• Gujarati News
  • રેલવે ફાટક મુદ્દે ટ્રેન રોકો આંદોલન

રેલવે ફાટક મુદ્દે ટ્રેન રોકો આંદોલન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાલનપુર
જિલ્લાના રેલવેના પ્રશ્નોમાં કેન્દ્ર સરકાર અને રેલવે તંત્રએ ઉદાસીનતા સેવતા જિલ્લા ભાજપ દ્વારા રવિવારે આંદોલન છેડાયું હતું. જેમાં ભાજપના યુવા મોરચાએ કરજોડા નજીક જમ્મુ-તાવી ટ્રેનને રોકતા રેલવે પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. જ્યારે રેલવેના ઉચ્ચ અધિકારીઓએ રેલવે ફાટકો અંગે લેવાયેલા નિર્ણયની લેખિત જાણ કરતાં જિલ્લા ભાજપ દ્વારા સત્યાગ્રહ આંદોલન સમેટી લેવાયું હતું.
રેલવે વિભાગ પાસે બનાસકાંઠા જિલ્લાની રેલવે ફાટકો અંગેના પ્રશ્નોની અગાઉ રજુઆત કરાઇ હતી. જેમાં માનસરોવર , લક્ષ્મીપુરા અને આરટીઓ કચેરી નજીકની અંબાજી રોડની ફાટક ઉપર ઓવરબ્રીજ બનાવવાની માંગણીઓ મુખ્ય હતી. છતાં રેલવે તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી હાથ ધરાઇ ન હતી. આ ધરણાંના કાર્યક્રમમાં ભાજપના પૂર્વ સાંસદ હરિભાઇ ચૌધરી, કિસાન મોરચાના ગિરીશભાઇ જગાણીયા, પાલિકા પ્રમુખ હષૉબેન મહેશ્ર્વરીએ સંબોધન કર્યું હતું.

યુવા મોરચાએ ટ્રેન રોકતા પોલીસની દોડધામ
એક બાજુ સત્યાગ્રહ ચાલી રહ્યો હતો. જ્યારે બીજી બાજુ ભાજપ યુવા મોરચાના હરેશ ચૌધરી, દશરથ સોલંકી અને સાગર જાની સહિત ર૦થી વધુ કાર્યકરો ખેતરમાં સંતાયા હતા. ત્યારે બપોરે ૧૨ વાગે જમ્મુ-તાવી ટ્રેન આવતા કરજોડા પાસે ૧૫ મિનીટ રોકીને અને સૂત્રોચ્ચાર પોકાયૉ હતા. ટ્રેન રોકવાની ઘટનાના પગલે રેલવે પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. જોકે ત્યારબાદ પોલીસ સુરક્ષા વચ્ચે ટ્રેન પાલનપુર સ્ટેશન લવાઇ હતી.
રેલવેના અધિકારીઓએ લેખિત ખાત્રી આપી
ભાજપના સત્યાગ્રહના પગલે અમદાવાદથી આવેલા રેલવેના અધિકારીઓ સાથે પાલનપુર રેલવે સ્ટેશનના સુપ્રિન્ટેન્ડેન્ટ એસ.કે.સિંહે ભાજપના પ્રમુખ ડો. કે.એસ.મોગરાને લેખિતમાં ખાત્રી આપી હતી. જેમાં માનસરોવર, લક્ષ્મીપુરા અને આરટીઓ કચેરી નજીકની અંબાજી રોડની રેલવે ફાટક ઉપર ઓવર બ્રીજ માટે રૂ.૩૬ કરોડ ર૬ લાખ મંજુર કરાયા છે. જેનું કામ આગામી એપ્રિલથી ઓગસ્ટ માસ દરમિયાન શરૂ કરાશે તેમ જણાવ્યું હતું.જેના પગલે ધરણાંનો કાર્યક્રમ સમેટી લેવાયો હતો.
દરરોજ ૧૦૦થી વધુ ટ્રેનની અવર-જવર
માનસરોવર ફાટક દિવસ દરમિયાન ૧૦૦ થી વધુ વખત બંધ થાય છે. કારણકે ૬૦થી વધુ પેસેન્જર અને ૪૦થી વધુ માલગાડીની અવર-જવર થતી હોવાથી દિવસ દરમિયાન આ ફાટક બંધ થતાં અંદાજે ત્રણ કલાકનો સમય બદબાદ થતો હતો. તેમ ભાજપના જિલ્લા પ્રમુખ ડો.મોગરાએ જણાવ્યું હતું કે ‘ઓવરબ્રીજ બનતા આ સમસ્યાનો હવે અંત આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.