• Gujarati News
  • મેઘરાજા મધરાતે મહેમાન બન્યાં દોઢ ઈંચ વરસાદ ખાબકયો

મેઘરાજા મધરાતે મહેમાન બન્યાં દોઢ ઈંચ વરસાદ ખાબકયો

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. આણંદ
આણંદ શહેરમાં સોમવારની મધરાતે અચાનક આવી ચડેલા વાદળો વરસવાનાં શરૂ થઈ ગયાં હતાં અને ત્રણેક કલાક સુધી વરસાદે ધમાકેદાર પાણી વરસાવ્યું હતું. જોકે, જિલ્લાનાં ઉમરેઠ, આંકલાવ, બોરસદ અને સોજિત્રામાં પણ વરસાદ નોંધાયો હતો. જ્યારે ખંભાત, તારાપુર અને પેટલાદમાં મેઘરાજાના રિસામણાં યથાવત રહ્યાં હતાં.
આણંદ જિલ્લા ફ્લડ કંટ્રોલના જણાવ્યાનુસાર ‘મંગળવાર સવારે સાત કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન આણંદ શહેરમાં ૩૬ મિમી, ઉમરેઠમાં ૧૭, આંકલાવમાં ૦૯, બોરસદમાં ૨૦ અને સોજિત્રા તાલુકામાં ૨૦ મિમી મળી કુલ ૧૦૨ મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે પેટલાદ, ખંભાત અને તારાપુર તાલુકો કોરાધાકોર રહ્યાં હતાં.’
આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યાનુસાર ‘આગામી પાંચ દિવસોમાં આકાશ વાદળછાયું રહેશે. આ ગાળામાં ૧૦થી ૧૭ મિમી વરસાદ પડી શકે છે. આ ઉપરાંત તાપમાન પણ ૩૩ ડિગ્રી સુધી પહોંચશે. આ ઉપરાંત ખેડૂતોને વાવણી અને ખાતર નાખવાની ભલામણ કરવામાં આવી હતી.’
આણંદ શહેરમાં સોમવાર રાત્રે પડેલા ધમાકેદાર વરસાદનાં પગલે શહેરીજનોની સ્થિતિ વહેલી સવારે કફોડી બની ગઈ હતી. ખાસ કરીને વિધ્યાનગર રોડ પર ગોઠણસમા પાણીનાં કારણે વાહનચાલકોને પસાર થવામાં ભારે અગવડતા પડી હતી. જ્યારે કેટલાક વેપારીઓએ દુકાનો જ ખોલવાનું માંડી વાળ્યું હતું.
જિલ્લાનો કુલ વરસાદ
તાલુકો વરસાદ (મિમી)
આણંદ ૧૬૩
ઉમરેઠ ૧૦૭
આંકલાવ ૨૮૦
બોરસદ ૨૯૨
પેટલાદ ૯૧
સોજિત્રા ૧૯૫
ખંભાત ૨૫૫
તારાપુર ૧૩૦