમાં પરાસ્ત થઈ બહાર થઈ ગયું.કદાચ અહીંથી જ ભારતીય ટીમને વિશ્વ ચેમ્પીયન બનાવવાનો પાક્કો નિર્ધાર કર્યો હશે.જે સમય જતાં તેમણે પુરો પણ કર્યો.

આ વર્ષે જ અઝહરની ટીમમાંથી હકાલપટ્ટી થઈ અને સચીનને ખભે બેટિંગની સાથે સુકાનીની જવાબદારી આવી પડી. ટાઈટન કપમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું અને ટીમને ચેમ્પીયન પણ બનાવી, પણ અહીં એક બીજી મુશ્કેલી સર્જાઈ. એક તો આખી ટીમનો મદ્દાર તેના પર હતો જ અધૂરામાં પુરી સુકાની પદની જવાબદારી. આ જવાબદારીની અસર તેના બેટિંગ પર વર્તાઈ આવી અને થોડાં સમયમાં આ જવાબદારી છોડી ફરીવાર બેટિંગ પર ધ્યાન કેન્દ્રીત કર્યું. એક રીતે જોઈએ તો તે નિષ્ફળ સુકાની સાબિત થયો.આ કદાચ તેની નબળાઈ ગણી શકાય.

હવે સવાલ એ ઉઠેકે તે મહાન ખેલાડી કઈ રીતે બન્યો.જોકે તેના પુરાવા આપવાની જરૂર નથી, તો પણ તેની મહાનતા સામે સવાલો ઉઠાવતા અને તેની ટીકામાંથી ઉંચા ન આવતા તેમજ ઘણાં સચિન પ્રેમીઓ માટે આ વાત નોંધવા જેવી ખરી. હવે વિચારો સચિન ક્યા ગાળામાં ક્રિકેટ રમ્યો,1989 થી 2013ને આ 24 વર્ષ દરમિયાન તેણે વિશ્વના મહાનત્તમ બોલર્સની ધોલાઈ કરી. ઘણાને શેનવોર્ન જ યાદ રહે છે, આ પ્રકારના મહાન બોલર્સની યાદી ઘણી લાંબી છે.

સચિને શેનવોર્ન, મેકગ્રાથ, વસીમ અક્રમ, વકાર યુનુસ, સકલૈન મુશ્તાક, મુશ્તાક અહમદ, મુથૈયા મુરલીધરન, એલન ડોનાલ્ડ, ફેની ડીવિલયર્સ, ડેનિયલ વેટ્ટોરી, કર્ટલી એમ્બ્રોસ અને કર્ટની વોલ્શ આ યાદી હજુ ક્યાંય લંબાઈ શકે. પણ આ એવા બોલર્સના નામ છે જે સચિનને મહાન બનાવવા માટે કાફી છે. બીજા પાંચીયા-પાવલા છાપને આપણે શું સચિન પણ ગણતો નહીં.

સચિને વન ડે અને ટેસ્ટ ક્રિકેટમાં આ તમામને ફટકાર્યા છે.તો શું સચિનની કોઈ નબળાઈ ન હતી?. માણસ માત્રની નબળાઈ હોય તેમ તેની પણ હતી. આ યાદીમાં પહેલું નામ હેન્સી ક્રોનિયેનું લઈ શકાય. ખબર નહીં વિશ્વના ખુંખાર બોલર્સને ઝુડનારો સચિન ક્રોનિયે સામે નર્વસ થઈ જતો. ક્રોનિયેએ તેને અનેકવાર સસ્તામાં આઉટ કર્યો છે. ક્રોનિયેનો રોકાઈને આવતો, જેને સમજવામાં સચિન થાપ ખાઈ જતો. એક તેની આ નબળાઈ ક્યારેય દૂર થઈ નહીં.

સચિનને સૌથી વધુવાર આઉટ ક્યા બોલરે કર્યો? કહી દો તો સાચા ક્રિકેટ પ્રેમી. તેને સૌથી વધુવાર પેવેલિયન ભેગો કરનાર કોઈ ક્રિકેટર ન હતો.તો પછી કોણ અરે કોઈ નહીં, તેની છેલ્લી ટેસ્ટની આગલી ટેસ્ટમાં જ આ ખેલાડીએ તેને આઉટ કર્યો હતો.અરે, કોઈ નહીં આંધળા અમ્પાયર્સ બીજું કોણ ભાઈ. ખોટા નિર્ણય તો કોઈપણથી લેવાઈ પણ સચિન જ તેનો બકરો બને તેમાં સાલી શંકા લાગે,ખેર જવા દો આ વાતોનો હવે કોઈ અર્થ નથી.