• Gujarati News
  • ઈલોલમાં કમળો અને ટાઇફોઇડના વાવડ

ઈલોલમાં કમળો અને ટાઇફોઇડના વાવડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિઁમતનગર તાલુકાના ઇલોલ ગામેથી તાજેતરમાં કમળા અને ટાઇફોઇડના કેસ મળી આવતા આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલા રૂપે ગામમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ઇલોલ ગ્રામપંચાયતમાં ફરજ બજાવતા રામસિંહ ઉદેસિંહ ઝાલા છેલ્લા થોડાક દિવસોથી બીમારીમાં સપડાયા હતા. જેથી તેમણે સ્થાનિક ડોકટર પાસે સારવાર લીધી હતી. પરંતુ તબિયતમાં કોઇ સુધારો ન થતા હિઁમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જેમાં તપાસ દરમિયાન રામસિંહ ઝાલાને ઝેરી કમળો થયો હોવાનું લોહીના નમૂનાની તપાસ કરતા બહાર આવ્યુ હતું.
બીજી તરફ પ્રાથમિક શાળા નંબર ૨માં અભ્યાસ કરતા પૃથ્વીસિંહ રાઠોડ નામનો ૧૪ વર્ષનો કિશોર છેલ્લા કેટલાક દિવસથી શરદી, ખાંસી અને તાવમાં સપડાયો હતો. દરમિયાન તેને સતત ઉલટી થતા સારવાર માટે ખાનગી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન પૃથ્વીસિંહ રાઠોડ ટાઇફોઇડમાં સપડાયો હોવાનું જણાયુ હતું. ઉપરાંત ઇલોલના તલાવ વિભાગમાં રહેતા મહેન્દ્રકુમાર પ્રજાપતિ, ચુનીલાલ તથા રાજેન્દ્રસિંહ મકવાણા પણ છેલ્લા કેટલાક દિવસથી બીમારીમાં સપડાયા છે. જેથી તેમણે પણ ખાનગી તબિબની સારવાર લીધી છે. આ અંગે ઇલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગામમાં સર્વે હાથ ધરી કેટલાક દર્દીઓના લોહીના નમુના લઇ તેને પૃથ્થકરણ માટે મોકલી અપાયા છે એમ ડૉ.રચનબેન પંડ્યાએ જણાવ્યુ હતું.