• Gujarati News
  • હળવદ માર્કેટયાર્ડમાં નવા કપાસની આવકનો પ્રારંભ

હળવદ માર્કેટયાર્ડમાં નવા કપાસની આવકનો પ્રારંભ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ચરાડવા
સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે વરસાદ ઓછો પડતા કપાસના ઉત્પાદનમાં ફટકો પડે તેમ છે. ત્યારે હળવદ તાલુકામાં બીટી કપાસનું આગોતરૂ વાવેતર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આ આગોતરા કપાસની હળવદ માર્કેટિંગ યાર્ડમાં નવી આવક શરૂ થઇ છે. હળવદ યાર્ડમાં દરરોજ ૨૦થી ૨૨ હજાર મણની આવક થઇ રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કપાસનું થાય છે. આ વર્ષે વરસાદ ખુબ ઓછો પડતા કપાસના વાવેતરમાં ઘટાડો થયો છે. આમ જિલ્લામાં હજારો એકર જમીનો પર બીટી કપાસનું વાવેતર થયુ છે. જેમાં હળવદ તાલુકાના ચરાડવા, દેવળીયા, માનસર, માથક, ચૂંપણી, ખેતરડી, ટીકર, માલણીયાદ, કોયબા, ધનાળા, કેદારીયા સહિતના ગામોમાં બીટી કપાસનું વાવેતર હતું. હળવદ તાલુકાના અનેક ગામોમાં બીટી કપાસનું આગોતરૂ વાવેતર કરવામાં આવ્યું છે. હાલ આગોતરો કપાસના ઝીંડવા ફાટી જતાં પાકને લણવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. બીજી તરફ આ આગોતરા કપાસનું વેચાણ કરવા માટે ખેડૂતો હળવદ યાર્ડમાં આવી રહ્યાં છે. આથી હળવદ માર્કેટ યાર્ડમાં કપાસની આવક શરૂ થઇ છે. જેમાં ખેડૂતોને હાલ એક મણના ૬૦૦ થી ૮૦૦ રૂપિયા મળે છે. આથી ખેડૂતોને પૂરતો ભાવ મળતો નથી જેને કારણે ખુબ જ ઓછા ભાવથી વેપારીઓ ખરીદી કરે છે. આથી ભાવ વધારો મળે તેવી ખેડૂતોની લાગણી અને માંગણી છે. આ અંગે યાર્ડના સેક્રેટરી વિપુલભાઈ એરવાડીયાએ જણાવ્યું કે, હાલમાં ગામડાઓમાંથી બીટી કપાસની આવક ચાલુ થઇ ગઇ છે. હળવદ યાર્ડમાં દરરોજની ૨૦ થી ૨૨ હજાર મણની કપાસની આવક આવે છે. ખેડૂતો પાસેથી એક મણનાં રૂપિયા ૬૦૦ થી ૮૫૦ ના ભાવે વેપારીઓ માલ ખરીદ કરે છે.