મુંબઈઃ ભારતીય સિનેમાની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ રજનીકાંત તથા અક્ષય કુમારની '2.0' બની છે. આ ફિલ્મને લઈ એક નવી વાત સામે આવી છે. અક્ષય કુમારે હાલમાં જ સોશ્યિલ મીડિયામાં આ ફિલ્મનું પોસ્ટર રીલિઝ કર્યુ છે અને ફિલ્મના વીએફએક્સ પાછળ 75 મિલિયન ડોલર(544 કરોડ રૂપિયા)નો ખર્ચ કર્યો હોવાની વાત કરી છે. આ ફિલ્મનું ટિઝર 13 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થવાનું છે.
બે વર્ષથી બને છે '2.0'
ડિરેક્ટર શંકરના નેજા હેઠળ બનતી રજનીકાંત-અક્ષય કુમારની આ ફિલ્મ છેલ્લાં બે વર્ષથી બને છે. આ ફિલ્મમાં ઈન્ટરનેશનલ સ્તરના વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેની પાછળ 75 મિલિયન ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો છે. હજી પ્રમોશન બાકી છે. જે દેશ-વિદેશમાં કરવામાં આવશે. બજેટને લઈ આ ફિલ્મ ભારતીય સિનેમાના ઈતિહાસની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ સાબિત થઈ છે. આ ફિલ્મને તમિલ-હિંદીમાં રીલિઝ કરવામાં આવશે. ત્યારબાદ અન્ય 10 ભાષામાં ડબ કરવામાં આવશે. આ ફિલ્મના વીએફએક્સ તૈયાર કરવા માટે વિશ્વભરમાં 3000 ટેક્નિશિયને દિવસ-રાત મહેનત કરી છે.
કર્યો આવો દાવોઃ
ફિલ્મના પોસ્ટરથઈ લઈને ટિઝરને એવા બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે કે જે અત્યાર સુધી ક્યારેય દર્શકોએ જોયું નહીં હોય. વીએફએક્સના કારણે ફિલ્મ 10 મહિના લેટ રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મ 3ડીમાં પણ રીલિઝ થશે.
અક્ષય બન્યો છે કાગડોઃ
સ્ટંટ સીન માટે અનેક ઈન્ટરનેશનલ એક્શન ડિરેક્ટર તથા એક્સપર્ટને લેવામાં આવ્યા હતાં. ફિલ્મના ક્લાઈમેક્સમાં રજનીકાંત-અક્ષય વચ્ચેનો ફાઈટ સીન 20 કરોડ રૂપિયામાં પડ્યો છે. અક્ષય કુમારને મેક-અપમાં ત્રણ કલાકનો સમય લાગતો અને મેક-અપ ઉતારવામાં એક કલાક થતો હતો. જેનો ખર્ચ ચાર કરોડ રૂપિયા છે. અક્ષય ફિલ્મમાં ડૉ. રિચાર્ડની ભૂમિકામાં છે.
તે ખોટા એક્સપરિમેન્ટને કારણે કાગડો બની જાય છે. તેનું ડ્રાસ્ટિક મેક-ઓવર હોલિવૂડ મેક-અપ આર્ટિસ્ટ સીન ફૂટે કર્યું છે. પ્રમોશન માટે 50 કરોડ ફાળવવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે આ ફિલ્મ 29 નવેમ્બર, 2018ના રોજ રીલિઝ થશે.
(જુઓ, અત્યાર સુધીની સૌથી મોંઘી સાઉથ ઈન્ડિયન્સ ફિલ્મ્સ....)