• Gujarati News
  • સલુન કારીગરોને રક્ષણ આપવા રેલી કાઢી આવેદનપત્ર અપાયું

સલુન કારીગરોને રક્ષણ આપવા રેલી કાઢી આવેદનપત્ર અપાયું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ હિઁમતનગર
હિઁમતનગર શહેરના મોતીપુરા વિસ્તારમાં વાળંદ પર ગત શુક્રવારે એક ગ્રાહક દ્વારા અસ્ત્રા વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડવાની ઘટનાના શહેરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.મંગળવારે હિઁમતનગર નાયી એસોસિયેશનના સભ્યોએ ઘટનાના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર આપી સલુનોમાં કામ કરતા કારીગરોને રક્ષણ આપવા માગણી કરી હતી.
હિઁમતનગરમાં હેર આર્ટમાં કામ કરતા નાયી નરેશભાઇ ડાહ્યાભાઇ પર ગત શુક્રવારે બચુભાઇ જીવણભાઇ ભરવાડ નામના શખ્સએ દાઢી કેમ સારી બનાવી નથી તેમ કહી ગળાના ભાગે અસ્ત્રો ઝીંકી દેતા ગંભીર રીતે ઘવાયા હતા. જેથી દુકાન માલિકે તાત્કાલિક નરેશભાઇને સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ગળાના ભાગે ૧૭ ટાંકા આવ્યા હતા. જે ઘટનાના શહેરના નાયી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.
દરમિયાન નાયી એસો.ના સભ્યોએ ઘટનાના વિરોધમાં એક આવેદનપત્ર મંગળવારે જિલ્લા કલેકટર કચેરીએ જઇ આપ્યુ હતું. અગ્રણી વી.કુમારે જણાવ્યુ હતું કે ભૂતકાળમાં પણ આવા ઓજારો દ્વારા અવારનવાર ઘા કરવાના બનાવો બનેલા છે. ત્યારે કારીગરોને રક્ષણ મળે તેવી અમારી માગણી છે.