તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષ્ણા રાજ કપૂરની અંતિમ યાત્રામાં બોલિવૂડ વિલન ડેની મળ્યો જોવા, વધતી ઉંમરને કારણે ઓળખવો બન્યો મુશ્કેલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ વિલન ડેની ડેન્ઝોંગ્પા તાજેતરમાં જ કૃષ્ણા રાજ કપૂરના અંતિમ દર્શને જોવા મળ્યાં હતાં. આ સમયે ડેનીને ઓળખવા મુશ્કેલ બની ગયા હતાં. એક સમયના ખૂંખાર વિલન ડેની વધતી ઉંમરને કારણે એકદમ અશક્ત થઈ ગયા છે. તેઓ લાકડીના સહારે ચાલતા હતાં અને તેમણે ચશ્મા પહેરેલાં હતાં.


ઘોડે સવારીનો હતો શોખઃ
25 ફેબ્રુઆરી, 1948માં ત્શેરિંગ ફિન્સ્ટો ડેન્ઝોંગ્પાનો જન્મ ગંગટોકમાં બુદ્ધિસ્ટ પરિવારમાં થયો હતો. તેમણે નૈનિતાલમાં બિરલા વિદ્યા મંદિરમાંથી સ્કૂલિંગ કર્યું હતું અને ત્યારબાદ દાર્જલિંગની સેન્ટ જોસેફ કોલેજમાંથી કોલેજ કરી હતી. યુવાનીમાં ત્શેરિંગને ઘોડે સવારી ઘણી જ ગમતી હતી અને તેમનો પરિવાર ઘોડા ઉછેરનું કામ કરતો હતો. ત્શેરિંગ પેઈન્ટર, રાઈટર તથા સ્કલ્પ્ટર છે.


ઈન્ડિયન આર્મીમાં જવાની હતી ઈચ્છાઃ
ત્શેરિંગને યુવાનીમાં ઈન્ડિયન આર્મી જોઈન કરવાની અને પ્રજાતંત્રના દિવસની પરેડમાં સામેલ થવાની ઈચ્છા પ્રગટ કરી હતી. એક ઈન્ટરવ્યૂમાં ડેનીએ કહ્યું હતું કે તેમણે પૂનાની આર્મ્ડ ફોર્સ મેડિકલ કોલેજમાં એડમિશન લીધું હતું. જોકે, પછી તેમણે અધવચ્ચેથી ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા, પૂનામાં એડિશન લઈ લીધું હતું. જોકે, ત્શેરિંગ નામ અઘરું હોવાથી ડેની નામ રાખી લીધું હતું. ફિલ્મ એન્ડ ટીવી ઈન્સ્ટીટ્યૂના કોર્સ દરમિયાન ક્લાસમેટ જયા બચ્ચનના કહેવાથી નામ બદલ્યું હતું.


190થી વધુ હિંદી ફિલ્મ્સમાં કર્યું કામઃ
1971માં ડેનીએ સૌ પહેલાં બી આર ઈશારાની ફિલ્મ 'ઝરૂરત'થી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ ગુલઝારની 'મેરે અપને'(1972)માં પોઝિટિવ રોલ કર્યો હતો. બી આર ચોપરાની 'ધૂંધ'(1973)માં ડેનીએ નેગેટિવ રોલ કર્યો હતો. 70ના દાયકામાં ડેની ફિલ્મ્સમાં સેકન્ડ હીરો બનતા અને પોઝિટિવ રોલ કરતાં હતાં. ત્યારબાદ તેમણે નેગેટિવ રોલ કરવાની શરૂઆત કરી હતી. જોકે, 80ના દાયકામાં એક જેવા રોલ કરીને તેઓ કંટાળી ગયા હતાં અને તેણે ડિરેક્ટર તરીકે 'ફિર વોહી રાત' ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં રાજેશ ખન્ના તથા કિમ હતાં અને ફિલ્મ સુપરહિટ રહી હતી. ત્યારબાદ ડેનીએ કેટલીક ફિલ્મ્સ ડિરેક્ટ કરી હતી. ડેનીએ 190થી વધુ હિંદી ફિલ્મ્સમાં કામ કર્યું છે. આ સિવાય નેપાલી, તમિલ, બેંગાલી તથા તેલુગુ ફિલ્મ્સમાં કામ કર્યું છે. તેઓ છેલ્લાં ચાર દાયકાથી પણ વધુ સમયથી એક્ટિંગ ક્ષેત્રે કાર્યરત છે. 2003માં ડેનીને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.


બે સંતાનોઃ
ડેની ગાવા ડેન્ઝોંગ્પા સાથે લગ્ન કર્યાં છે. તેમને બે સંતાનો દીકરો રિન્ઝિંગ તથા દીકરા પેમા છે. દીકરો અવાર-નવાર જોવા મળતો હોય છે. જોકે, દીકરી પેમા ભાગ્યે જ લાઈમ-લાઈટમાં આવતી હોય છે.


મુંબઈના બંગલા પાછળ આ છે કહાનીઃ
ડેનીનું ઘર પણ મુંબઈના જુહૂમાં છે. તેણે પોતાના ઘરનું નામ 'ડ્ઝોંગરિલા' રાખ્યું છે. જે તેની અટક ડેંગઝોપ્પા પર આધારિત છે. બોલિવૂડમાં આવ્યા પહેલાં એકવાર ડેની જુહૂમાં ફરતો હતો. જુહૂના આ વિસ્તારમાં ધર્મેન્દ્ર, મનોજ કુમાર જેવા જાણીતા સેલેબ્સના ઘર હતાં. ત્યારે ડેનીની નજર પ્રોડ્યુસર મોહન કુમારના બંગલા પર પડી હતી. ડેનીએ આ અંગે સાંભળ્યું હતું. બંગલામાં સિક્કિમના અનેક ગાર્ડ હતાં. જેને કારણે ડેનીને બંગલામાં એન્ટ્રી મળી ગઈ હતી. બંગલાની અંદર ગયા બાદ ડેનીએ મોહન કુમાર સાથે મુલાકાત કરી હતી અને જ્યારે ડેનીએ એક્ટર બનવાની ઈચ્છા પ્રગટ કરી તો પ્રોડ્યુસર જોર-જોરથી હસવા લાગ્યો હતો. મોહન કુમારે ડેનીને પોતાના બંગલામાં ગાર્ડની નોકરી ઓફર કરી હતી. તે દિવસે ડેનીએ પોતાની જાતને વચન આપ્યું હતું કે એક દિવસ તે મોહન કુમારના બંગલાની બાજુમાં પોતાનો બંગલો બનાવશે. સમય પસાર થતો ગયો અને અંતે એક દિવસ ડેનીએ મોહન કુમારના બંગલાની બાજુમાં જ જમીન ખરીદીને પોતાનો બગંલો બનાવ્યો હતો.


મોટાભાગે રહે છે સિક્કિમમાં:
મુંબઈ શહેરમાં થતા ઘોંઘાટથી કંટાળીને આજે પણ ડેની મોટા ભાગે સિક્કિમ પોતાના ગામ રહેતા હોય છે. તેમને ત્યાં પર્વતો પર તઢવું અને જંગલોમાં ફરવું ઘણું જ પસંદ છે.


આ ફિલ્મ્સમાં મળશે જોવાઃ
ડેનીની ફિલ્મ 'બાયોસ્કોપવાલા' રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા 'કાબૂલીવાલા' પર આધારિત છે. આ ફિલ્મમાં તે અફઘાની વ્યક્તિના રોલમાં જોવા મળશે. આ સિવાય કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ક્વીન ઓફ ઝાંસી’માં જોવા મળશે, જેમાં તે ગુલામ મોહમ્મદ ગૌસ ખાનના રોલમાં છે, જે રાણીનો ખાસ રક્ષક હતો અને ઝાંસી પર અંગ્રેજોએ હુમલો કર્યો ત્યારે જોરદાર લડાઈ લડી હતી. આ ઉપરાંત ડેની ‘બેટલ ઓફ સારાગઢી’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તે અફઘાન સરદારના રોલમાં છે, જ્યારે રણદિપ હુડ્ડા ભારતીય સૈન્યના પ્રમુખના રોલમાં હશે.

 

માતાના નિધનથી ભાંગી પડ્યો હતો દીકરો રણધિર કપૂર, દીકરી કરિનાએ સતત આપ્યો સધિયારો