મુંબઈઃ ‘મેઘનાના બાળપણથી મોટા થવા સુધીની તમામ ક્ષણોને અમે શેર કરી છે. મતભેદો, ઝઘડાઓથી લઈ યાદગાર ક્ષણોને અમે સાથે માણી છે. જો આ સાથે રહેવું ન ગણાય તો ખબર નહીં સાથે રહેવું કોને કહે છે.’ આ વાત ડિરેક્ટર-રાઈટર ગુલઝારે કહી હતી. તાજેતરમાં જ મેઘનાએ તેમની બાયોપિક ‘Because He is’ લૉન્ચ કરી હતી. 84 વર્ષીય ગુલઝારે જણાવ્યું કે, 44 વર્ષથી તે પોતાની પત્નીથી અલગ રહેતા હોવાછતાં તેઓ ક્યારેય અલગ થઈ શક્યા નથી.
1973માં થયા હતા ગુલઝાર અને રાખીના લગ્ન
- ગુલઝારે બાયોપિક લોન્ચ ઈવેન્ટમાં કહ્યું હતું કે,"આજે પણ મને રાખીના હાથે બનેલી માછલી ખાવાની ઈચ્છા થાય છે તો હું તેને લાંચ તરીકે એક સાડી ગિફ્ટમાં આપું છું. હું વર્ષોથી તેને શાનદાર સાડીઓ ગિફ્ટ આપતો રહ્યો છું અને આજેપણ કરું છું."
- તેમણે આગળ જણાવ્યું કે,"આજે પણ દર 2-3 કલાકે અમારી વચ્ચે વાદ-વિવાદ થતો જોવા મળે છે. મને લાગે છે કે આ યોગ્ય પણ છે. તે પ્રેમ જ શું, જેમાં એકબીજા સાથે ઝઘડો ન થાય. રાખીને જે મન થાય એ કરે છે. મને જે સારું લાગે તે હું કરું છું, તમામ સારા મિત્રો આ રીતે જ રહે છે."
- ગુલઝારે જણાવ્યું કે,"વર્ષો પહેલા અમે જેવા હતા આજે પણ એવા જ છીએ. મે તેને કોઈપણ બાબતે જ્ઞાન નથી આપ્યું અને તેણે મારી માનસિક સ્થિતિને સમજી છે."
લગ્નના 1 વર્ષ બાદ જ અલગ થયા હતા રાખી-ગુલઝાર
- ગુલઝાર અને રાખીએ 1973માં લગ્ન કર્યા હતા. જોકે તેઓ લગ્નના એક વર્ષ બાદ જ અલગ થઈ ગયા હતા. આ દરમિયાન દીકરી મેઘનાનો પણ જન્મ થયો હતો. રાખીના ફિલ્મી કરિયરને કારણે બંનેમાં ઘણો વિવાદ રહ્યો જોકે અલગ થયા બાદ પણ તેમણે છૂટાછેડા લીધા નહીં.
20થી વધુ ફિલ્મ્સ કરી ડિરેક્ટ
- ગુલઝારે પોતાની કરિયર દરમિયાન 20થી વધુ ફિલ્મ્સ ડિરેક્ટ કરી હતી. જેમાં ‘પરિચય’, ‘આંધી’, ‘ઈજાજત’, ‘માચિસ’, ‘લેકિન’, ‘અંગૂર’, ‘નમકીન’ જેવી ફિલ્મસ સામેલ છે.
- રાખીએ પોતાના 35 વર્ષના ફિલ્મી કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મમાં સુપરસ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી છે.
- રાખીએ ‘દાગ’, ‘બ્લેકમેલ’, ‘કભી-કભી’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘કસમે વાદે’, ‘ત્રિશૂલ’, ‘કાલા પત્થર’, ‘રામ લખન’, ‘બાજીગર’, ‘કરન-અર્જુન’ જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે.