• Gujarati News
  • Microsoft To Stop Support For Windows XP On April 8, 2014

એપ્રિલ,2014થી માઇક્રોસોફ્ટ નહીં આપે Windows XP માટે સપોર્ટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માઇક્રોસોફ્ટની સૌથી લોકપ્રિય ડેસ્કટોપ કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમમાંની એક Windows XPને એપ્રિલ 2014 પછી કંપની તરફથી મળતો સપોર્ટ બંધ થઇ જશે. કંપનીએ જણાવ્યુ છે કે આ સપોર્ટ 8 એપ્રિલ 2014નાં રોજથી મળતો બંધ થઇ જશે. આનો મતલબ એ થયો કે કંપની Windows XP માટે કોઇ ટેક્નિકલ મદદ પૂરી નહીં પાડે અને પીસીને બચાવવા માટે કોઇ ઓટોમેટિક અપડેટ્સ નહીં મળે.

Win XP એક દાયકા જૂનું ઓએસ સોફ્ટવેર છે, જે તેનાં સરળ યુઝર ઇન્ટરફેસ, મલ્ટીપલ વિન્ડોઝ હેન્ડલિંગ ફીચર અને યુટીલિટી એપ્લિકેશન્સને કારણે ઘણું લોકપ્રિય થયું છે. કંપનીએ હવે સિક્યોરિટી રિસ્ક અને વાયરસને કારણે આવતા અવરોધોને ટાળવા માટે યુઝર્સને Windows 8.1 પર અપગ્રેડ કરવાની વિનંતી કરી છે.

ભારતની વાત કરીએ તો Ascentius Consulting દ્વારા કરાયેલા એક સર્વે પ્રમાણે બેંકિંગ અને પીએસયુ સેક્ટરમાં હજું પણ 40-70 ટકા (34115 ભારતીય PSU બેન્ક બ્રાન્ચ) કોમ્પ્યુટરોમાં Windows XP ચાલે છે. “Strategic Impact of End of Support of Windows XP on Banks in India” નામનાં આ સર્વે રિપોર્ટમાં જણાવાયું છે કે કોઇ મોટી ઘટનાનાં નિવારણમાં અને સિસ્ટમને અપગ્રેડ કરવામાં તેમજ તે સામાન્ય રીતે કામ કરે ત્યાં સુધીનાં ફક્ત ત્રણ દિવસમાં જ બેન્કોને 300 કરોડ રૂપિયાનું નુકસાન થઇ શકે છે.

દેશનાં એક અગ્રણી અખબારનાં એક અહેવાલ પ્રમાણે માઇક્રોસોફ્ટનાં એક સૂત્રનાં જણાવ્યા અનુસાર, બેન્કોનાં 52 ટકા કોમ્પ્યુટરો, સરકારી ઓફિસોનાં 30 ટકા, મેન્યુફેકચરિંગ કંપનીઓનાં 26 ટકા અને સોફ્ટવેર કંપનીઓનાં 26 ટકા કોમ્પ્યુટરો હજું આ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. માઇક્રોસોફ્ટનો નિર્ણય બીજા કોઇ પણ યુઝર્સ કરતા આ સંસ્થાઓને વધુ અસર કરશે.


માઇક્રોસોફ્ટ કોર્પોરેશન (ઇન્ડિયા)નાં વિન્ડોઝ બિઝનેસ ગ્રુપનાં જનરલ મેનેજર અમરીશ ગોયલે જણાવ્યું હતું કે હવે જ્યારે 100 દિવસો બાકી છે, ત્યારે સલામતી સામેનું જોખમ વધુ ખરાબ બની રહ્યું છે (સપોર્ટ વિનાનાં ઓપરેટિંગ સિસ્ટમ યુઝર્સ માટે).