ખાંડની આયાત પર ૧૦ ટકાની ડ્યુટી લદાશે
કેન્દ્ર સરકારે ખાંડના વધુ ઉત્પાદનને ધ્યાનમાં રાખીને તેની આયાત પર ૧૦ ટકાની ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે. ખાંડ પરની ઝીરો ડ્યુટીની મુદત ૩૦મી જુને પૂર્ણ થઈ ગઈ હતી જેના પગલે ખાધ્યમંત્રાલયે ૧૦ ટકાની ઇમ્પોર્ટ ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે. વ્યાપારીઓ ખાંડની અછતના સમયે સરળતાથી તેની આયાત કરી શકે તેના માટે ખાંડ પરની ડ્યુટી ૧૦ ટકા જ રાખવામાં આવી છે. નવી લાદવામાં આવેલી ડ્યુટીથી દેશમાં ખાંડના ભાવ પર કોઈ અસર નહીં થાય કેમ કે ચાલુ વર્ષે ખાંડનું સારું ઉત્પાદન નોંધાયું છે. સરકાર દ્વારા હાલમાં બહાર પાડવામાં આવેલા આંકડાઓ અનુસાર ૨૦૧૧-૧૨ દરમિયાન ખાંડનું કુલ ઉત્પાદન ૨૬૦ લાખ ટન રહેવાની સંભાવના છે.