હની સિંઘ પર બનશે વેબ સીરિઝ, વીડિયો દ્વારા નવા સોંગની આપી પહેલી ઝલક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોઈપણ પાર્ટી જેના વગર અધૂરી જ રહે તેવાં આ સુપર ડુપર હિટ પાર્ટી સોંગ્સ આપનારો બોલિવૂડ રેપર હૃદયેશ સિંઘ યાને કે ‘યો યો હની સિંઘ’ છેલ્લાં બે વર્ષથી ગાયબ હતો. ખાસ્સો સમય અજ્ઞાતવાસમાં રહ્યા પછી 'સોનુ કે ટીટુ કી સ્વીટી’થી હની સિંઘે જબરદસ્ત કમબૅક કર્યું છે. 

 

ઓલરેડી હિટ થઈ ગયેલું આ સોંગ એક પંજાબી સોંગ ‘દિલ ચોરી સાડા હો ગયા’નું રિમિક્સ વર્ઝન છે. ઇન્ટરેસ્ટિંગ વાત હવે આવે છે. આ સોંગને હિટ બનાવનાર પ્રેક્ષકોનો આભાર માનવા માટે હની સિંઘ ઇન્સ્ટાગ્રામ પર સદેહે પ્રગટ થયો હતો. આ વીડિયોમાં તેણે તેના સોંગ 'દિલ ચોરી'ને હિટ બનાવવા માટે પોતાના ફેન્સનો આભાર માન્યો હતો.સાથે સાથે પોતાના નવા સોંગ 'છોટે છોટે પેગ'ની પહેલી ઝલક પણ લોકોને સંભળાવી હતી.

 

ગરમા ગરમ ગોસિપ એવી છે કે ફિલ્મમેકર વિક્રમ ભટ્ટ હની સિંઘની લાઇફ પરથી ‘સ્પોટલાઇટ-2’ નામની વેબસિરીઝ બનાવી રહ્યા છે. એ વેબ સિરીઝમાં એક સિંગિંગ સેન્સેશન કઈ રીતે ડ્રગ્સ અને દારૂના રવાડે ચડી જાય છે તેની સ્ટોરી છે. ઇન્ટરેસ્ટિંગ એ છે કે હની સિંઘની રિયલ લાઇફ સ્ટોરી પણ કંઇક એવી જ છે. છેક 2014થી એની સંતાકૂકડી ચાલી રહી છે. અગાઉ દોઢ વર્ષ માટે એ ગાયબ થઈ ગયેલો. ત્યારે ચર્ચાઓ ચાલેલી કે ડ્રગ્સનાં વ્યસનમાંથી છૂટવા માટે રિહેબ સેન્ટર ગયેલો. જોકે પાછળથી ખુદ હની સિંઘે જ ચોખવટ કરી કે દોઢ વર્ષથી એ પોતાના નોઈડાના ઘરમાં હતો અને બાઈપોલર ડિસઓર્ડર નામના માનસિક વ્યાધિથી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ છેલ્લાં બે વર્ષથી એ ફરી પાછો ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. આ વખતે એણે પોતાના અજ્ઞાતવાસનું કારણ જાહેર કર્યું નથી. અલબત્ત, એના વીડિયોમાં તો એ એકદમ ફિટ એન્ડ ફાઇન લાગી રહ્યો છે. 

 

‘સ્પોટલાઇટ-2’ની પહેલાં ‘ઊડતા પંજાબ’ ફિલ્મમાં શાહિદ કપૂરનું કેરેક્ટર પણ હની સિંઘ પર જ બેઝ્ડ હોવાની ચર્ચા હતી. આપણે આશા રાખીએ કે ‘ઊડતા પંજાબ’ના શાહિદ કપૂરની જેમ આપણો ‘યો યો હણી સિંઘઅઅઅ’ પણ રાઇટ ટ્રેક પર આવી જાય અને ફરી પાછો ગાયબ ન થઈ જાય.

અન્ય સમાચારો પણ છે...