સુપરસ્ટાર નામની ટેક્સીનું મીટર બંધ થતું નથી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પટકથાની કરોડરજ્જુ એ ત્રણેય વૃદ્ધો જ હતા તથા તેમની દોસ્તી જ ફિલ્મની સફળતાની ચાવી હતી

દાયકાઓ પહેલાં બાસુ ચેટર્જીએ 'શૌકીન’ નામની ફિલ્મ બનાવી હતી, જેમાં ત્રણ વૃદ્ધો જીવનની સંધ્યામાં ફરી એક વખત સવારના અનુભવમાંથી પસાર થવાના ઈરાદા સાથે 'ગોવા’ આવે છે. અહીં તેઓ આજ સુધી મજબૂત હોવાની વાત એકબીજાને એવી રીતે સંભળાવે છે કે કોઈ વિશ્વાસ મૂકતું નથી. આ એક પ્રકારે ખુદને દિલાસો આપવાની વાત છે કે ખેલ હજુ ચાલુ જ છે. તેઓ જે યુવતી અંગે વાર્તાઓ ઘડી રહ્યાં છે એ તેમના યુવાન ડ્રાઈવરને પ્રેમ કરતી હોય છે. ફિલ્મમાં ડ્રાઈવરની ભૂમિકા મિથુન ચક્રવર્તીએ ભજવી હતી, પરંતુ પટકથાની કરોડરજ્જુ એ ત્રણેય વૃદ્ધો જ હતા તથા તેમની દોસ્તી જ ફિલ્મની સફળતાની ચાવી હતી.

આ ફિલ્મને હિ‌ન્દી સાહિ‌ત્યના મહાન ગુલશેર શાનીએ લખી હતી. બધી જ તાજગી તેમના દ્વારા રચવામાં આવેલી હતી. હવે 'શૌકીન’ની નવી આવૃત્તિમાં મિથુનવાળી ભૂમિકા અક્ષય ભજવી રહ્યો છે અને ફિલ્મનો પ્રચાર પણ તેના નામે જ કરવામાં આવી રહ્યો છે. આથી મૂળ વૃદ્ધોવાળો ફોકસ બદલી નખાયો છે. તમે સુપરસ્ટારને જ્યારે સાઈન કરો છો ત્યારે ટોપી પણ તેના સાઈઝની જ બનાવવી પડે છે અને તેને સિનેમાવાળા 'વ્યવહારિક્તા’ કહે છે. બધા જ સમાધાન 'વ્યવહારિક્તા’ના નામ પર જ કરવામાં આવે છે. હકીકતમાં 'વ્યવહારિક્તા’ એવી ટોપી છે, જેને પક્ષપલટુઓ પહેરે છે.

'શૌકીન’ની નવી આવૃત્તિની વાત રૂમી જાફરીએ શરૂ કરીક હતી, પરંતુ નિર્માતા સાથે મતભેદને કારણે હવે ફિલ્મને અભિષેક શર્મા બનાવી રહ્યા છે, જેમણે 'તેરે બિન લાદેન’ નામની કલ્ટ ફિલ્મ બનાવી હતી અને તેનો બીજો ભાગ પણ બનાવી ચૂક્યા છે. દુખની વાત એ છે કે નવી આવૃત્તિમાં ગુલશેર શાનીનો ઉલ્લેખ પણ નથી, જ્યારે સામાન્ય સમજ એ છે કે મૂળ આવૃત્તિના લેખકને યાદ કરવા જોઈએ. મૂળ આવૃત્તિમાં વૃદ્ધોની ભૂમિકા ઉત્પલ દત્ત, અશોક કુમાર અને એ.કે. હંગલે ભજવી હતી અને હવે અનુપમ ખેર, બોમન ઇરાની ભજવી રહ્યા છે. પરેશ રાવલ મોદી બાયોપિકને કારણે ફિલ્મ છોડી ચૂક્યા છે.

આ ફિલ્મમાં ત્રણ વૃદ્ધો ખુદને શક્તિશાળી સાબિત કરવા માટે ખોટું બોલે છે અને આવું જ જૂઠ ત્રણ યુવાન પાત્રો સાંઈ પરાંજપેની 'ચશ્મે બદુર’માં બોલે છે અને મહિ‌લા પાત્રની આજુબાજુ રચાયેલા જૂઠ પર જ સમગ્ર ડ્રામા આધારિત છે. જોકે સમાજનું માળખું કંઈક એવા પ્રકારનું છે કે આવા જૂઠ મહિ‌લાને બદનામ કરી દેતાં હોય છે. એટલે કે પુરુષ માટે જે વાત અનુભવ કે પરાક્રમ છે તેને સ્ત્રી માટે શરમ બનાવી દેવાઈ છે. નવી આવૃત્તિમાં નરગિસ ફખરી કામ કરવાની હતી, પરંતુ હવે તેને હોલિવૂડની એક ફિલ્મ મળી ગઈ છે, આથી તેણે 'શૌકીન’ છોડી દીધી છે અને હવે યામી ગૌતમ સાથે વાતચીત ચાલી રહી છે. યામી ગૌતમના 'વિકી ડોનર’માં ખૂબ વખાણ થયા હતા.

નિર્માતાને અક્ષયકુમાર પાસેથી તારીખો મળી ગઈ છે અને આ સમયનો ઉપયોગ કરવો જરૂરી છે, કેમ કે અક્ષયકુમાર પાસે તારીખો માટે લાંબી રાહ જોવી પડે છે. ફિલ્મઉદ્યોગ એવી રીતે ચાલે છે કે સફળ સુપરસ્ટારની ઈચ્છા અનુસાર તમામ કામ કરવા પડે છે. આ પ્રકારની કાર્યશૈલીમાં ગુણવત્તાની આશા કેવી રીતે રાખી શકાય. સુપરસ્ટાર એક ટેક્સી છે, તેમાં બેસીને તમે નક્કી કરો કે ક્યાં જવું છે કે કોઈ અન્ય વિચાર કરો તો પણ તેનું મીટર તો ચાલતું રહે છે અને તમારે દરેક ક્ષણના પૈસા આપવાના હોય છે. રાજકપૂરે શશી કપૂરને તેમના ટોચના દિવસોમાં ટેક્સી જણાવ્યા હતા. એ સમયે માત્ર શશી કપૂર જ ટેક્સી હતા, હવે તો બધા જ સુપરસ્ટાર ટેક્સી છે. કેટલાક લોકો તો કોન્ટ્રાક્ટમાં જ લખી દે છે કે ફિલ્મના શૂટિંગ માટે આટલા દિવસ, ડબિંગ માટે આટલા દિવસ અને પ્રદર્શન પહેલાં પ્રચાર માટેની સમયમર્યાદા નક્કી થઈ જાય છે. વધારાનો સમય માગવો હોય તો વધારાના નાણાં પણ ચૂકવવા પડે છે. હવે ક્રિએટિવ કામ સમયપત્રક પ્રમાણે ચાલતું નથી.

જયપ્રકાશ ચોકસે