મુંબઈઃ 3 સપ્ટેમ્બર રાતના 9 કલાકેથી ફરી એકવાર ભારતનો સૌથી મોટો ટીવી ક્વિઝ ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ શરૂ થઈ ચૂક્યો છે. આ એક એવો શો છે જેનો લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યાં હતા અને આવુ દરેક સીઝન પહેલા જોવા મળતું રહે છે. આ શો દરમિયાન ગેમ-શોમાં હોટ સીટ પર બેસી લાખો-કરોડો રૂપિયા જીતવાની સાથે લોકો પોતાના જીવનની રસપ્રદ ઘટનાઓ અને સંઘર્ષની કહાણી જણાવતા હોય છે. 10મી સીઝનની પ્રથમ સ્પર્ધક હરિયાણાની સોનિયા યાદવ હતી, જે આર્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તે શોમાંથી 12.50 લાખ રૂપિયા જીતવામાં સફળ રહી હતી. તેણે શો દરમિયાન વાતચીતમાં સોનિયાને પોતાની લવ સ્ટોરી અને લગ્ન સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સા સંભળાવ્યા હતા.
તમામ જાનૈયાઓ મળીને પણ ન પૂર્ણ કરી શક્યા દૂધ
- અમિતાભ બચ્ચને સોનિયાને પ્રશ્ન કર્યો હતો કે,"અમે સાંભળ્યું છે કે તમારા પતિ બંગાળી છે અને તમે હરિયાણવી. તો ઘરમાં સંપૂર્ણ વ્યવસ્થા સાવ અલગ જ રહેતી હશે?"
- આ સાંભળી સોનિયા હસે છે અને જણાવે છે કે,"સર..હવે રિટાયર્ડ થયા બાદ કિચન મારું ડિપાર્ટમેન્ટ છે. એવામાં પતિદેવને નોનવેજ ખાવાનું ભાગ્યે જ મળે છે, જે તેમને ઘણું ગમે છે. જ્યારે હરિયાણાવાળાઓને દૂધ ગમે છે, જેમાં તેમને વિચિત્ર સુગંધ આવે છે."
- આ સાથે સોનિયાએ લગ્નનો રસપ્રદ કિસ્સો જણાવતા કહ્યું હતું કે,"અમારા હરિયાણામાં જ્યારે જાન આવે છે ત્યારે સ્વાગતમાં દુલ્હાને એક ગ્લાસ દૂધ પીવડાવવામાં આવે છે. મારે ત્યાં જાન આવી ત્યારે પણ આ રીવાજ થયો, પરંતુ સંપૂર્ણ જાનૈયાઓ મળીને પણ અડધો ગ્લાસ દૂધ પૂર્ણ કરી શક્યા નહોતા. બધા એકબીજાને દૂધનો ગ્લાસ આપતા રહ્યાં કે કોઈ તો તે પી જાય."
સોનિયાની વાતથી પ્રભાવિત થયા અમિતાભ બચ્ચન
- સોનિયાએ જણાવ્યું કે, "ભલે અમારી પરંપરાઓ તદ્દન વિપરીત હોય પરંતુ અમે એકબીજાનું માન જાળવતા રહીએ છીએ."
- "બંગાળી લોકોમાં માછલીના દુલ્હા-દુલ્હન બનાવી યુવતીને આપવાની પરંપરા છે. જ્યારે હરિયાણામાં નોનવેજની વાત લગ્નના દિવસે કરવામાં આવે તો હંગામો થઈ જાય છે. આ વાતનું તે લોકોએ ધ્યાન રાખ્યું અને દૂધના માવાની માછલી બનાવી લાવ્યા હતા."
- સોનિયાની વાત સાંભળી પ્રભાવિત થયેલા અમિતાભ બચ્ચન ઘણા ખુશ થયા અને તેમની મુલાકાત ક્યાં થઈ તેવો પ્રશ્ન કર્યો હતો. સોનિયાએ જણાવ્યું કે, બરેલી એરપોર્ટ પર પોસ્ટિંગ સમયે અમે મળ્યા હતા. જે પછીથી એકબીજા સાથે છીએ.
- સોનિયાએ જણાવ્યું કે, તેમની એક દીકરી પણ છે. હરિયાણાની હોવા છતાં તેના માતા-પિતાએ દીકરીઓ સાથે ભેદભાવ કર્યો નહોતો. સોનિયા ઈન્ડિયન એરફોર્સમાં એરોનૉટિકલ એન્જિનિયર હતી.
- સોનિયા ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં સવાલનો સાચો જવાબ આપનાર એકમાત્ર સ્પર્ધક હતી અને આ સાથે જ તે 10મી સીઝનની પ્રથમ સ્પર્ધક બની.