• Gujarati News
  • કૌભાંડોનો પદૉફાશ રોકવા ફરી પ્રિઓડિટ સિસ્ટમ શરૂ

કૌભાંડોનો પદૉફાશ રોકવા ફરી પ્રિઓડિટ સિસ્ટમ શરૂ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ્યુનિ.માં કરોડો રૂપિયાના કૌભાંડોનો ઓડિટ ખાતાના રિપોર્ટમાં પદૉફાશ થયા બાદ હાંફળાફાંફળા બનેલા શાસક ભાજપે પોતાની આબરૂના ધજાગરા થતાં રોકવા માટે પ્રિઓડિટ સિસ્ટમ ફરી લાગુ કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ તેના માટે જરૂરી સ્ટાફની ભરતી કરવાને બદલે ખાનગી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંપનીને આઉટસોર્સથી કામ સોંપી દેવાતાં મ્યુનિ.કર્મચારીઓમાં ભારે નારાજગી ફેલાવા પામી છે.
મ્યુનિ.માં વર્ષો અગાઉ પ્રિઓડિટ સિસ્ટમ કાર્યરત હતી અને નાણાંખાતા દ્વારા જ આ કામગીરી કરવામાં આવતી હતી, પરંતુ સને ૨૦૦૦માં તત્કાલીન મ્યુનિ.કમિશનર પનીરવેલે રાજકીય દબાણ હેઠળ પ્રિઓડિટ પ્રથા જ બંધ કરાવી દીધી હતી. જેના કારણે કોન્ટ્રાકટરો અને વેપારીઓને ખોટા બિલો ચૂકવવા, વધારાની રકમ ચૂકવી દેવા જેવાં કૌભાંડો શરૂ થઇ ગયાં હતાં.
પ્રિઓડિટ માટે અશોક છાજેડ એન્ડ કંપનીને આઉટસોર્સથી કામ પધરાવી દેવાયું છે અને ત્રણ મહિના માટે કામ અપાયા બાદ ટેન્ડર બહાર પાડી કામ આપવાની વાતો કરવામાં આવી છે. આ અગાઉ ભાજપ શાસિત વી.એસ. બોર્ડમાં પણ એકાઉન્ટ વિભાગ તથા પ્રિઓડિટની કામગીરી ખાનગી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંપનીને પધરાવી દેવાઇ છે.