Movie Review: વીકેન્ડ સુધારી દે એવી છે 'વિટામિન She'

વીકેન્ડમાં આ ફિલ્મ જોવાથી હસવા તો મળશે જ સાથે સાથે ઘણું સમજવા પણ મળવાનું છે.

divyabhaskar.com | Updated - Jul 28, 2017, 09:00 AM
'વિટામિન શી'ના એક સીનમાં ધ્વનિત અને ભક્તિ કુબાવત
'વિટામિન શી'ના એક સીનમાં ધ્વનિત અને ભક્તિ કુબાવત

વીકેન્ડમાં આ ફિલ્મ જોવાથી હસવા તો મળશે જ સાથે સાથે ઘણું સમજવા પણ મળવાનું છે.

આજે ફૈઝલ હાશ્મી નિર્દેશિત અને સંજય રાવલ નિર્મિત ગુજરાતી ફિલ્મ 'વિટામિન શી' રીલિઝ થઈ ગઈ છે. ત્રણેક વર્ષથી બની રહેલી આ ફિલ્મ અંતે સિનેમાઘરોમાં આવી ગઈ છે. ફિલ્મ સાથે સંકળાયેલા મોટા ભાગના લોકો નવોદીતો છે. આ ફિલ્મથી ધ્વનિત ઠાકરનું એક્ટિંગ ક્ષેત્રે તો સંજય રાવલનું ફિલ્મ નિર્માણમાં ડેબ્યૂ કર્યું છે. આવો જાણીએ કેવી છે ફિલ્મ.
ક્રિટિક રેટિંગ 4/5
સ્ટારકાસ્ટ ધ્વનિત ઠાકર, ભક્તિ કુબાવત, સ્મિત પંડ્યા, મૌલિક નાયક, પ્રેમ ગઢવી, આશિષ કક્કડ, કુરુશ દેબૂ
ડિરેક્ટર ફૈઝલ હાશ્મી
પ્રોડ્યુસર સંજય રાવલ
મ્યૂઝિસિયન મેહુલ સુરતી
જોનર રોમેન્ટિક કોમેડી
શું છે સ્ટોરી
ફિલ્મમાં જીગર(ધ્વનિત), મનિયો(મૌલિક નાયક), એડમિન(પ્રેમ ગઢવી) અને વડીલ(સ્મિત પંડ્યા) ચાર ફ્રેન્ડ્સ છે. ફિલ્મનું મુખ્ય પાત્ર જીગર છે. વીમા પોલિસીનું કામ કરતા જીગરનું જીવન સાવ સુક્કુ હોય છે(એટલે કે છોકરી નામની કોઈ હરિયાળી નથી). એક દિવસ તેને મિત્ર વડીલ કહે છે, તારા જીવનમાં 'વિટામિન She'ની જરૂર છે. ત્યાર બાદ તેના જીવનમાં 'વિટામિન She' એટલે કે શ્રુતિ(ભક્તિ કુબાવત)ની એન્ટ્રી થાય છે. શરૂઆતમાં તણખા ઝર્યા બાદ બન્ને પ્રેમમાં પડે છે. ત્યાર બાદ તેની આ રિલેશનશીપમાં અનેક ઉતાર ચડાવ આવે છે અને ફિલ્મ ક્લાઈમેક્સ સુધી પહોંચે છે.
ઈન્ટરવલ પહેલા હાસ્યનું વાવાઝોડું
ફિલ્મ શરૂ થતા જ શાનદાર કોમેડી શરૂ થાય છે. એક એક સીન્સ ખૂબ હસાવે છે, ચારેય મિત્રો વચ્ચેની વાતચીત સાંભળીને ભલભલા હસવા માટે મજબૂર બને છે. આ ચારેય મિત્રોની અલગ ખાસિયતો છે. જેમાં એડમિન સતત ફોનમાં જ વ્યસ્ત હોય છે, તેણે એટલા તો ગ્રુપ બનાવ્યા છે કે, તેને ઉંચું માથુ કરવાનો પણ સમય મળતો નથી. જ્યારે મનિયો પ્રેમમાં પડવા જતા વારંવાર છોકરીઓના તમાચા ખાતો રહે છે અને ગમતી છોકરી રક્ષાના ટેટ્ટુને બદલે રિક્ષા લખાઈ જાય છે. જ્યારે વડીલની તો દરેક વાત પર ક્લેપ મળે એવી છે. તે જીગરના કામમાં સતત અડચણ રૂપ કામ કરતો રહે છે અને સમય આવ્યે તેની વ્હારે પણ પહોંચે છે. એકવાર જીગર શ્રુતિના મોં ફાટ વખાણ કરે છે, દાડમની કળી જેવા દાંતને....જેના જવાબમાં વડીલ કહે છે કે, તું પ્રેમમાં પડ્યો છો કે ફ્રુટ ડિશમાં એ જ તો ખબર પડતી નથી. આમ ફિલ્મનો ફર્સ્ટ હાફ હાસ્યથી છલોછલ છે.
આગળની સ્લાઈડ્સમાં જાણો 'વિટામિન She'માં ઈન્ટરવલ બાદ શું થાય છે, સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સ, ડિરેક્શન, સ્ક્રીન પ્લે, ડાયલોગ્સ, મ્યૂઝિક અને જોવી કે નહીં તે અંગે

'વિટામિન શી'ના એક સીનમાં મૌલિક નાયક, ધ્વનિત અને સ્મિત પંડ્યા
'વિટામિન શી'ના એક સીનમાં મૌલિક નાયક, ધ્વનિત અને સ્મિત પંડ્યા
ઈન્ટરવલ બાદ આવે છે નવા નવા ટ્વિસ્ટ

ફિલ્મનો પહેલો ભાગ ક્યારે પુરો થઈ જાય તેની ખબર જ રહેતી નથી. જોકે ઈન્ટરવલ બાદ ફિલ્મ થોડી ધીમી પડી જાય છે અને તેમાંથી કોમેડીને બદલે હવે સંબંધોની ગડમથલ ચાલુ થાય છે. એક તરફ શ્રુતિ અને જીગરની રિલેશનશીપમાં શરૂઆતમાં બધું ફુલ ગુલાબી લાગ્યા બાદ મુશ્કેલીઓ આવવા લાગે છે. દરેક કપલની જેમ તેમની લાઈફ પણ વર્ષોથી જોવા મળતી મુશ્કેલીઓ આવે છે. જીગર પ્રેમિકા શ્રુતિના કચકચિયા સ્વભાવથી કંટાળે છે અને તેઓ એકબીજા સાથે કંટાળી જાય છે. આમ તેના સંબંધોમાં અનેક સીરિયસ ટ્વિસ્ટ આવે છે. તો સમય જતા મિત્રો સાથે પણ જીગરને વાંકુ પડવા લાગે છે. લગભગ બધું વેર વિખેર થઈ જાય છે.
'વિટામિન શી'ના એક સીનમાં ધ્વનિત અને ભક્તિ કુબાવત
'વિટામિન શી'ના એક સીનમાં ધ્વનિત અને ભક્તિ કુબાવત
એક સાથે સાંકળવામાં આવી કુલ ચાર કપલની રિલેશનશીપને

જેમાં જીગરના ભાઈ(રાજ વઝીર)-ભાભી(કામિની પંચાલ), જીગરનું પાડોશી કપલ, શ્રુતિના પેરેન્ટ્સ સંજય(આશિષ કક્કડ)-જયશ્રી(કુમકુમ દાસ) અને જીગર-શ્રુતિનો સમાવેશ થાય છે. જેમાં જીગરના ભાઈ-ભાભી લગ્નના વર્ષો બાદ પણ એક બીજાની સંભાળ લેતું લવિંગ કપલ છે. તો શ્રુતિના પેરેન્ટ્સનું લગ્ન જીવન ડિવોર્સને આરે આવી જાય છે. જ્યારે જીગરના પાડોશી સમજણ સાથે જીવનને ખુશીથી આગળ વધારે છે. આ તમામ કપલ ક્યાંકને ક્યાંક શ્રુતિ અને જીગર સાથે પણ કનેક્ટેડ છે. આ કપલ્સ દ્વારા ફિલ્મ મેકરે નવા-નવા પ્રેમમાં પડેલા શ્રુતિ-જીગરને મેસેજ આપ્યો છે અને આજની યુવા પેઢીને પણ તેમાંથી શીખવા મળશે.
'વિટામિન શી'ના એક સીનમાં ધ્વનિત અને પ્રેમ ગઢવી
'વિટામિન શી'ના એક સીનમાં ધ્વનિત અને પ્રેમ ગઢવી
ડિરેક્શન, ડાયલોગ્સ અને સ્ક્રીન પ્લે
 
ફૈઝલ હાશ્મીએ એક સારી રોમેન્ટિક કોમેડી ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો છે. તેણે માણસના જીવનમાં 'વિટામિન She'નું મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો છે અને તેમાં તેઓ સફળ પણ રહ્યા છે. તમામ એક્ટર્સ પાસે ખૂબ સારી એક્ટિંગ પણ કરાવી છે. ઓવરઓવલ એક કેપ્ટન તરીકે તેમને ફુલ માર્ક્સ આપવા પડે. ફિલ્મનો સ્ક્રીન પ્લે અને ડાયલોગ્સ ફૈઝલ, મોહસિન ચાવડા અને પરેશ પટેલે લખ્યા છે. ફિલ્મ રાઈટર્સે એક સાથે કુલ ચાર કપલની રિલેશનશિપ બતાવી છે. જેમાં તેઓએ થોડામાં ઘણું કહી દીધું છે અને 10-15 મિનિટ સિવાય ભાગ્યે જ ફિલ્મ ધીમી પડે છે. તેમાં પણ ફિલ્મના વન લાઈનર્સ તો જમાવટ કરે એવા છે બોસ.
'વિટામિન શી'ના એક સીનમાં ધ્વનિત અને સ્મિત પંડ્યા
'વિટામિન શી'ના એક સીનમાં ધ્વનિત અને સ્મિત પંડ્યા
સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સ
ફિલ્મમાં જો કોઈ સરપ્રાઈઝીંગ પેકેજ હોય તો તે સ્મિત પંડ્યા છે. રેડિયોની દુનિયામાં કિશોર કાકા તરીકે જાણીતા સ્મિતે પોતાના હાવભાવથી કમાલની એક્ટિંગ કરી છે. જ્યારે ધ્વનિત અને ભક્તિ પણ એક્ટિંગ કરવા સફળ રહ્યા છે. આ બન્ને સ્ટાર્સે પોતાના પાત્રને ન્યાય આપ્યો છે. ફિલ્મના બીજા એક્ટર્સની વાત કરીએ તો મૌલિક નાયક અને પ્રેમ ગઢવી તો હાવભાવથી જ એક્ટિંગ કરી દિલ જીતી લે છે. ફિલ્મ મેકર આશિષ કક્કડ પણ અહીં એક્ટિંગમાં દમ બતાવતા જોવા મળે છે. આ સિવાય કુરુશ દેબૂથી લઈ કુમકુમ દાસ સહિત તમામ કલાકારોએ કોઈ કચાશ છોડી નથી.

મ્યૂઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર
 
ગુજરાતના ધુરંધર મ્યૂઝિસિયન મેહુલ સુરતીએ ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર અને સોંગ્સ કમ્પોઝ કર્યા છે. હાલ 'માછલીઓ ઉડે' અને 'છોકરી' તો લોકજીભે ચડી ગયા છે અને ધૂમ મચાવવા લાગ્યા છે. સોંગ્સ માટે મેહુલ સુરતીએ રિયલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ વગડાવ્યા છે, જેનો ફિલ્મ જોતી વખતે અહેસાસ થયા વિના રહેતો નથી.  ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર પણ સ્ટોરી મુજબ જ છે. આમ ફિલ્મનું મ્યૂઝિક એકદમ ફ્રેશ લાગે છે.
 
જોવી કે નહીં
રોમેન્ટિક કોમેડીના ચાહકોએ આ ફિલ્મ અચૂક જોવી જોઈએ. વીકેન્ડમાં આ ફિલ્મ જોવાથી હસવા તો મળશે જ સાથે સાથે ઘણું સમજવા પણ મળવાનું છે.
 
 

 
X
'વિટામિન શી'ના એક સીનમાં ધ્વનિત અને ભક્તિ કુબાવત'વિટામિન શી'ના એક સીનમાં ધ્વનિત અને ભક્તિ કુબાવત
'વિટામિન શી'ના એક સીનમાં મૌલિક નાયક, ધ્વનિત અને સ્મિત પંડ્યા'વિટામિન શી'ના એક સીનમાં મૌલિક નાયક, ધ્વનિત અને સ્મિત પંડ્યા
'વિટામિન શી'ના એક સીનમાં ધ્વનિત અને ભક્તિ કુબાવત'વિટામિન શી'ના એક સીનમાં ધ્વનિત અને ભક્તિ કુબાવત
'વિટામિન શી'ના એક સીનમાં ધ્વનિત અને પ્રેમ ગઢવી'વિટામિન શી'ના એક સીનમાં ધ્વનિત અને પ્રેમ ગઢવી
'વિટામિન શી'ના એક સીનમાં ધ્વનિત અને સ્મિત પંડ્યા'વિટામિન શી'ના એક સીનમાં ધ્વનિત અને સ્મિત પંડ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App